Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 1 - પવિત્ર બાઈબલ


હોશિયા દ્વારા યહોવા દેવનો સંદેશ

1 યહૂદાના રાજાઓ ઉઝિઝયા, યોથામ, આહાઝ તથા હિઝિક્યા અને ઇસ્રાએલના રાજા યોઆશના પુત્ર યરોબઆમના અમલ દરમ્યાન બસેરીના પુત્ર હોશિયાને સંભળાયેલી યહોવાની વાણી.

2 યહોવાનો હોશિયાને આ પહેલો સંદેશો હતો. તેણે કહ્યું “જા અને તે વારાંગનાને પરણ; જેને તેની વારાંગનાવૃતિથી સંતાન થયા તેને પોતાનાં કરી લે; કેમ કે, દેશ યહોવાનો ત્યાગ કરીને વારાંગના જેવું વર્તન કર્યું છે, તેઓ યહોવામાં અશ્રદ્ધાળુ થયા છે.”


યિઝએલનો જન્મ

3 તેથી હોશિયાએ ત્યાં જઇને દિબ્લાઇમની પુત્રી ગોમેર સાથે વિવાહ કર્યા અને ગોમેરને તેનાથી ગર્ભ રહ્યો અને એક પુત્ર અવતર્યો.

4 યહોવાએ તેને કહ્યું, “તેનું નામ ‘યિઝએલ’ પાડ, કારણકે થોડા જ સમયમાં હું યેહૂના કુટુંબના માણસો પર બદલો લઇશ અને તેના વંશજોને યિઝએલ ખીણમાં તેણે જે રકતપાત કર્યો હતો તેના માટે સજા કરીશ.

5 હું ઇસ્રાએલ રાજ્યનો અંત લાવીશ.”


લો-રૂહામાહાનો જન્મ

6 ગોમેરને ફરીથી ગર્ભ રહ્યો, ને આ વખતે પુત્રી અવતરી, યહોવાએ તેને કહ્યું, “તું તેણીનું નામ લો-રૂહામાહ પાડ; કારણકે હવે પછી હું કદી ઇસ્રાએલના લોકો પર તેમના પાપોને ક્ષમા કરીને દયા દેખાડવાનો નથી.

7 પરંતુ હું યહૂદાના લોકો પર કૃપા કરીશ અને તેમનું રક્ષણ કરીશ. ધનુષ, તરવાર, યુદ્ધ, કે, ઘોડેસવારોથી તેમનો ઉધ્ધાર કરીશ નહિ પરંતુ તેમના દેવ યહોવા તરીકે હું જાતે તેમનો ઉદ્ધાર કરીશ.”


લો-આમ્મીનો જન્મ

8 લો-રૂહામાહને ધાવણ છોડાવ્યા પછી ગોમેરને ફરી ગર્ભ રહ્યો અને તેને એક પુત્ર અવતર્યો.

9 ત્યારે યહોવાએ કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ; કારણ કે તમે ઇસ્રાએલના લોકો મારા લોકો નથી, ને હું તમારો દેવ નથી.”


યહોવા દેવના વચન: ઇસ્રાએલીઓ અસંખ્ય થશે

10 “છતાંય ઇસ્રાએલ પુત્રોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાય કે, ન તો ગણી શકાય. તેમને એમ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે દેવની પ્રજા નથી,’ તેને બદલે ‘તમે જીવતા જાગતા દેવના દીકરાઓ છો.’ એમ તેમને કહેવામાં આવશે.

11 “ત્યારબાદ યહૂદાના લોકો અને ઇસ્રાએલના લોકો ફરી ભેગા થશે અને તેઓ પોતાના માટે એક આગેવાન નીમીને જમીન મેળવી લેવા આગળ વધશે. કારણકે યિઝએલનો દિવસ એક મહાન દિવસ હશે.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan