Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 50 - પવિત્ર બાઈબલ


યહોવાનો આજ્ઞાધીન સેવક

1 યહોવા પૂછે છે, “શુ મેં તમને મારા લેણદારોને વેચી દીધા છે? તેને લીધે શું તમે અહીં આવ્યા નથી? મેં તમારી માતાને છૂટાછેડા આપીને કાઢી મૂક્યાનું ફારગતીપત્ર ક્યાં છે? ના, તમારા અપરાધોને લીધે જ તમે પોતાને વેંચી દીધા હતા અને તમારું દેવું ચૂકવવાને માટે જ તમારી માતાને પણ કાઢી મૂકવામાં આવીં હતી.

2 હું તમારો ઉદ્ધાર કરવા આવ્યો, ત્યારે અહીં કેમ કોઇ હતું નહિ? મેં બૂમ પાડી ત્યારે કેમ કોઇએ જવાબ ન આપ્યો? શું તમને એમ લાગ્યું કે, મારો હાથ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી! શું મારામાં તમને બચાવવાની શકિત નથી? જુઓ, મારી આજ્ઞાથી સાગર સૂકાઇ જાય છે, અને ઝરણા રણ બની જાય છે. તેમાંની માછલીઓ પાણી વિના ગંધાઇ ઊઠે છે અને તરસે મરી જાય છે.

3 આકાશ જાણે શોક પાળતું હોય તેમ, હું તેને અંધકારથી આચ્છાદિત કરુ છું.”


દેવના સેવક દેવના ભરોસે

4 યહોવા મારા દેવે મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, તેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રતિ પ્રભાતે તે મને ઊંઘમાંથી ઊઠાડે છે અને તેમની ઇચ્છાને સમજવાનું સાર્મથ્ય મને આપે છે.

5 યહોવા મારા દેવે મારા કાન ઉઘાડ્યા છે, મેં નથી આજ્ઞાભંગ કર્યો કે, નથી પાછા પગલા ભર્યા.

6 મારનાર તરફ મેં પીઠ ધરી છે અને વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનાર અને થૂંકનારથી મેં મારુ મુખ સંતાડ્યું નથી.

7 પરંતુ યહોવા મારા માલિક મારી સહાયમાં ઊભા છે, તેથી કોઇ અપમાન મને નડતું નથી. મેં મારું મુખ પથ્થર જેવું દ્રઢ અને મજબૂત કર્યું છે; મને ખાતરી છે કે મારી લાજ નહિ જાય.

8 મને ન્યાય આપનાર નજીકમાં છે; હવે મારી સામે યુદ્ધ કરવાની હિંમત કોણ કરી શકે? ક્યાં છે મારા દુશ્મનો? તેમને મારી સામે આવવા દો!

9 જુઓ, યહોવા મારા દેવ મને સહાય કરશે, પછી મને અપરાધી ઠરાવી શકે એવો કોણ છે? જેમ જીવાત જૂના કપડાંને ખાઇ જાય છે, તેમ મારા સર્વ શત્રુઓનો નાશ થશે!

10 તમારામાંથી એવો કોઇ છે જે યહોવાનો ડર રાખતો હોય? તેના સેવકની આજ્ઞા પાળતો હોય? જે અંધારામાં દીવા વગર ચાલતો હોય તોતે યહોવાના નામ પર શ્રદ્ધા રાખે, અને તેનો આધાર લે.

11 “પણ તમે બધા તો અગ્નિ પેટાવો છો અને ઝાડના કૂંઠા બાળો છો. તો જાઓ, અગ્નિની જવાળાની વચ્ચે અને તમે જાતે સળગાવેલાં ઝાડના ઠૂંઠા વચ્ચે ચાલો. યહોવાને હાથે તમારી આ દશા થવાની છે. તમે દુ:ખમાં જ સબડવાનાં છો અને વિપત્તિમાં જ પડ્યા રહેવાના છો.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan