Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 56 - પવિત્ર બાઈબલ


વિદેશીઓનો સમાવેશ અને આશીર્વાદ

1 યહોવા કહે છે કે, “સર્વની સાથે ન્યાય અને પ્રામાણિકતાથી વતોર્. ન્યાયને અનુસરો, કારણ હું મુકિત આપવાની તૈયારીમાં છું, અને ન્યાયને વિજયી બનાવનારો છું.”

2 જે માણસ વિશ્રામવારની પવિત્રતા જાળવી તેનું પાલન કરે અને બધાં દુષ્કર્મોથી દૂર રહે, તે માણસ પરમસુખી છે! જે માણસ ભૂંડું કરવાથી પોતાને પાછો રાખે છે તે આશીર્વાદિત છે.

3 યહોવાને શરણે આવેલા વિદેશીએ એમ ન કહેવું કે, “યહોવા મને પોતાના લોકોથી ખરેખર જુદો રાખશે,” અને કોઇ ખોજાએ એમ ન કહેવું કે, “હું તો સુકાઇ ગયેલું ઝાડ છું.”

4 કારણ યહોવાના વચન છે, “જે ખોજાઓ વિશ્રામવારનું પાલન કરશે અને મારા કરારને દ્રઢતાથી વળગી રહેશે.

5 તેના માટે, હું મારા મંદિરમાં, એની ભીંતો વચ્ચે, મારા પુત્રો અને પુત્રીઓંથી પણ ચડિયાતું સ્મારક અને નામ આપીશ. હું તેને એવું અમર નામ આપીશ જે કદી નાશ ન પામે.”

6 વળી જે વિદેશીઓ મારે શરણે આવ્યા છે, જેઓ મારી સેવા કરે છે, મારા નામ પર પ્રેમ કરે છે, મારા સેવકો છે, અને જે કોઇ મારા વિશ્રામવારની પવિત્રતા જાળવી તેનું પાલન કરે છે, અને મારા કરારને દ્રઢતાપૂર્વક વળગી રહે છે.

7 યહોવા કહે છે કે, “તેમને હું મારા પવિત્ર પર્વત પર લઇ આવી મારા પ્રાર્થનાગૃહમાં આનંદનો અનુભવ કરાવીશ. તેણે યજ્ઞવેદી પર ચઢાવેલાં દહનાર્પણો અને યજ્ઞોનો હું પ્રસન્નતા પૂર્વક સ્વીકાર કરીશ. મારું મંદિર બધા લોકો માટે, પ્રાર્થના કરવા માટેનું સ્થળ બની રહેશે.”

8 ઇસ્રાએલના વેરવિખેર થયેલાંઓને એકઠા કરનાર પોતે યહોવા દેવના મુખના આ વચનો છે, “જેઓને ભેગા કર્યા છે તેમની ભેગા બીજાઓને પણ હું ભેગા કરતો રહીશ.”

9 આવો, વનવગડાંના પશુઓ, જંગલનાં પશુઓ, આવો અને ખાઓ;

10 કારણ કે ઇસ્રાએલના બધાં ચોકીદારો સર્વ આંધળા છે અને કંઇ જાણતા નથી; તેઓ મૂંગા કૂતરા છે કે જે ભસતા નથી, તેના જેવા છે. તેઓ જમીન પર લાંબા થઇને સૂઇ રહેવાનું, આરામ કરવાનું તથા સ્વપ્નો જોવાનું પસંદ કરે છે.

11 તેઓ બધા ખાઉધરા કૂતરા છે, જે કદી ધરાતા નથી, તેઓ એવા ઘેટાંપાળકો છે કશું સમજતા નથી. તેઓ ફકત પોતાના જ હિતનો વિચાર કરે છે, ને શક્ય હોય તેટલું પોતાના માટે મેળવવાનો પ્રયત્ન કરે છે.

12 પ્રત્યેક વ્યકિત કહે છે, “ચાલો, હું દ્રાક્ષારસ લઇ આવું અને આપણે ધરાઇને પીએ અને ઉજાણી કરીએ; અને આવતીકાલ આજના કરતાં પણ વધારે સરસ થશે!”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan