Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 51 - પવિત્ર બાઈબલ


યહોવાના લોકો અને દેવનો ભય

1 યહોવા કહે છે, “હે ન્યાયની અપેક્ષા રાખનારાઓ, મને પ્રાપ્ત કરવા ઇચ્છનારાઓ. મારુ કહ્યું સાંભળો! જે ખડકમાંથી તમને તોડી નાખવામાં આવ્યા છે તેનો ખ્યાલ કરો, જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે, તેનો વિચાર કરો.

2 અને હા, તમારા પૂર્વજો ઇબ્રાહિમ અને સારાનો વિચાર કરો. મેં જ્યારે તેને બોલાવ્યો ત્યારે તેને એકે સંતાન નહોતું. મેં તેને આશીર્વાદ આપ્યા અને તે એકના અનેક થયા.”

3 યહોવા સિયોનને-એના ખંડેરમાં વસતા બધા લોકોને સાંત્વના આપવા માગે છે. તે તેની ઉજ્જડ થઇ ગયેલી ભૂમિને એદન જેવા ઉપવનમાં ફેરવી નાખશે. ત્યાં આનંદોત્સવ વ્યાપી જશે અને સ્તુતિનાં ગીતો સંભળાશે.

4 “હે મારા લોકો, મારી વાત ધ્યાનથી સાંભળો! હે મારી પ્રજા, મારી વાત કાને ધરો! કારણકે, હું મારો નિયમ પ્રજાઓને સંભળાવું છું, અને મારો ન્યાયચુકાદો તેમને પ્રકાશ આપશે.

5 હું તમને મુકિત આપવા આવી રહ્યો છું; મારો વિજય હાથવેંતમાં છે, હું પ્રજાઓ પર શાસન કરીશ; તે દરિયા કિનારાના દેશો મારી વાટ જોશે, અને મારા આગમનની તેઓ આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરશે.

6 ઊંચે આકાશ તરફ જુઓ અને નીચે પૃથ્વી તરફ નજર કરો! આકાશ ધુમાડાની જેમ અલોપ થઇ જશે, અને પૃથ્વી વસ્ત્રની જેમ ર્જીણ થઇ જશે, અને તેના લોકો મચ્છરની જેમ મરી જશે. પરંતુ મારું તારણ સદાકાળ રહેશે, મારા ન્યાયનો ક્યારેય અંત નહિ આવે;

7 ધર્મને ઓળખનારાઓ, મારા નિયમોને હૈયે રાખનારાઓ, મારું કહ્યું સાંભળો! લોકોના મહેણાં ટોણાંથી ગભરાશો નહિ, લોકનિંદાથી ડરશો નહિ,

8 માટે જેમ જીવાત કપડાંનો નાશ કરે છે અને કંસારી ઊનને કોતરી કાઢે છે. તેમ તેઓનો નાશ થશે, પણ મારો ન્યાય સદાકાળ ટકી રહેશે અને મારું તારણ પેઢી દર પેઢી રહેશે.”


દેવનું સાર્મથ્ય તેના લોકોની રક્ષા કરે છે

9 હે યહોવાના બાહુ, જાગૃત થાઓ! ઊઠો અને સાર્મથ્યના વસ્ત્રો ધારણ કરો, પ્રાચીન કાળનાં, સમયો પૂવેર્ જેમ જાગ્યા હતા તેમ જાગો. જેણે રાહાબને વીંધી નાખી તેના ટુકડા કરી નાખ્યા, અને જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?

10 જેણે સાગરને, તેનાં અગાધ જળને સૂકવી નાખ્યાં, જેણે તારણ પામેલાઓને પાર ઉતારવા માટે સાગરનાં ઊંડાણોમાં થઇને માર્ગ કરી આપ્યો, તે જ તું નથી?

11 હવે એવો સમય આવશે જ્યારે યહોવા દ્વારા ઉગારાયેલા સર્વ લોકો ફરીથી ગાતાં ગાતાં સિયોન પાછા આવશે. તેઓ અનંત આનંદ તથા હર્ષથી ભરપૂર થશે; દુ:ખ તથા શોક સર્વ જતાં રહેશે.

12 યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું. ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી ભયભીત થવાનું શું કારણ છે?”

13 તમે તમારા સર્જનહાર યહોવાને ભૂલી ગયા છો, જેણે આ આકાશનો વિસ્તાર કર્યો છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે! હજી તમે આખો વખત તમારો નાશ કરવા તૈયાર થયેલા જુલમગારના રોષથી શા માટે ફફડ્યા કરો છો? એ જુલમગારનો રોષ તમને શું કરવાનો હતો?

14 જેઓ બંધનમાં છે તેઓ જલદીથી મુકત થશે, તેઓ કબરમાં મરવા નહિ પામે. તેમ તેમને કદી રોટલાની ખોટ નહિ પડે.

15 “હું તમારો દેવ યહોવા છું, હું સાગરને ખળભળાવીને ગર્જના કરતા મોજાં પેદાં કરું છું.” મારું નામ સૈન્યોના દેવ યહોવા છે.

16 “મેં આકાશને વિસ્તાર્યું છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે અને સિયોનના લોકોને કહ્યું છે કે, તમે મારી પ્રજા છો. મેં તમારા મોઢામાં મારી વાણી મૂકી છે અને મારા બાહુની છાયામાં તમને આશ્રય આપ્યો છે.”


દેવે ઇસ્રાએલને સજા કરી

17 હે યરૂશાલેમ જાગૃત થા, જાગૃત થા, તેં યહોવાને હાથે તેના રોષનો પ્યાલો પીધો છે, તું એ પ્યાલો પૂરેપૂરો પી ગયો છે અને લથડે છે.

18 તારે પેટે જન્મેલા અને તે ઉછરેલા બધા પુત્રોમાંથી એકે એવો નથી જે તારો હાથ પકડી તને માર્ગ બતાવે.

19 વિનાશ અને પાયમાલી, દુષ્કાળ અને યુદ્ધ આ બે આફતો તારે માથે આવી છે ત્યારે કોણ તને દિલાસો આપે? કોણ તને હિંમત આપે?

20 કારણ કે તારા પુત્રો મૂછિર્ત થઇને શેરીઓમાં પડ્યા છે. તેઓ જાળમાં ફસાયેલા હરણાંની જેમ લાચાર થયેલા છે. તારા દેવનો પુણ્યપ્રકોપ તેમના પર પૂરેપૂરો ઊતર્યો છે.

21 માટે, તું જે ઘવાયેલી છે અને દ્રાક્ષારસ ન પીધાં છતાં લથડિયા ખાય છે.

22 પોતાના લોકોનો પક્ષ લેનાર તારા દેવ યહોવા એમ કહે છે કે, “જો, હું તારા હાથમાંથી મારા રોષનો પ્યાલો, તને લથડિયાં ખવડાવનારનો પ્યાલો લઇ લઉં છું, હવે તારે એ પીવો નહિ પડે.

23 હું તારા ત્રાસગારોના હાથમાં તે આપીશ, જેઓ તને કહેતાં હતાં કે, જમીન પર મોઢું નીચે કરીને સૂઇ જા કે, જેથી અમે તારા ઉપર થઇને જઇએ; તેં તારી પીઠને સપાટ જમીન જેવી અને તેમને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan