યશાયા 9 - પવિત્ર બાઈબલમસીહા આગમન વિષે ભવિષ્યવાણી 1 પરંતુ જે ભૂમિ પર સંકટ આવ્યું હતું, તે પ્રદેશમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો. પણ છેવટે તેણે યર્દન અને ગાલીલની નદીને પેલે પાર, સમુદ્રના રસ્તે આવેલા રાષ્ટ્રોને પ્રતિષ્ઠા અપાવી. 2 અંધકારમાં ચાલનારા લોકોએ તે મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના પ્રદેશમાં વસવાટ કરનારાઓ પર “પ્રકાશનું તેજ” પથરાયું છે. 3 કારણ કે ઇસ્રાએલ ફરીથી મહાન કહેવાશે, યહોવાએ પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેણીનો આનંદ વધાર્યો છે. કાપણીમાં થતાં આનંદ પ્રમાણે, તેમ જ લોક લૂંટ વહેંચતા આનંદ માણે છે તે મુજબ તેઓ તારી સંમુખ આનંદ કરે છે. 4 કારણ કે ભૂતકાળમાં તમે જેમ મિદ્યાનની સેનાને હાર આપી હતી. તેમ એ લોકોને ભારરૂપ ઝૂંસરી તેમના ખભા પર પડતી લાકડી, તેમને હાંકનારનો પરોણો તમે ભાંગી નાખ્યો છે. 5 સૈનિકોના ધમ ધમ કરતા જોડા, ને લોહીમાં બોળેલાં વસ્ત્રો, તે બધાયને બળતણની જેમ અગ્નિમાં સળગાવી દેવામાં આવશે. 6 કારણ કે આપણે સારુ બાળક અવતર્યુ છે, આપણને એક પુત્રનું વરદાન આપવામાં આવ્યું છે. “તેના ખભા પર રાજ્યાધિકારની નિશાની છે. તે એક અદભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે.” 7 તેનું રાજ્ય વિશાળ હશે; ત્યાં સદાને માટે અખંડ શાંતિ પ્રવર્તતી હશે. તે દાઉદના રાજસિંહાસન ઉપર બેસશે. ધર્મ અને ન્યાયના પાયા ઉપર પોતાની રાજ્યસત્તાની પ્રતિષ્ઠા કરીને રાજ્ય કરશે. આજથી તે અનંત કાળ સુધી. સૈન્યોના દેવ યહોવાનો સાચો પ્રેમ સિદ્ધ થશે. દેવ ઇસ્રાએલને સજા કરશે 8 પ્રભુએ ઇસ્રાએલ વિરુદ્ધ યાકૂબના વંશજો વિરુદ્ધ પોતાનો ફેંસલો જણાવ્યો છે. 9 ઇસ્રાએલના પાટનગર સમરૂનના સૌ વતનીઓને એની જાણ થશે. એ લોકો તો પોતાના અભિમાન અને તુમાખીમાં કહે છે કે, 10 “ભલે ઇંટો પડી ગઇ, હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું. ઉંબરના પાટડા તોડી નાખવામાં આવ્યા છે. પણ આપણે એની જગાએ સાગના લાવીશું.” 11 પરંતુ યહોવાએ તેમના દુશ્મનોને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યા છે; 12 પૂર્વમાંથી અરામીઓ અને પશ્રિમમાંથી પલિસ્તીઓ ઇસ્રાએલને એક જ કોળિયામાં મુખ પહોળું કરીને ગળી જશે. આ બધું થવા છતાં યહોવાનો રોષ ઊતર્યો નથી. અને તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે. 13 આમ છતાં એ લોકો પોતાને ઘા કરનાર સૈન્યોના દેવ પાસે પાછા આવ્યાં નથી કે તેનું શરણું તેમણે સ્વીકાર્યુ નથી. 14 આથી યહોવા એક દિવસે ઇસ્રાએલનું માથું, પૂંછડી, નાડ અને બરૂ કાપી નાખશે. 15 વડીલો અને સન્માનનીય પુરુષો તે માથું અને ખોટો ઉપદેશ કરનાર પ્રબોધકો તે પૂંછડી છે. 16 આ લોકોના આગેવાનોએ તેમને અવળે માર્ગે ચડાવ્યા છે. તેમને ભૂલા પાડ્યા છે. 17 આથી પ્રભુ તેમના યુવાનો પ્રત્યે રાજી થશે નહિ. તેમજ અનાથો અને વિધવાઓ પ્રત્યે જરાયે સહાનુભૂતિ દાખવશે નહિ. બધાજ દુરાચારીઓ છે, દેવને શું જોઇએ છે તે જાણવાની કોઇને કાળજી નથી, એકે એક વ્યકિત અનિષ્ઠ વસ્તુઓ બોલે છે. આ બધાને લીધે યહોવાનો ગુસ્સો ઓછો નથી થયો અને તેમનો બાહુ હજી પણ ઉગામેલો જ છે. 18 માણસોની દુષ્ટતા આગની જેમ ભભૂકી ઊઠી છે. અને એ કાંટાઝાંખરાને ભરખી જાય છે. જંગલની ઝાડીને પણ એ બાળી મૂકે છે. અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢે છે. 19 સમગ્ર ભૂમિ સૈન્યોના દેવ યહોવાના રોષથી સળગી ઊઠી છે. અને લોકો એ આગમાં ઇધણરૂપ બન્યા છે. કોઇ પોતાના સગા ભાઇને પણ છોડતો નથી. 20 બધા એકબીજાનું માંસ ખાય છે. જમણી બાજુ બચકું ભરે છે તોયે ભૂખ્યો રહે છે અને ડાબી બાજુ બચકું ભરે તોય સંતોષ પામતો નથી. 21 મનાશ્શાના વંશજો અને એફ્રાઇમના વંશજો એક બીજાને બચકાં ભરે છે અને બંને ભેગા થઇને યહૂદાને ખાવા ધાય છે, આને લીધે યહોવાનો રોષ ઓછો થયો નથી અને તેનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International