યશાયા 28 - પવિત્ર બાઈબલઉત્તરના રાજ્ય સમરૂનને ચેતવણી 1 અફસોસ છે એફ્રાઇમના ધનવાન લોકો અહંકારી, છાકટા અને પૌષ્ટિક ખોરાકથી હષ્ટપુષ્ટ થયેલાં છે. પરંતુ તેઓ જંગલી ફૂલ કે પાંદડાના હારની જેમ ક્ષીણ થઇ જશે. 2 કારણ કે યહોવા મારા દેવ તમારી વિરુદ્ધ આશ્શૂરના મહાન સૈન્યને મોકલશે; તે કરાના ભયંકર તોફાનની જેમ તમારા પર, વિનાશ વેરનાર વાવાઝોડાની જેમ, તોફાને ચઢેલાં ઊભરાતાં પાણીના ઘસમસતા પૂરની જેમ ધસી આવશે, ને તેમને ભોંયભેગા કરીને પછાડશે. 3 ઇસ્રાએલના છાકટા આગેવાનોના તુમાખીભર્યા મુગટો પગ તળે કચરાશે. 4 અને તેમના માથાં પરનાં કરમાતાં ફૂલો જેવી તેમની જાહોજલાલી હશે અને પૌષ્ટિક ખોરાકથી હષ્ટપુષ્ટ અને ઋતુંનાં પહેલાં પાકેલાં અંજીર જેવી થશે, જે નજરે ચડતાં જ ચૂંટાઇને ખવાઇ જાય છે. 5 યહોવાના જે લોકો બચી ગયા હશે, તેઓ માટે છેવટે સૈન્યોનો દેવ યહોવા પોતે “મહિમાનો મુગટ” અને “સૌદંર્યનો તાજ થશે.” 6 તે ન્યાયાસન ઉપર બેસનારાઓમાં ન્યાયની ભાવના પ્રેરશે અને દુશ્મનોથી નગરના દરવાજાઓનું રક્ષણ કરનારાઓને બહાદુર બનાવશે. 7 યાજકો અને પ્રબોધકો પણ દ્રાક્ષારસ પીને લથડીયાં ખાય છે; દ્રાક્ષારસથી તેમના ચિત્ત ડહોળાઇ ગયા છે, તેઓ દિવ્ય દર્શનના અર્થઘટનમાં ગોથાં ખાય છે, ચુકાદો આપવામાં ગૂંચવાય છે. 8 તેઓનાં બધાં મેજ ઊલટીથી ભરાઇ ગયાં છે, કોઇ જગા ચોખ્ખી રહેવા પામી નથી. દેવ પોતાના લોકોને મદદ કરવા ઇચ્છે છે 9 લોકો કહે છે, “યશાયા પોતાના મનમાં શું સમજે છે કે આપણી સાથે આ પ્રમાણે વાત કરે? અમે શું હમણા જ બોલતા શીખ્યા હોય એવા નાનાં બાળકો છીએ?” 10 પણ તે આ પ્રમાણે સંભળાશે, “ત્સવ, લે સ્તવ, સ્તવ, લે સ્તવ, કવ, લેકવ, કવ, લેકવ, ઝર શામ, ઝર શામ!” 11 એટલે યહોવા આ લોકોની સાથે વાત કરશે, તેમને પાઠ ભણાવવા અન્ય ભાષા બોલનાર વિદેશીઓને મોકલશે. 12 તેણે તેઓને કહ્યું હતું કે, “અહીં વિશ્રામ છે. થાક્યા હોય તે વિશ્રામ કરે. અહીં શાંતિ છે,” પણ તેમણે કાને ન ધર્યુ. 13 તેથી હવે યહોવાના શબ્દો પણ તેમનેઆ પ્રમાણે સંભળાશે, “ત્સ, લેત્સવ, સ્ત, લેસ્તવ, કવ, લેકવ, કવ, લેકવ, ઝર શામ, ઝર શામ.” તેથી તેઓ પોતાના રસ્તે જવાનું રાખે, અને ઠોકર ખાઇને પાછા પડે, તૂટી પડે અને સપડાવીને કબ્જે કરાય. દેવના ન્યાયથી કોઇ નથી બચી સકતું 14 માટે યરૂશાલેમના લોકો પર રાજ્ય કરતાઓ ઘમંડી માણસો, તમે યહોવાના વચન સાંભળો! 15 કારણ કે તમે એમ કહો છો કે, અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, અમે શેઓલની સાથે સમજૂતી કરી છે; જ્યારે વિનાશનો ચાબખો વીંજાશે ત્યારે તે અમને સ્પર્શ કરશે નહિ, કારણ કે અમે જૂઠાણાનો આશ્રય લીધો છે, અને અમારી જાતને જુઠ્ઠાણામાં છુપાવી દીધી છે. 16 તેથી યહોવા મારા દેવ કહે છે કે, “જુઓ, હું સિયોનમાં પાયાનો પથ્થર મૂકું છું, જે નક્કર અને મજબૂત છે. જે માણસ વિશ્વાસ રાખે છે તે ગભરાતો નથી. 17 “હું ન્યાયની દોરી અને ન્યાયીપણાનો ઓળંબો લઇ ચણતર કરીશ, કરાંનું તોફાન તમારા જૂઠાણાના આશ્રયને ઘસડીને લઇ જશે, અને પાણીનું પૂર તમારી સંતાઇ જવાની જગા પર ફરી વળશે. 18 ત્યારે તમારો મૃત્યુ સાથેનો કરાર રદ થશે, અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ, જ્યારે વિનાશનો ચાબખો વિંઝાશે ત્યારે તમે તેનાથી પટકાઇ પડશો. 19 “તે જેટલી વાર વિંઝાશે તેટલી વાર તે તમને પકડશે; પ્રતિદિન સવારે, રાતદિવસ તે વિંઝાશે, એના સમાચાર માત્રથી ભય વ્યાપી જશે. 20 “તમે તૈયાર કરેલી પથારી એટલી ટૂંકી છે કે તેના પર સૂઇ શકાય નહિ; અને ઓઢવાનું એટલું સાંકડું છે કે તમને ઢાંકી શકે નહિ.” 21 કારણ કે તે પરાસીમના પર્વત પર અને ગિબયોનની ખીણમાં રોષે ભરાઇ ઉભો થઇ જશે, અને અસાધારણ તથા અનોખું કાર્ય કરશે! 22 એટલે હવે તમે હાંસી ઉડાવશો નહિ. નહિ તો તમારી સાંકળો મજબૂત થઇ જશે. સૈન્યોના દેવ યહોવાએ છોડેલી આખા દેશના વિનાશની આજ્ઞા મેં સાંભળી છે. યહોવા ન્યાયપૂર્વક સજા કરશે 23 ધ્યાનથી મારી વાણી સાંભળો! ધ્યાન દઇને મારું વચન સાંભળો. 24 શું ખેડુત ખેતર ખેડ્યા જ કરે અને વાવણી જ ન કરે એવું બને ખરું? તે શું ચાલુ જમીન ખોદ્યા જ કરે છે અને રાંપડી જ ફેરવ્યા કરે છે? 25 તેની જમીનની સપાટી સરખી કરીને તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી? અને ચાસમાં ઘઉં, ને નક્કી કરેલી જગાએ જવ, ને યોગ્ય ઋતુંમાં શું તે બાજરી વાવતો નથી? 26 કારણ કે તેને તેના દેવે શિક્ષણ આપીને યોગ્ય જ્ઞાન આપ્યુ હોય છે. 27 કારણ કે સૂવા ધારદાર શસ્રથી મસળાતા નથી કે જીરાના દાણા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી. સૂવા લાકડીથી ઝુડાય છે અને જીરું ઝૂડિયાથી ઝૂડાય છે. 28 ઘઉં સરળતાથી દળાય છે તેથી તે તેને સતત ઝાડ્યા કરતો નથી અને એક વ્યકિત અનાજના દાણા પર ગાડાનું પૈડું ફેરવે છે છતાં પણ તે દાણાને તોડી નાખતો નથી. 29 એ જ્ઞાન પણ સૈન્યોના દેવ યહોવા પાસેથી મળે છે, જેની સલાહ અદૃભુત છે અને જેનું શાણપણ અજબ છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International