યર્મિયા 13 - પવિત્ર બાઈબલબંદીવાન થવાનો લોકોનો ડર 1 યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, શણનો કમરબંધ ખરીદી લાવ અને તે પહેર. પણ તેને પાણીમાં બોળીશ નહિ.” 2 આથી યહોવાના કહ્યા પ્રમાણે મેં કમરબંધ વેચાતો લીધો અને મારી કમરે બાંધ્યો. 3 યહોવાનો સંદેશો ફરીથી મારી પાસે આવ્યો. આ વખતે તેમણે કહ્યું, 4 “તેં જે કમરબંધ ખરીદી લાવીને પહેર્યો છે તે લઇને એકદમ ફ્રાત નદીએ જા અને ત્યાં ખડકોની ફાટમાં સંતાડી દે.” 5 તેથી મેં તેમ કર્યું; યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે મેં તેને ફ્રાત નદીએ જઇને સંતાડી દીધો. 6 ઘણા દિવસો વીત્યા પછી યહોવાએ મને કહ્યું, “એકદમ ફ્રાત નદીએ જા અને મેં તને કમરબંધ સંતાડવા કહ્યો હતો તે પાછો લઇ આવ.” 7 આથી હું ફ્રાત નદીએ ગયો અને જે જગ્યાએ કમરબંધ સંતાડ્યો હતો તે શોધી કાઢી અને ઉપાડ્યો તો ખબર પડી કે, તેને ફૂગ લાગી ગઇ હતી અને તૂટી જતો હતો. હવે તે સંપૂર્ણપણે નકામો થઇ ગયો હતો. 8 પછી યહોવાનો સંદેશ મારી પાસે આવ્યો, 9 “આજ છે જે યહોવાએ કહ્યું, જેવી રીતે કમરબંધ ખરાબ થઇ જાય છે અને કશા કામનું નથી રહેતું, હું યહૂદિયા અને યરૂશાલેમના લોકોને નષ્ટ કરી નાખીશ. 10 તે દુષ્ટ લોકોએ મારું કહ્યું સાંભળવાની ના પાડી છે; તેઓ પોતાના હઠીલાં મન કહે તેમ કરે છે, બીજા દેવોને માને છે, તેમની પૂજા કરે છે અને તેમને પગે લાગે છે, આથી તેઓની દશા પણ આ કમરબંધ જેવી થશે; તેઓ કશા કામના નહિ રહે.” 11 યહોવા કહે છે, “જેમ કમરબંધ માણસની કમરે વળગી રહે, તેમ ઇસ્રાએલના અને યહૂદિયાના બધા લોકોને મેં મારી આસપાસ વીંટાળ્યા હતા, જેથી તેઓ મારા લોકો બની શકે અને મારી કીર્તિ થાય, મારા નામનું ગૌરવ વધે; પણ તેમણે મારું સાંભળ્યું નહિ.” યહૂદાને ચેતવણી 12 “યર્મિયા, તું તે લોકોને કહે કે, ‘આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; દ્રાક્ષારસની દરેક બરણી દ્રાક્ષારસથી ભરાઇ જવી જોઇએ’ અને તેઓ જવાબ આપશે, ‘અલબત્ત અમે ઘણી સારી રીતે જાણીએ છીએ કે દરેક બરણી દ્રાક્ષારસથી ભરાઇ જવી જોઇએ.’ 13 પણ તું તેઓને કહે; ‘તમે મારા માટે ગેરસમજ કરો છો. મારું કહેવું આ છે, કે દેશના બધાં રહેવાસીઓને એટલે કે, દાઉદના રાજ્યાસન પર બેઠેલા રાજાને, યાજકોને, પ્રબોધકોને અને સર્વ સામાન્ય લોકોને હું છાકટાપણાથી ભરી દઇશ.’” 14 યહોવા કહે છે, “હું તેમને-વડીલોને તેમજ જુવાનોને, એકબીજાની સાથે અથડાવીશ. હું તેઓ પર દયા કે કરૂણા દર્શાવીશ નહિ, પણ હું તેમનો સંપૂર્ણ નાશ કરીશ.” આ યહોવાના વચન છે. 15 યહોવા કહે છે, “હે ઇસ્રાએલના લોકો, સાંભળો, ધ્યાન આપો, ગર્વ છોડી દો! 16 અંધારું થાય તે પહેલાં અને સંધ્યાં સમયે પર્વત પરના પ્રવાસીની જેમ તમે ગબડી પડો તે પહેલાં તમારાં દેવ યહોવાને સન્માન આપો, અને તે અને તમે જે પ્રકાશની આશા રાખો છો તેને ધૂંધળા પડછાયા અને ગાઢ અંધકારમાં ફેરવી નાખે છે. 17 શું હજુ પણ તમે સાંભળવા ના પાડો છો? તો પછી તમારા અભિમાનને લીધે ભગ્ન થયેલું મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે, મારી આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેશે, કારણ કે યહોવાના લોકોને બંધનાવસ્થામાં લઇ જવામાં આવશે.” 18 યહોવાએ મને કહ્યું, “રાજાને અને રાજરાણીને કહે; નીચે બેસો, કારણ, તમારા મહિમાવંત મુગટો તમારા શિર પરથી ઉતારી લેવામાં આવ્યા છે. હવે તે તમારા નથી રહ્યા.” 19 દક્ષિણનાં શહેરો ઘેરાઇ ગયાં છે; કોઇ તે ઘેરાને વીંધીને ત્યાં પહોંચી શકે એમ નથી, આખા યહૂદિયાના લોકોને દેશવટો દેવામાં આવ્યો છે, કોઇ કહેતાં કોઇ બાકી રહ્યું નથી. 20 હે યરૂશાલેમ, આંખો ઊંચી કરીને જો! ઉત્તરમાંથી પેલા દુશ્મનો આવી રહ્યા છે, જે લોકોને મેં તને સોંપ્યા હતા, જેને માટે તું ગૌરવ લેતી હતી, તે ક્યાં છે? 21 તારા પડોશી દેશોને જેને તેઁ શીખવાડ્યું હતું અને જેમને તેં મિત્રો ગણ્યા હતાં તેમને તારા પર રાજકર્તાઓ તરીકે હું બેસાડીશ. ત્યારે તને કેવું લાગશે? સ્ત્રીને પ્રસૂતિની વેદના થાય તેવી વેદના અને કષ્ટ તું અનુભવશે. 22 ત્યારે તને થશે કે, “મારે માથે આ બધું શા માટે ગુજર્યું?” તારાં ભયંકર પાપને કારણે તને નવસ્ત્રી કરીને તારા પર બળાત્કાર કરવામાં આવ્યો છે. અને તારો નાશ કર્યો છે. 23 હબસી કદી પોતાની ચામડી બદલી શકે? અથવા ચિત્તો પોતાના ટપકાં દૂર કરી શકે? તે જો શક્ય હોય તો જ ખોટું કરવાને ટેવાયેલી તું સત્કર્મ કરી શકે. 24 “અરણ્યના સૂસવાટાભર્યા પવનથી ભૂસું ઊડી જાય છે તેમ તમને હું વિખેરી નાખીશ. 25 તારા ભાગ્યમાં એ જ છે, એ જ મેં તારે માટે નીમ્યું છે,” આ હું યહોવા બોલું છું. “કારણ તું મને ભૂલી ગઇ છે, અને તેઁ ખોટા દેવોમાં વિશ્વાસ મૂક્યો છે. 26 હું તારા વસ્ત્રો તારા મોઢા સુધી પર લઇ જઇશ અને તારાં પાપ ઉઘાડા કરીશ. 27 તારા વ્યભિચાર, તારી કામવેગના હિસોટા, તારા જારકર્મો, ડુંગરો પરનાં અને ખેતરોમાંના તારાં એ અધમ કૃત્યો મેં જોયાં છે. હે યરૂશાલેમ, તારું આવી જ બન્યું છે! તારે શુદ્ધ થવું જ નથી. ક્યાં સુધી આમને આમ ચલાવ્યા કરીશ? તમારી મૂર્તિઓની પૂજાથી હું વાકેફ છું.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International