Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યાકૂબનો પત્ર 2 - પવિત્ર બાઈબલ


બધા લોકોને પ્રેમ કરો

1 મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવો છો. તો એવું ના માનશો કે કેટલાએક લોકો બીજા લોકો કરતાં અગત્યના છે.

2 ધારોકે કોઈ વ્યક્તિ તમારી સભામાં સુંદર કપડાં અને સોનાની વિંટી પહેરીને આવે, જ્યારે બીજો ગરીબ માણસ ફાટેલા જૂનાં વસ્ત્રો પહેરીને આવે.

3 તો તમે સારાં કપડાં પહેરેલા માણસ તરફ ખાસ ધ્યાન આપો છો. અને તમે તેને કહો છો કે, “આ સારા આસને બેસ;” જ્યારે ગરીબ માણસને તમે કહેશો કે, “તું ત્યાં ઊભો રહે,” અથવા, “મારા પગના આસન પાસે બેસ!”

4 આ તમે શું કરો છો? આ રીતે ખરાબ વિચારોથી તમારામાં બીજાઓ કરતાં કયા માણસો અગત્યના છે તે તમે નક્કી કરો છો.

5 મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે.

6 પણ તમે ગરીબ લોકોને બિલકુલ માન આપતા નથી. અને તમે જાણો છો કે શ્રીમંત લોકો જ તમારું શોષણ કરે છે. અને તમને ન્યાયાસન આગળ ઘસડી જાય છે.

7 એ તે લોકો છે, જેઓ ઉત્તમ નામથી ઓળખાય છે, તેઓની નિંદા કરે છે.

8 જો તમે પવિત્રલેખમાં આપેલા જે રાજમાન્ય નિયમ છે તેને અનુસરશો, એટલે કે, “તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.” એનું જો તને પુરેપુરું પાલન કરો છો તો તમે ઘણું સારું કરો છો.

9 પણ જો તમે એક વ્યક્તિને બીજા કરતાં વધુ મહત્વ આપશો, તો તમે પાપ કરો છો, એ રીતે તમે દેવના નિયમનો ભંગ કરો છો તેમ સાબિત થાય છે.

10 કોઈ વ્યક્તિ આખા નિયમશાસ્ત્રનું પાલન કરે, પણ જો એક આજ્ઞાનો ભંગ કરે, તો તે નિયમની બધી જ આજ્ઞાઓનો ભંગ કરનાર જેટલો જ ગુનેગાર ઠરે છે.

11 દેવે કહ્યું છે કે, “તું વ્યભિચાર નું પાપ ન કર.” તે જ દેવે એમ પણ કહ્યું છે કે, “હત્યા ન કર.” માટે જો તમે વ્યભિચારનું પાપ ન કરો અને કોઈકની હત્યા કરો તો તમે દેવના બધાજ નિયમોનો ભંગ કરો છો.

12 તમે જે કઈ કરો કે કહો ત્યારે યાદ રાખો કે સ્વતંત્રતા આપનાર તેના આધારે જ નિયમ દ્ધારા તમારો ન્યાય કરશે.

13 હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએ. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.


વિશ્વાસ અને સારા કાર્યો

14 મારા વહાલા ભાઈઓ અને બહેનો, કોઈ કહે કે તેને વિશ્વાસ છે, પણ તે પ્રમાણે વર્તનમાં ન મૂકે, તો શો ફાયદો? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ના!

15 ખ્રિસ્તમાં કેટલાએક ભાઈઓ અને બહેનોને દિવસ દરમ્યાન કપડા પહેરવા ન મળે અને રોજનો પૂરતો ખોરાક ન હોય.

16 અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, “દેવ તમારી સાથે રહો, શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;” છતાં શરીરને જે જોઈએ તે ખોરાક કે કપડાં ન આપો તો તમારા શબ્દો નકામાં છે.

17 એવું જ વિશ્વાસ માટે છે, વિશ્વાસમાં જો કરણી ન હોય, તો તે તેની જાતે મૃતપ્રાય છે, વિશ્વાસ એકલો પૂરતો નથી, કારણ કે કરણીઓ વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ નથી.

18 કોઈ વ્યક્તિ કહેશે કે, “તને વિશ્વાસ છે, પણ મારી પાસે કરણીઓ છે.” હું તેને જવાબ આપીશ કે, તારી પાસે જે વિશ્વાસ છે તે મારી કરણીઓ વિના મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ.

19 દેવ એકજ છે એવું તમારું માનવું તે સારું છે! ભૂતો પણ એવો જ વિશ્વાસ કરે છે! અને તેઓ બીકથી ધ્રુંજે છે.

20 ઓ મૂર્ખ માણસ! શું તારે જાણવું છે? વિશ્વાસ વગરનું કામ વ્યર્થ છે તેની આજ્ઞા પ્રમાણે કામ ન કરવું તે પણ નકામું છે.

21 આપણા પૂર્વજ ઈબ્રાહિમે જ્યારે પોતાના પુત્ર ઈસહાકને યજ્ઞવેદી પર બલિદાન માટે આપ્યો. તેના એ કાર્યને લીધે તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો.

22 તું જુએ છે કે, ઈબ્રાહિમ વિશ્વાસને લીઘે બધુજ કરવા તૈયાર હતો. તેનાં સારા કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ કરાયો.

23 આ શાસ્ત્રનો અર્થ સમજાવે છે કે: “ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો, તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવની નજરમાં ન્યાયી ઠરાવ્યો.” ઈબ્રાબિમને “દેવનો મિત્ર” કહેવામા આવ્યો.

24 તેથી તમે જુઓ માણસ તેના વિશ્વાસ એકલાથી નહિ પરંતુ સારી કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.

25 તે જ પ્રમાણે રાહાબ વેશ્યાનું ઉદાહરણ છે. જાસૂસોનો સત્કાર કર્યો અને બીજે માર્ગેથી સુરક્ષિત બહાર મોકલી દીધા. આમ તેણે જે કાંઇ કર્યું છે તેથી તેને ન્યાયી ઠરાવવામાં આવી.

26 કારણ કે જે રીતે શરીર આત્મા વિના નિર્જીવ છે, તે જ રીતે વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે!

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan