યશાયા 4 - પવિત્ર બાઈબલ1 તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે કે, “અમે અમારો પોતાનો રોટલો ખાઇશું અને અમારાઁ પોતાનાં વસ્ત્રો પહેરીશું. પણ તું અમને તારે નામે ઓળખાવા દે, જેથી અમારું કુવારાંપણાનું મહેણું ટળે.” 2 તે દિવસે યહોવા ઇસ્રાએલનાઁ વૃક્ષો અને ખેતરોને સુંદર અને મબલખ પાકથી ભરી દેશે. અને જમીનની પેદાશ ઇસ્રાએલના બચી ગયેલા માણસો માટે અભિમાન અને ગૌરવનો વિષય બની રહેશે. 3 સિયોનમાં તથા યરૂશાલેમમાં જેઓ બાકી રહ્યા હશે, જીવવા નિર્માયા હશે તેઓ પવિત્ર કહેવાશે. 4 જ્યારે માલિકે, ન્યાયના પાવક અગ્નિ વડે સિયોનની પુત્રીઓના ગંદવાડને ધોઇ નાખ્યો હશે, અને યરૂશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી નિર્મળ કરી નાખ્યું હશે, 5 યહોવા સિયોનના પર્વતને અને ત્યાં ભેગા થયેલા લોકો ને દિવસ દરમ્યાન વાદળ દ્વારા અને રાત દરમ્યાન જ્યોતિ અને ધુમાડાથી ભરી દેશે. 6 દિવસ દરમ્યાન તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે યહોવાનો મહિમા ચંદરવાની જેમ છવાઇ જશે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International