યર્મિયા 19 - પવિત્ર બાઈબલતૂટેલ બરણી 1 ત્યારબાદ યહોવાએ યર્મિયાને કહ્યું, “જા, અને એક માટીની બરણી ખરીદી લાવ, ત્યાર પછી લોકોના કેટલાક આગેવાનોને અને કેટલાક યાજકોને તારી સાથે લઇ લે. 2 નગરનાં પૂર્વ દરવાજાએથી તેઓને બેન-હિન્નોમની ખીણમાં લઇ જા, અને હું તને જે વચનો આપું તે તું ત્યાં તેઓને કહી સંભળાવ. 3 તું એમ કહેજે, ‘સાંભળો, હે યહૂદિયાના રાજાઓ અને યરૂશાલેમના વતનીઓ! ઇસ્રાએલના દેવ સૈન્યોના દેવ યહોવાના આ વચનો છે; હું આ જગ્યા પર એવી વિપત્તિ ઉતારનાર છું કે જે કોઇ સાંભળશે તેનાં કાનમાં ગુંજ્યા કરશે. 4 રણ કે ઇસ્રાએલે મારો ત્યાગ કર્યો છે અને તેમણે વિદેશી દેવોને દહનાર્પણો ધરાવીને આ સ્થાનને ષ્ટ કર્યુ છે. એ વિદેશી દેવો જેના વિષે તેમણે તેમના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાએ પણ ક્યારેય સાંભળ્યું નથી. તેમણે આ સ્થાનને નિર્દોષોના લોહીથી ભરી દીધું છે. 5 તેમણે બઆલ દેવને માટે યજ્ઞવેદીઓ ઊભી કરી છે. જ્યાં તેઓ પોતાનાં બાળકોની આહુતિ આપે છે. મેં કદી એવી આજ્ઞા કરી જ નથી. એવો કોઇ વિચાર પણ મારા મનમાં કદી આવ્યો જ નથી!’” 6 યહોવા કહે છે, “‘એવો દિવસ આવશે જ્યારે આ ખીણ “તોફેથ” અથવા “બેન-હિન્નોમ” થી ઓળખાશે નહિ પરંતુ તેઓ તેને કતલની ખીણ કહેશે. 7 આ જગ્યાએ હું યહૂદિયા અને યરૂશાલેમના લોકોની બધી યોજનાઓના માટીની બરણીની જેમ ભૂક્કેભૂક્કા ઉડાવી દઇશ! હું તેમનો તેમના દુશ્મનોને હાથે તરવારથી નાશ કરાવીશ, તેમના મૃતદેહ હું પંખીઓને અને જંગલી પશુઓને ખાવા સોંપી દઇશ. 8 હું યરૂશાલેમને સંપૂર્ણ તારાજ કરી નાખીશ. ત્યાંથી પસાર થનાર દરેક જોશે કે મેં તેને કેટલું ભારે નુકશાન પહોંચાડ્યું છે! અને તે આ જોઇને આશ્ચર્ય પામશે, કે મે તેનો કેવો નાશ કર્યો. 9 તેઓના શત્રુઓ, જેઓ તેઓનો જીવ શોધે છે તેઓ ઘેરો ઘાલીને તે બધાને સંકડામણમાં લાવશે, તે વખતે તેઓ પોતાના પુત્રોનું તથા પોતાની પુત્રીઓનું માંસ ખાય એવું હું કરીશ. તેઓ બધા એકબીજાનું માંસ ખાશે.’ 10 “અને હવે, યર્મિયા, તારી સાથે લાવેલી બરણીને તું આ માણસોના દેખતા તોડી નાખ. 11 તેઓને કહે, ‘યહોવા સૈન્યોનો દેવ તરફથી તમને આ સંદેશો છે; તેવી જ રીતે હું યરૂશાલેમ શહેરને તોડી નાખીશ જેમ કુંભાર એક વાસણને તોડી નાખે છે જેથી તેનું સમારકામ ક્યારેય ન થાય. તોફેથમાં ઘણા બધા લોકોને દફનાવવામાં આવશે કારણ કે તેઓને દફનાવવા માટે બીજી કોઇ જગ્યા નથી. 12 આ ખીણમાં જેવું હશે તેવું જ યરૂશાલેમમાં પણ હશે, કારણ કે હું યરૂશાલેમને પણ મૃતદેહોથી ભરી દઇશ. 13 યરૂશાલેમનાં મકાનો, યહૂદિયાના રાજાઓનાં મકાનો અને જે જે ઘરનાં છાપરાં પર લોકોએ આકાશનાં નક્ષત્રોને બલિદાન ચઢાવ્યાં છે અને બીજા દેવોને પેયાર્પણો આપ્યા છે તે બધા મકાનો “તોફેથ” જેવાં નષ્ટ બની જશે.’” 14 યહોવાએ દેવી વાણી ભાખવા યર્મિયાને તોફેથ મોકલ્યો હતો, ત્યાંથી પાછા ફર્યા બાદ તે યહોવાના મંદિરના ચોકમાં ઊભો રહ્યો અને બધા લોકોને ઉદ્દેશીને બોલ્યો, 15 “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ કહે છે; ‘મેં વચન આપ્યું છે તે મુજબ આ નગર તેમજ તેની આસપાસના નગરો પર સર્વ વિપત્તિઓ હું લાવીશ, કારણ કે તમે લોકો હઠીલા છો અને મારું કહ્યું માનતા નથી.’” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International