Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 16 - પવિત્ર બાઈબલ


સર્વનાશ વિષેનું ભાવિકથન

1 બીજા એક પ્રસંગે મને યહોવાની વાણી સંભળાઇ;

2 “તારે આ જગ્યાએ લગ્ન કરવા નહિ, કે છોકરાં વાળા ન થવું.”

3 કારણ, આ જગ્યાએ જન્મેલા બાળકો વિષે અને તેમને જન્મ આપનાર માતાપિતા વિષે હું કહું છું કે,

4 “તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, કોઇ તેઓને માટે ચિંતા કરશે નહિ કે તેઓને દફનાવશે નહિ, પરંતુ તેઓના મૃતદેહો ખુલ્લા મેદાનમાં પડ્યા રહેશે અને ભોંય પર સડી જઇ ખાતરરૂપ થશે. તેઓ યુદ્ધ કે દુકાળમાં મૃત્યુ પામશે અને તેઓના મૃતદેહોને પંખીઓ અને પશુઓ ફાડી ખાશે.”

5 “જે ઘર શોકમાં હોય ત્યાં જઇશ નહિ. તેમના શોકમાં ભાગ લેવા કે, તેમને આશ્વાસન આપવા જઇશ નહિ.” આ યહોવાના વચન છે.

6 “કારણ કે આ લોકો પાસેથી મેં મારી શાંતિ પાછી ખેંચી લીધી છે, મેં મારો પ્રેમ અને મારી દયા પાછા ખેંચી લીધા છે. આ દેશમાં ઊંચ કે નીચ જે કોઇ મરશે, તેને નહિ કોઇ દફનાવે કે તેનો નહિ કોઇ શોક કરે: તેમને માટે નહિ કોઇ પોતાના શરીર પર ઘા કરે કે નહિ કોઇ માથું મુંડાવે.

7 કોઇ તેને સાંત્વન આપવા શોક કરનારની સાથે ખાશે નહિ કે પીશે નહિ, પછી ભલે ને તેનાં માબાપ મૃત્યુ પામ્યા હોય.

8 “જે ઘરમાં ખાવાપીવાની ઉજાણી ચાલતી હોય ત્યાં જઇને ખાવાપીવા બેસી જઇશ નહિં.

9 કારણ, મેં ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાએ કહ્યું છે કે, ‘હું અહીં આ દેશનાં સર્વ હાસ્યનો, આનંદના ગીતોનો, લગ્ન ઉત્સવોનો તથા વર-કન્યાનાં ગીતોનો અંત લાવીશ.’

10 “જ્યારે તું આ લોકોને આ બધું કહેશે ત્યારે એ લોકો તને પૂછશે કે, ‘યહોવાએ આ બધી ઘોર આફતો આપણે માથે નાખવાનું શાથી નક્કી કર્યું છે? આપણો શો અપરાધ છે? આપણે આપણા દેવ યહોવાનો શો ગુનો કર્યો છે?’

11 ત્યારે તારે જવાબ આપવો; ‘કારણ, તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો હતો,’ આ હું યહોવા બોલું છું. ‘અને બીજા દેવોને માની તેમની પૂજા કરી હતી; તેમણે મારો ત્યાગ કર્યો હતો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું.

12 અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા આચરો છો! તમારા હૃદયની ઇચ્છાઓ સંતોષાય ત્યાં સુધી તમે દુષ્ટતાની પાછળ જાઓ છો અને મને આધીન થવાનો ઇન્કાર કરો છો.

13 આથી હું તમને આ દેશમાંથી ઉખાડી; તમને અને તમારાં પિતૃઓને અજાણ્યા દેશમાં ફગાવી દેનાર છું. ત્યાં તમે રાતદિવસ વિદેશી દેવોને ભજ્યા કરજો. કારણ, હું તમારા પર દયા રાખવાનો નથી.’”

14 યહોવા કહે છે, “જુઓ, હવે એ સમય આવે છે જ્યારે લોકો સોગંદ લેતી વખતે ક્યારેય નહિ કહે કે જેવી રીતે ચોક્કસ પણે યહોવા જીવે છે ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો.

15 પણ તેઓ કહેશે જેમ ચોક્કસ પણે યહોવા જીવીત છે તેમ ઇસ્રાએલીઓને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેઓને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર યહોવાના સમ! કારણકે, મેં તેમના પૂર્વજોને ભૂમિ આપી હતી તેમાં જ હું તેમને પાછા લાવીશ.”

16 યહોવા કહે છે, “હવે હું અનેક માછીમારોને મોકલીશ અને તેઓ તે લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું અનેક શિકારીઓને મોકલીશ અને તેઓ તેમને એકેએક પર્વત પરથી અને એકેએક ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે.

17 કારણ કે હું આખો વખત તેમનું અને તેમના પાપોનું નિરીક્ષણ કરું છું. તેથી મારાથી કશું છુપું રહેતુ નથી.

18 હું તેમની પાસે તેમનાં પાપોનો અને દુષ્ટતાનો બમણો બદલો લઇશ, કારણ, તેમણે મારા દેશની ભૂમિને મુડદાં જેવી ઘૃણાસ્પદ મૂર્તિઓથી ભરી દઇને અભડાવી છે.”

19 હે યહોવા, સંકટના સમયમાં મને બચાવનાર, મારું સાર્મથ્ય તથા મારો ગઢ, સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા વડીલો મૂર્ખ હતા, કારણ કે તેઓએ જૂઠા દેવોની તથા નિરર્થક મૂર્તિઓની પૂજા કરી હતી.

20 માણસ કદી પોતાના દેવને બનાવી શકતો હશે? માણસના બનાવેલા હોય તે દેવ હોઇ જ ન શકે.”

21 યહોવા કહે છે, “તેઓ આવી કબૂલાત કરતા આવશે, તો હું મારું સાર્મથ્ય અને પરાક્રમ તેઓને દેખાડીશ અને હું એકલો જ દેવ છું ને મારું નામ જ ‘યહોવા છે’ તેવું તેઓને સમજાવીશ.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan