Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 26 - પવિત્ર બાઈબલ


ભાગ્યપરિવર્તન અને સ્તુતિગાન

1 તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે: અમારું નગર મજબૂત છે. અમારું રક્ષણ કરવાને માટે યહોવાએ કોટ અને કિલ્લા ચણેલા છે.

2 દરવાજા ઉઘાડી નાખો જેથી ધર્મને માર્ગે ચાલનારી પ્રજા જે વફાદાર રહે છે તે ભલે અંદર આવે.

3 હે યહોવા, જેમનાં ચિત્ત ચલિત થતાં નથી, તેમને તું પૂરેપૂરી શાંતિમાં રાખે છે; કારણ કે તેઓ તારા પર વિશ્વાસ રાખે છે.

4 સદા યહોવા પર ભરોસો રાખો, તે જ આપણો સનાતન ખડક છે.

5 તેણે ઊંચી હવેલીઓમાં વસનારાઓને નીચા નમાવ્યાં છે, તેમના ગગનચુંબી નગરને તેણે તોડી પાડીને ભોંયભેગુ કરી નાખ્યું છે. ધૂળભેગું કર્યું છે.

6 તે પગ તળે કચડાય છે, ને દીનદલિતોના પગ તળે તે રોળાય છે.

7 ન્યાયીના માર્ગે ચાલનારનો રસ્તો સુગમ છે; તમે યહોવા એને સરળ બનાવો છો.

8 અમે તમારા નિયમોને માર્ગે ચાલીએ છીએ, અને તમારી જ પ્રતિક્ષા કરીએ છીએ, તમારું નામસ્મરણ એ જ અમારા પ્રાણની એકમાત્ર ઝંખના છે.

9 આખી રાત હું તમારા માટે ઉત્કંઠિત રહ્યો છું; મારા ખરા હૃદયથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ; કારણ કે જ્યારે તમે પૃથ્વીનો ન્યાય કરીને શિક્ષા કરો છો, ત્યારે લોકો પોતાની દુષ્ટતાથી પાછા ફરે છે અને યોગ્ય માર્ગે વળે છે.

10 પણ દુષ્ટ લોકો પ્રત્યે કૃપા દર્શાવાય, તો પણ તેઓ નીત્તિમત્તા શીખતા નથી; સદાચારી લોકોથી ભરેલી આ ભૂમિમાં પણ તેઓ અધર્મ આચરે છે, અને તમારા ગૌરવનો સહેજ પણ આદર કરતા નથી.

11 હે યહોવા, તમે તમારો હાથ ઉગામ્યો છે, તો પણ તમારા દુશ્મનો તે જોતા નથી, તમારા લોકો માટેનો તમારો પ્રેમ કેવો ઉગ્ર છે તેનું ભાન થતાં તેઓ લજવાય! તમારા શત્રુઓ માટે રાખી મૂકેલા અગ્નિથી તેઓને ભસ્મ કરો.

12 હે યહોવા, તમે અમને મહેરબાની કરીને સુખ-શાંતિ આપો, અમારા ખોટા કાર્યો બદલ તમે અમને અત્યાર પહેલા સજા આપી દીધી છે.


દેવ પોતાના લોકોને નવું જીવન આપશે

13 હે અમારા દેવ યહોવા, તમારા સિવાયના બીજા હાકેમોએ અમારા ઉપર હકૂમત ચલાવી છે પણ અમે તો માત્ર તને જ સ્વીકારીએ છીએ.

14 પહેલાં જેઓએ અમારી ઉપર શાસન કર્યું હતું, તેઓ મૃત્યુ પામ્યાં અને ચાલ્યા ગયા છે; તેઓ હવે ફરીથી કદી જ પાછા આવી શકે તેમ નથી. તેમ તેઓની વિરુદ્ધ થયા અને તેઓનો નાશ કર્યો અને તેઓનું નામનિશાન પણ રહ્યું નથી.

15 યહોવાની સ્તુતિ થાઓ! હે યહોવા, તમે અમારી પ્રજાની વૃદ્ધિ કરી છે, અમારા દેશના બધા જ સીમાડા વિસ્તાર્યા છે.

16 હે યહોવા, તેઓના દુ:ખમાં તેઓએ તમારી શોધ કરી, જ્યારે તમે તેઓને શિક્ષા કરી ત્યારે તેઓએ તમને પ્રાર્થના કરી.

17 હે યહોવા, કોઇ ગર્ભવતી સ્ત્રીનો પ્રસવકાળ આવ્યો હોય, ત્યારે પ્રસુતિની વેદનામાં ચીસો પાડે છે; તેવી પીડા તમારી સંમુખ અમને થતી હતી.

18 અમે પણ સ્ત્રીની પ્રસવવેદના જેવી વેદનાથી પીડાયા પણ પરિણામ કાઇં આવ્યું નહિ. અમારા સર્વ પ્રયત્નો છતાં, અમે જગતના લોકોને જીંદગી આપી નહોતી.

19 છતાં પણ અમારી પાસે આ ખાતરી છે: “જેઓ દેવના છે; તેઓ ફરીથી સજીવન થશે. તેઓનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારાઓ, તમે જાગૃત થાઓ, ને મોટેથી હર્ષનાદ કરો; કારણ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, તે જેમ વનસ્પતિને સજીવન કરે છે તેમ યહોવા મૃત્યુલોકમાં સૂતેલાઓને સજીવન કરશે.”


ન્યાય પુરસ્કાર અને સજા

20 આવો, મારા લોકો, તમારા ઘરમાં પ્રવેશ કરો અને બારણાં વાસી દો. તમારા શત્રુઓ વિરુદ્ધ યહોવાનો રોષ ઉતરે ત્યાં સુધી થોડો સમય સંતાઇ રહો.

21 જુઓ, પૃથ્વી પરના સર્વ લોકોને તેમના પાપની સજા કરવા યહોવા આકાશમાંથી આવી રહ્યા છે, પૃથ્વી પોતાના ઉપર રેડાયેલું લોહી ઉઘાડું કરશે, તે પોતાના ઉપર માર્યા ગયેલાઓને ઢાંકી નહિ રાખે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan