Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 5 - પવિત્ર બાઈબલ


આગેવાનોએ ઇસ્રાએલ અને યહૂદાથી પાપ કરાવ્યા

1 હે યાજકો, તમે આ સાંભળો! હે ઇસ્રાએલીઓ, ધ્યાન આપો! હે રાજકુટુંબના સર્વ માણસો ધ્યાનથી સાંભળો! તમને દોષિત ઠરાવવામાં આવ્યાં છે. કારણકે મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતાં, તાબોર પર્વત ઉપર જાળની જેમ પથરાયા હતાં.

2 બંડખોરોએ તેઓને ફસાવવા માટે શિટ્ટિમમાં ઊંડા ખાડાઓ ખોદ્યા છે, પરંતુ હું તમને સૌને શિક્ષા કરીશ.

3 હું જાણું છું એફ્રાઇમ શું કરી રહ્યું છે. ઇસ્રાએલના કૃત્યો મારાથી છુપા નથી. હા, હું જાણું છું કે, એફ્રાઇમ વારાંગનાની જેમ ર્વત્યુ. ઇસ્રાએલ અપવિત્ર બન્યું.

4 તેઓના દુષ્ટ કૃત્યો તેમને દેવ તરફ પાછા ફરતાં દૂર રાખે છે. કારણકે તેઓના હૃદયમાં વ્યભિચારી આત્મા દ્વારા પકડાયેલા છે, અને તેઓ યહોવાને નથી જાણતા.

5 ઇસ્રાએલનો ગર્વ તેની વિરૂદ્ધ સાક્ષી છે. ઇસ્રાએલ અને એફ્રાઇમ પોતાના પાપમાં ઠોકર ખાશે અને યહૂદા તેની સાથે પડશે.

6 અંતે તેઓ દેવની શોધ કરવા પોતાના ઘેટાં, બકરાં અને ઢોરઢાંખર સાથે આવશે અને તેઓનું બલિદાન દેવને અર્પશે. પરંતુ ત્યારે ઘણું જ મોડું થઇ ગયું હશે. તેઓ યહોવાને શોધી શકશે નહિ. દેવ તેઓથી વિમુખ થશે અને તેઓને એકલા મૂકી દેવામાં આવશે.

7 તેઓએ યહોવાને દગો દીધો હતો. કારણકે તેઓએ બીજા કોઇના સંતાનોને જન્મ આપ્યો છે. તેથી તે ચંદ્રદર્શનનો દિવસ તેમનો અને તેમની ભૂમિનો નાશ કરશે.


ઇસ્રાએલના વિનાશની ભવિષ્યવાણી

8 ચેતવણીનો ઘંટ વગાડો! ગિબયાહમાં તથા રામામાં અને બેથ-આવેન સુધી રણશિંગડું વગાડી ચેતવણી આપો; બિન્યામીનનો પ્રદેશ ધ્રુજી ઊઠો!

9 હે ઇસ્રાએલ! સજાનો દિવસ આવી રહ્યો છે, ઇસ્રાએલ તારાજ થઇ જશે. ઇસ્રાએલના લોકો માટે હું જે જાહેર કરું છું તે અચૂક થવાનું જ છે.

10 યહોવા કહે છે, “યહૂદાના આગેવાનો દુષ્ટ લોકોની જેમ ર્વત્યા; જેમણે પાડોશીઓની જમીનની સરહદના પથ્થરો ખસેડ્યાં. તેમના ઉપર હું મારો ક્રોધ પાણીના ધોધની જેમ વહેવડાવીશ.

11 એફ્રાઇમને સજા થશે અને કચરી નાખવામાં આવશે કારણ તેણે મૂર્તિઓના યાજકોના આદેશ પાળ્યાં છે.

12 આથી હું ઇસ્રાએલ અને યહૂદાને ઊધઇ અને કીડાની જેમ કોરી ખાઇશ.

13 જ્યારે ઇસ્રાએલને પોતાના રોગની ખબર પડી અને યહૂદાએ પોતાનો ઘા જોયો, ત્યારે ઇસ્રાએલે આશ્શૂર જઇ સમ્રાટને તેડાવ્યો. પણ તે તેમને સાજો કરી શકે એમ નથી કે, તેમના ઘા રૂજાવી શકે એમ નથી.

14 કારણ સિંહની જેમ હું એફ્રાઇમ અને યહૂદાના લોકો પર આક્રમણ કરીશ. હું મારી જાતે તેમને ટુકડાઓમાં ભાંગી નાખીશ અને દૂર ફેંકી દઇશ. હું તેઓને જ્યારે લઇ જઇશ ત્યારે તેઓની રક્ષા કોઇ કરી શકશે નહિ.

15 તેઓ પોતાનો અપરાધ કબૂલ કરશે અને મારું મુખ શોધશે પણ હું મારે સ્થાને જરૂર પાછો ચાલ્યો જઇશ. દુ:ખમાં આવી પડશે ત્યારે તેઓ મને શોધવા નીકળશે.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan