Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 43 - પવિત્ર બાઈબલ


યહોવાનું અભયદાન

1 પણ હવે, હે યાકૂબ તારો સર્જનહાર અને ઇસ્રાએલના ઘડવૈયા યહોવા તને કહે છે, “ડરીશ નહિ, હું તારો ઉદ્ધાર કરીશ, મેં તને તારું નામ દઇને બોલાવ્યો છે અને તું મારો પોતાનો છે.

2 જ્યારે તું અગાધ જળમાં થઇને પસાર થતો હશે, ત્યારે હું તારી સાથે રહીશ, તું નદીમાં થઇને જતો હશે, ત્યારે તેના વહેણ તને તાણી નહિ લઇ જાય, અગ્નિમાં થઇને તું ચાલશે તો તું દાઝી નહિ જાય; જવાળાઓ તને બાળશે નહિ.

3 કારણ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા તારો ઉદ્ધારક છું, તારી મુકિતના બદલામાં મેં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.

4 મેં તારે માટે થઇને બીજા બધાં લોકોને વિનિયોગ કર્યો છે, કારણ કે મારી ષ્ટિમાં તું મૂલ્યવાન અને સન્માનપાત્ર છે, મેં તારા પર પ્રીતિ કરી છે.

5 “તું ડરીશ નહિ, હું તારી સાથે છું. હું તારા લોકોને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી લઇ આવી ઘરભેગા કરીશ.

6 હું ઉત્તરને કહીશ, તેમને જવા દે અને દક્ષિણને કહીશ, તેમને રોકતો નહિ. મારા પુત્ર-પુત્રીઓને દૂર દૂરથી ઠેઠ ધરતીને છેડેથી પાછા લાવો.

7 એ બધાં મારે નામે ઓળખાય છે, એમને બધાંને મેં મારો મહિમા ગાવા માટે સર્જ્યા છે, ઘડ્યા છે, નિર્માણ કર્યા છે.”

8 યહોવા કહે છે, “આ પ્રજા, જે આંખો હોવા છતાં દેખતી નથી, કાનો હોવા છતાં સાંભળતી નથી, તેને સામે લાવો.

9 બધી પ્રજાઓ ભેગી થઇ જાઓ. તેમના દેવોમાંથી આ બધું પહેલેથી કહ્યું હતું, અથવા જે ઘટનાઓ બની ચૂકી છે તેની આગાહી કરી હતી! તેઓ પોતાનો દાવો પૂરવાર કરવા સાક્ષીઓ રજૂ કરે છે, જેઓ એમની વાત સાંભળીને કહે કે, આ સત્ય છે.”

10 યહોવા કહે છે, “તું મારો સાક્ષી છે, તું મારો સેવક છે, હું જેને મેં પસંદ કર્યો છે, જેથી તું જાણી શકે અને મારા પર વિશ્વાસ મૂકી શકે અને સમજી શકે કે ફકત હું જ દેવ છું.

11 હું, હું જ યહોવા છું; અને મારા સિવાય કોઇ તમારો ઉદ્ધાર કરી શકે તેમ નથી;

12 આગાહી કરનાર હું જ છું, ઉદ્ધારક હું જ છું, નહિ કે તમારામાંનો કોઇ વિધર્મી દેવ, તમે મારા સાક્ષી છો અને હું જ દેવ છું” યહોવા કહે છે,

13 “હું જ દેવ છું, છેક સૃષ્ટિના સર્જન પહેલાના કાળથી હું જ દેવ છું. મારા હાથમાંથી કોઇ છોડાવી શકે તેમ નથી; હું જે કાઇઁ કરું છું તેને કોઇ રોકી શકતું નથી.”

14 યહોવા, તમારો તારક, ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે: “તમારી માટે હું બાબિલ સામે લશ્કર મોકલીશ, તેના કારાવાસના સળિયાઓને હું ભોય પર ઢાળી દઇશ અને તેમનો વિજયનાદ આક્રંદમાં ફેરવાઇ જશે.

15 હું યહોવા છું, તમારો પરમપવિત્ર દેવ છું, ઇસ્રાએલનો સર્જનહાર અને તમારો રાજા છું.”


યહોવા ફરી પોતાના લોકોને બચાવશે

16 ભૂતકાળમાં યહોવાએ સમુદ્રમાં થઇને માર્ગ કર્યો હતો, ધસમસતા જળમાં રસ્તો કર્યો હતો;

17 “તે રથને અને ઘોડાને, અને સમગ્ર યોદ્ધાઓના સૈન્યને બહાર દોરી ગયો. બધાજ ઢળી પડ્યા, પાછા બેઠા થવા પામ્યા નહિ, તેઓ સૌ ઓલવાઇ ગયા, તેઓ વાટની જેમ ઓલવાઇ ગયા.

18 પરંતુ હવે તે સર્વ ભૂતકાળનું સ્મરણ કરવાની જરૂર નથી. પહેલાં મેં જે કર્યુ હતું તેનો વિચાર ન કરો.

19 કારણ કે હું એક નવું કામ કરવાનો છું. જુઓ, મેં તેમની શરૂઆત કરી દીધી છે! શું તમે જોઇ શકતા નથી? મારા લોકો માટે અરણ્યમાં હું માર્ગ તૈયાર કરીશ અને રાનમાં તેઓને માટે નદીઓ ઉત્પન્ન કરીશ!

20 જંગલી પ્રાણીઓ, વરુઓ અને શાહમૃગો સુદ્ધાં મને માન આપશે, કારણ, હું મરુભૂમિમાં પાણી પૂરું પાડીશ. સૂકા રણમાં નદીઓ વહેવડાવીશ, જેથી મારા પસંદ કરેલા લોકો પાણી પીવા પામે.

21 એ લોકોને મેં મારે માટે બનાવ્યા છે, તેથી તેઓ મારી સ્તુતિ જાહેર કરશે.”

22 યહોવા કહે છે, “હે ઇસ્રાએલીઓ, તમે મને વિનંતી કરતાં નથી, તમે તો મારાથી કંટાળી ગયા છો!

23 તમે મને દહનાર્પણ તરીકે ઘેટાંને અર્પણ કર્યા નથી; તમે યજ્ઞોથી મારો આદર કર્યો નથી. મેં કંઇ બહુ ભારરુંપ યજ્ઞો માગ્યા નહોતા કે તમને મારા માટે ધૂપ પેટાવવા માટે દબાણ કર્યું નહોતું.

24 તમે કઇં મારે માટે ધૂપસળી પાછળ પૈસા ર્ખચ્યા નથી કે મને બલિદાનોની ચરબીથી તૃપ્ત કર્યો, તમે તો કેવળ પાપ અર્પણ કર્યા છે, અને તમારા એ અન્યાયોથી હું થાકી ગયો છું.

25 “હા, હું એ જ છું, હું એકલો જ મારા પોતાના નામની માટે તમારાં સર્વ પાપ ભૂંસી નાખું છું અને ફરીથી કદી હું તેનું સ્મરણ કરતો નથી.

26 ઓ ઇસ્રાએલીઓ, આપણે સાથે ન્યાયાલયમાં જઇએ, મારા પરનો તમારો આરોપ રજૂ કરો, તમારી દલીલો રજૂ કરીને તમારી નિર્દોષતા સાબિત કરો.

27 તમારા આદી પુરુષે મારી વિરુદ્ધ પાપ કર્યુ હતું. તમારા પ્રબોધકો અને યાજકોએ મારી સામે બળવો કર્યો હતો,

28 આ કારણે જ મેં તમારા અભિષિકત સરદારોને ષ્ટ કર્યા છે, ને યાકૂબ શાપરૂપ તથા ઇસ્રાએલને નિંદાપાત્ર કર્યા છે, અને તેમને વિનાશને માર્ગે મોકલ્યા છે.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan