યશાયા 64 - પવિત્ર બાઈબલ1 તમે આકાશ ફાડીને નીચે ઉતરી આવો! જેથી પર્વતો તમારી હાજરીમાં કંપી ઊઠે! 2 તમારા મહિમાનો અગ્નિ જંગલોને બાળી નાખે અને મહાસાગરોના પાણીને ઉકાળીને સૂકવી નાખે; પ્રજાઓ તમારી સમક્ષ ધ્રૂજી ઊઠે, ત્યાર પછી જ તમારા શત્રુઓ તમારી કીર્તિ અને સાર્મથ્યને સમજી શકશે. 3 અમારી કલ્પનામાં ન આવે તેવાં પ્રભાવિત ભયંકર કામો જ્યારે કરતાં હતાં, તેવા એક સમયે તમે જ્યારે નીચે અવતરણ કર્યું, અને પર્વતોએ તમને નિહાળ્યા ત્યારે તેઓ ભયથી કંપી ઊઠયા! 4 કારણ કે પ્રાચીન સમયથી આજ સુધી કોઇપણ વ્યકિતએ બીજા કોઇ પણ વિષે જોયુ કે સાંભળ્યું નથી, સિવાય કે આપણા દેવ, જેણે તેઓની પ્રતિક્ષા કરનારાઓના હિતમાં કાર્ય કર્યા છે. 5 આનંદથી ભલાં કાર્યો કરનારાઓને તથા દેવના માર્ગે ચાલનારા સૌને તમે આવકારો છો. પરંતુ અમે દેવનો ભય રાખનારા નથી; અમે સતત પાપ કર્યા કરીએ છીએ અને અમારા સમગ્ર જીવન દરમ્યાન પાપી જ રહ્યા છીએ. તેથી અમારા પર તમારો રોષ ભારે છે, અમે કઇ રીતે બચી શકીએ? 6 અમે બધા અપવિત્ર થઇ ગયા છીએ. અમારાં ધર્મકાર્યો સુદ્ધાં મેલા વસ્ત્રો જેવા છે. અમે બધાં પાંદડાની જેમ ચીમળાઇ ગયા છીએ અને અમારાં પાપ પવનની જેમ અમને તાણી જાય છે. 7 કોઇ તમારા નામે વિનંતી કરતા નથી, કે કોઇ તમને વળગી રહેવા પ્રયત્ન કરતું નથી. તેં તારું મુખ અમારાથી ફેરવી લીધું છે અને અમને અમારાં દુષ્કર્મોને હવાલે કરી દીધા છે. 8 હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી અને તમે કુંભાર છો. અમે સર્વ તમારા હાથોની કૃતિઓ છીએ. 9 હે યહોવા, વધારે કોપ કરશો નહિ, અમારાં પાપ સદા સંભારશો નહિ! જરા અમારા સામું જુઓ! અમે બધા તમારી પ્રજા છીએ. 10 તમારાં પવિત્ર નગરો અત્યારે નિર્જન પ્રદેશ જેવા થઇ ગયા છે, સિયોન વેરાન થઇ ગયું છે. યરૂશાલેમ ઉજ્જડ અરણ્ય થઇ ગયું છે. 11 અમારું પવિત્ર અને ભવ્ય મંદિર, જ્યાં અમારા પિતૃઓ તમારી સ્તુતિ કરતા હતા, તે બળીને ખાખ થઇ ગયું છે; જે જોઇને અમે આનંદ પામતા હતા, તે બધું ખંડેર બની ગયું છે. 12 આમ છતાં, હે યહોવા, શું તમે સહાય કરવાની ના કરશો! શું તમારું હૃદય નહિ દ્રવે? શું હજુ પણ તમે શાંત રહેશો અને અમને અપાર વેદના આપતા રહેશો? |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International