Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 62 - પવિત્ર બાઈબલ


યરૂશાલેમ ઉદ્ધાર માટે પ્રાર્થના

1 હું સિયોન પર પ્રેમ કરું છું. યરૂશાલેમનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી હું મૂંગો નહિ રહું. તેનો વિજય મશાલની જેમ ભભૂકી ન ઊઠે ત્યાં સુધી હું દેવને પોકારવાનું બંધ નહિ કરું, અને હું વિશ્રામ લઇશ નહિ.

2 સર્વ પ્રજાઓ તારું ન્યાયીપણું જોશે. તારા મહિમાથી તે રાજાઓની આંખો અંજાઇ જશે; અને યહોવા તને એક નવું નામ આપશે.

3 તું યહોવાના હાથમાં ઝળહળતો તાજ, તારા દેવના હાથમાં રાજમુગટ બની રહેશે.

4 પછી તને કોઇ “ત્યકતા” નહિ કહે, તારી ભૂમિને કોઇ “વેરાન” નહિ કહે. પણ તને સૌ “યહોવાની પ્રિયતમા” કહેશે, અને તારી ભૂમિ “વિવાહિત” કહેવાશે, કારણ, યહોવા તારા ઉપર પ્રેમ રાખે છે અને તારી ભૂમિનો તે માલિક થશે.

5 હે યરૂશાલેમ, તારો નિર્માતા (શિલ્પી) જેમ એક યુવાન એક યુવતી સાથે લગ્ન કરે છે, તેમ તારી સાથે લગ્ન કરશે, અને જેમ કોઇ વર કન્યાથી હર્ષ પામે છે, તેમ તારો દેવ તારાથી આનંદ પામશે.

6 હે યરૂશાલેમ, મેં તારા કોટ પર પહેરેગીરો ગોઠવ્યા છે, તેઓ રાતે કે દિવસે કદી મૂંગા નહિ રહે. હે યહોવાને યાદ કરાવનારાઓ, તમે પોતે જંપશો નહિ,

7 અને જ્યાં સુધી યહોવા યરૂશાલેમની ફરી પ્રતિષ્ઠા કરી તેને પૃથ્વી પર પ્રશંસાનું પાત્ર ન બનાવે, ત્યાં સુધી તેને જંપવા દેશો નહિ.

8 યહોવા પોતાના સાર્મથ્યથી વચન આપે છે કે, “હવે કદી હું તારું ધાન્ય શત્રુઓને ખાવા નહિ આપું. અથવા વિદેશીઓને તારી મહેનતથી બનેલો દ્રાક્ષારસ નહિ પીવાં દઉં.

9 પરંતુ ધાન્ય લણનારા જ તે ખાઇને મારી સ્તુતિ કરશે, અને દ્રાક્ષને ભેગી કરનારા જ મારા મંદિરના ચોકમાં તેનો દ્રાક્ષારસ પીશે.”

10 દરવાજામાંથી જાઓ અને લોકો માટે રસ્તો તૈયાર કરો. રાજમાર્ગ બાંધો, ને પથ્થરો હઠાવી દો. પ્રજાઓ પર ઊંચે ધ્વજ ફરકાવો.

11 જુઓ, પૃથ્વીના છેડા સુધી યહોવા ઘોષણા કરે છે, “યરૂશાલેમના લોકોને જણાવો કે, આ તમારો મુકિતદાતા આવે છે, પોતે મુકત કરેલા લોકોને સાથે લઇને આવે છે.”

12 હું તેમને ઘણા ઉપહારો આપીશ, અને તેઓ “પવિત્ર પ્રજા” “યહોવાએ મુકત કરેલા લોકો” કહેવાશે. અને યરૂશાલેમ “ઇપ્સિતા” “અત્યકતા નગરી” દેવથી આશીર્વાદિત શોધી કાઢેલી ભૂમિ કહેવાશે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan