Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 11 - પવિત્ર બાઈબલ

1 હવે ગિલયાદમાં યફતા નામનો એક શૂરવીર અને બળવાન યોદ્ધો હતો. તે એક વારાંગનાનો પુત્ર હતો અને ગિલયાદ તેનો પિતા હતો.

2 ગિલયાદની પત્નીને પણ પુત્રો હતાં અને જયારે તેઓ મોટા થયા, ત્યારે તેમણે યફતાને એમ કહીને કાઢી મૂકયો, “અમાંરા પિતાના વારસામાં તારો કશો ભાગ નથી. કારણ, તું બીજી સ્ત્રીનો પુત્ર છે.”

3 તેથી યફતાએ તેના પિતાનું ઘર છોડી દીધું અને ટોબ પ્રદેશમાં આવ્યો, તે ત્યાં રહ્યો અને ઘણા નકામાં માંણસો તેની સાથે જોડાયા.

4 થોડા સમય પછી આમ્મોનીઓ ઈસ્રાએલીઓ સામે યુદ્ધે ચડયા;

5 અને જયારે લડાઈ થઈ ત્યારે ગિલયાદના વડીલો યફતાને લેવા ટોબ આવ્યા.

6 તેઓએ તેને કહ્યું, “આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા માંટે તું અમાંરી સાથે આવ અને અમાંરો સેનાધિપતિ થા.”

7 પણ યફતાએ ગિલયાદના વડીલોને કહ્યું, “તમે સૌએ માંરો તિરસ્કાર કર્યો અને મને માંરા પિતાના ઘરમાંથી હાંકી કાઢયો હતો, હવે તમે આફતમાં આવી પડયા હોવાથી માંરી પાસે આવો છો?”

8 ગિલયાદના આગેવાનોએ યફતાને કહ્યું, “અમે તારી પાસે પાછા આવ્યા છીએ કારણ કે અમે ઊડી આફતમાં છીએ. અમાંરી સાથે ચાલ, આમ્મોનીઓ સામે યુદ્ધ કર અને ગિલયાદના બધા લોકોનો નેતા થા.”

9 યફતાએ તેઓને કહ્યું, “જો તમે મને આમ્મોનીઓ સામે લડવા માંટે પાછો લઈ જવા માંગતા હો, અને જો યહોવા મને ત્યાં વિજય અપાવે, તો તમાંરે મને નેતા બનાવવો પડશે.”

10 તેઓએ કહ્યું, “અમે યહોવાની સાક્ષીએ વચન આપીએ છીએ કે, અમે તમાંરા કહેવા પ્રમાંણે કરીશું.”

11 તેથી યફતાએ તેઓની માંગણી સ્વીકારી અને લોકોએ તેને તેમનો નેતા અને લશ્કરનો સેનાધિપતિ બનાવ્યો, અને યફતાએ મિસ્પાહમાં યહોવા સમક્ષ આ બધા વચનો ફરીથી કહી સંભળાવ્યા.


આમ્મોનીઓના રાજાને યફતાનો સંદેશ

12 યફતાએ સંદેશવાહકો મોકલીને આમ્મોનીઓના રાજાને કહેવડાવ્યું કે, “તમાંરે અમાંરી સાથે શો ઝગડો છે? તમે અમાંરા ઉપર શા માંટે આક્રમણ કર્યુ છે?”

13 રાજાએ જવાબ આપ્યો, “જ્યારે ઈસ્રાએલીઓ મિસર આવ્યા ત્યારે આર્નોન નદીથી યાબ્બોક અને યર્દન નદી સુધીનો સમગ્ર દેશ અમાંરો હતો, પણ ઈસ્રાએલીઓએ અમાંરી પાસેથી તે લઈ લીધો. હવે શાંતિથી અમાંરા સર્વ પ્રદેશ અમને પાછા આપી દો.”

14 યફતાએ ફરીથી તેની પાસે સંદેશવાહકો મોકલ્યા,

15 અને કહેવડાવ્યું કે, “મોઆબ કે આમ્મોનનો પ્રદેશ ઈસ્રાએલે લઈ લીધો છે તે હકીકત સાચી નથી.

16 જયારે ઈસ્રાએલીઓ મિસરથી આવ્યા ત્યારે રણમાં થઈને લાલ સમુદ્ર સુધી ગયા અને કાદેશ પહોચ્યા.

17 ત્યારબાદ તેઓએ અદોમના રાજાને ‘તેના દેશમાં થઈને તેઓને જવા દેવ માંટે પરવાનગી લેવા સંદેશવાહકો મોકલ્યા.’ પણ તેઓને પરવાનગી અપાઈ નહિ, તેથી તેઓએ મોઆબના રાજાને એવી જ રીતે વિનંતી કરી, પરંતુ તેણે પણ કહ્યું, ‘ના’ તેથી ઈસ્રાએલીઓ કાદેશના દેશમાં રહ્યાં.

18 “ત્યારબાદ તેઓ વન્ય પ્રદેશમાં ગયા અને અદોમ અને મોઆબ દેશની આસપાસ ગયા અને આર્નોન નદીની સામે પડાવ નાખ્યો. તેઓ મોઆબની સરહદની બહાર હતાં. કારણકે તેઓએ આર્નોન નદી ઓળંગી ન હતી જે મોઆબ દેશની સરહદ હતી.

19 “ત્યારપછી ઈસ્રાએલીઓએ હેશ્બોન નગરના અમોરીઓના રાજા સીહોનને સંદેશવાહકોને કહેવા મોકલ્યા; અમને તમાંરા દેશમાં પસાર થઈને જવાદો જેથી અમે અમાંરા અંતિમ મુકામ પર જઈ શકીએ.”

20 પરંતુ સીહોનને ઈસ્રાએલીઓમાં વિશ્વાસ ન હતો તેથી તેણે પોતાના દેશમાંથી પસાર થવા દીધા નહિ. પણ તેણે પોતાના બધા સૈનિકોને ભેગા કર્યા. તેઓએ યાહાસમાં છાવણી નાખી અને ઈસ્રાએલ સાથે લડ્યા.

21 ઈસ્રાએલના દેવ યહોવાએ સીહોનને અને તેના સૈન્યને ઈસ્રાએલીઓને સોંપી દીધું. તેથી તેઓએ તેમને પરાજય આપ્યો અને ત્યાં રહેતા અમોરીઓના બધા પ્રદેશ કબજે કર્યા.

22 તેઓએ અમોરીઓના દેશની સરહદની અંદરનું બધુ જ, આર્નોન નદીથી યાબ્બોક સુધી અને રણથી યર્દન નદી સુધી સમગ્ર દેશ કબજે કર્યો.

23 “આ રીતે, ઈસ્રાએલના દેવ યહોવાએ પોતાના લોકો ઈસ્રાએલીઓને માંટે અમોરીઓનો દેશ લઈ લીધો હતો અને હવે તેઓ તેના વારસદાર છે. અને તમે એ દેશ પાછો લેવા માંગો છો?

24 તમાંરા દેવ કમોશે તમને જે આપ્યો છે તે દેશ તમે રાખો, અને અમે અમાંરા દેવ યહોવાએ અમને જે આપ્યો છે તે દેશ અમે રાખીશું.

25 શું મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાકના કરતાં શું તું ચઢિયાતો છે? ઈસ્રાએલે તેનો પરાજય કર્યા પછી શું તેણે પોતાનો દેશ પાછો મેળવવા પ્રયત્ન કર્યો હતો? ના, બિલકુલ નહિ.

26 છેલ્લા 300 વર્ષથી ઈસ્રાએલીઓ હેશ્બોન અને તેની આસપાસનાં નગરોમાં, અરોએરની નજીકમાં અને તેની પાસેના નગરોમાં, અને અર્નોન નદી અને નજીકનાં નગરોમાં રહેતા આવ્યા છે, તમે કેમ એ બધાં નગરો આ સમય દરમ્યાન પાછાં લઈ ન લીધાં?

27 મેં તમાંરું કંઈ પાપ કર્યું નથી, પરંતુ તમે માંરા ઉપર ચડાઈ કરીને માંરું બગાડો છો, યહોવા ન્યાયાધીશ છે, અને એ જ આજે ઈસ્રાએલીઓ અને આમ્મોનીઓ વચ્ચે ન્યાય કરશે.”

28 પણ આમ્મોનીઓના રાજાએ યફતાએ મોકલેલો સંદેશો ધ્યાનમાં લીધો નહિ.


યફતાનું વચન

29 એ વખતે યહોવાના આત્માંએ યફતામાં પ્રવેશ કર્યો, અને ગિલયાદ અને મનાશ્શામાં થઈને ગિલયાદમાં આવેલા મિસ્પાહ ગામે અને ત્યાંથી આમ્મોનીઓના દેશમાં ગયો.

30 યફતાએ યહોવાને વચન આપ્યું, “જો તમે આમ્મોનીઓને માંરા હાથમાં સોંપી દેશો

31 તો હું આમ્મોનીઓ ઉપર વિજય પ્રાપ્ત કરીને પાછો ધેર જાઉં ત્યારે જે કોઈ માંરા ઘરમાંથી મને મળવા પ્રથમ બહાર આવશે તેનું દહનાર્પણ હું તમને ધરાવીશ.”

32 ત્યાર પછી યફતાએ જઈને આમ્મોનીઓ ઉપર હુમલો કર્યો અને યહોવાએ આમ્મોનીઓને તેના હાથમાં સોંપી દીધા.

33 તેઓએ અરોએરથી મિન્નીથ સુધીના પ્રદેશ જીતી લીધાં અને 20 નગરોમાં તથા છેક આબેલ-કરામીમ સુધી તેણે આમ્મોનીઓનો પીછો કર્યો. આ એક મહાન વિજય હતો. આ રીતે, ઈસ્રાએલીઓ આમ્મોનીઓને હરાવી શક્યા.

34 જયારે યફતા મિસ્પાહમાં પોતાને ઘેર આવ્યો ત્યારે તેની પુત્રી ખંજરી વગાડતી, અને નાચતી તેને મળવા દોડી આવી. તે તેનું એકનું એક સંતાન હતું. તેને બીજા કોઈ પુત્ર કે પુત્રી ન હતાં.

35 તેને જોઈને તેણે શોકના માંર્યા કપડાં ફાડી નાખ્યાં અને કહ્યું “ઓ દીકરી, તેં તો મને આજે દુઃખી અને કંગાળ બનાવી દીધો! મેં યહોવાની સામે વિચાર્યા વગર માંનતા કરી હતી કે હું બલિદાન આપીશ. અને તે હું પાછી લઈ શકું નહિ.”

36 તે બોલી, “પિતાજી, તમે વિચાર્યા વગર યહોવાની સમક્ષ માંનતા કરી છે, તો હવે મને તમાંરા મુખમાંથી બહાર આવ્યા પ્રમાંણે કરો; કારણ યહોવાએ તમાંરા શત્રુ આમ્મોનીઓ ઉપર તમને વેર વાળવામાં વિજયી બનાવવા મદદ કરી છે.”

37 “પરંતુ પ્રથમ બે મહિના સુધી મને માંરી સખીઓ સાથે પર્વત પર ફરી લેવા દો, અને માંરે કુંવારા મરવું પડે છે એનો શોક પાળીશ.”

38 તેથી તેણે કહ્યું, “તારી બહેનપણીઓ સાથે બે મહિના માંટે જા,” તે તેની બહેનપણીઓ સાથે પર્વતોમાં ચાલી ગઈ અને ત્યાં પોતાના કૌમાંર્ય માંટે શોક કર્યો.

39 બે મહિના પછી તે તેના પિતા પાસે પાછી આવી. અને તેણે તેના યહોવાને આપેલા વચન પ્રમાંણે તેણે કર્યુ તેથી તેણે લગ્ન કર્યો નહિ. ત્યારબાદ ઈસ્રાએલમાં આ રિવાજ થઈ ગયો.

40 યુવાન સ્ત્રીઓ પ્રતિવર્ષ ચાર દિવસ બહાર જતી અને ગિલયાદના યફતાની પુત્રીનો શોક મનાવતી.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan