યશાયા 6 - પવિત્ર બાઈબલયશાયાને સેવાની સોંપણી 1 રાજા ઉઝિઝયા જ્યારે મૃત્યુ પામ્યા તે વર્ષે મેં મારા માલિકને ઊંચા અને ઉન્નત આસન પર બેઠેલા જોયા. તેમના ઝભ્ભાની કિનારોથી મંદિર ભરાઇ ગયું હતું. 2 સરાફ દેવદૂતો તેમની પાસે ધુમરાતાં હતા તેમને દરેકને છ પાંખો હતી. બે પાંખો વડે તેઓ તેમના ચહેરા ઢાંકતા હતાં, બીજી બે પાંખો વડે તેમણે તેમના પગ ઢાંક્યાં હતાં અને બાકીની બે પાંખોનો તેઓ ઉડવા માટે ઉપયોગ કરતાં હતાં. 3 તેઓ સામસામે એકબીજાને પોકારીને કહેતા, “સૈન્યોનો દેવ યહોવા પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે! આખી પૃથ્વીમાં તેમનું ગૌરવ વ્યાપી ગયું છે!” 4 તેમના પોકારોથી બારસાખ પાયા સુધી હચમચી ઊઠી અને મંદિર ધુમાડાથી ભરાઇ ગયું. 5 ત્યારે હું પોકારી ઉઠયો, “અરેરે! મને શાપ દેવામાં આવશે! કારણ કે હું મેલા હોઠનો માણસ છું. અને મેલા હોઠના લોકો વચ્ચે વસું છું. છતાં મેં મારી આ આંખો દ્વારા રાજાધિરાજ સૈન્યોના દેવ યહોવાને નિહાળ્યાં છે.” 6 પછી એક સરાફ દેવદૂત, વેદીમાંથી બળતો અંગારો લઇને સાણસીમાં પકડીને, મારી પાસે ઊડતો ઊડતો આવ્યો. 7 અને મારા મોંને અંગારો અડાડીને બોલ્યો; “જો, આ તારા હોઠને અડ્યો છે; તારો દોષ દૂર કરાયો છે, અને તારા પાપો દૂર કરવામાં આવ્યા છે.” 8 પછી મેં યહોવાને એવું બોલતા સાંભળ્યાં કે, “હું કોને મોકલું? કોણ મારા સંદેશા લઇ જશે?” એટલે મેં કહ્યું, “આ હું હાજર છું, મને મોકલો.” 9 ત્યારે યહોવાએ કહ્યું, “જા, ને આ લોકોને કહે કે, ‘સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.’ 10 એ લોકોની બુદ્ધિ મંદ થઇ ગઇ છે, એમના કાન બહેરા થઇ ગયા છે, અને આંખ આંધળી થઇ ગઇ છે. આથી તેઓ આંખે જોઇ શકતા નથી કે કાને સાંભળી શકતા નથી. તેમજ બુદ્ધિથી સમજી શકતા નથી, એટલે તેઓ મારી પાસે પાછા ફરતા નથી અને સાજા થતા નથી.” 11 પછી મેં પૂછયું, “તે ક્યાં સુધી આમ ચાલ્યા કરશે, હે માલિક?” તેણે કહ્યું, “શહેરો ખંડેર અને વેરાન બની જાય અને ઘરો માનવ વસ્તી વગરનાં બની જાય. અને ધરતી વેરાન અને ઉજ્જડ બની જાય ત્યાં સુધી.” 12 હું એ લોકોને દૂર દૂર મોકલી દઉં અને આખો દેશ વિશાળ વેરાનવગડો બની જાય ત્યાં સુધી. 13 તે છતાં જો તેનો દશમો ભાગ પણ બચી જાય, તો તેને ફરીથી બાળી નાખવામાં આવશે. જ્યારે મોટું ઝાડ કાપી નાખવામાં આવે છે ત્યારે ઠૂંઠા બાકી બચે છે. ઇસ્રાએલના બાકી રહેલા લોકો તે ઠૂંઠા જેવા હશે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International