હિબ્રૂઓ 3 - પવિત્ર બાઈબલઈસુ મૂસા કરતાં મહાન 1 તેથી તમારે બધાએ ઈસુ વિષે વિચાર કરવો જોઈએ. દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો અને તે આપણા વિશ્વાસનો પ્રમુખ યાજક છે. હું તમને આ કહું છું, મારા પવિત્ર ભાઈઓ અને બહેનો, તમને સર્વને દેવે તેડ્યા છે. 2 દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો છે અને તેને આપણો મુખ્ય યાજક બનાવ્યો છે. મૂસાની જેમ ઈસુ પણ દેવને વફાદાર હતો. દેવના ઘરમાં દેવ તેની પાસે જે કરાવવા ઈચ્છતો હતો તે બધું તેણે કર્યું. 3 જ્યારે મનુષ્ય મકાન બાંધે છે, ત્યારે લોકો મકાન બાંધનારને ખુબ માન આપે છે. તેમ ઈસુ મૂસા કરતાં માન આપવાને વધુ યોગ્ય ઠર્યો. 4 દરેક મકાન કોઈ એક મનુષ્ય બાંધે છે, પરંતુ દેવે તો આખી દુનિયાનું સર્જન કર્યું છે. 5 મૂસા સેવકની જેમ ખૂબજ વફાદાર હતો. દેવ જે ભવિષ્યમાં કહેવાનો છે તે (મૂસાએ) તેણે કહ્યું. 6 પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. આપણે વિશ્વાસીઓ દેવનું ઘર (કુટુંબ) છીએ. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન ચાલુ રાખીએ, તો આપણે દેવનું ઘર છીએ. આપણે દેવને અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ 7 એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ: “જો તમે આજે દેવની વાણી સાંભળો તો, 8 ઈસ્રાએલ પ્રજાએ અરણ્યમાં કર્યું તેમ તમે તમારા હ્રદયો કઠોર કરશો નહિ, અરણ્યમાં પ્રવાસ કરતી વખતે કસોટીના સમયમાં તેઓએ દેવ વિરૂદ્ધ બળવો કર્યો. 9 મેં જે કઈ કર્યું તે તમારા લોકોએ વરસ સુધી અરણ્યમાં જોયું. છતાં તેઓએ મારી ધીરજની કસોટી કરી. 10 તેથી હું તે લોકો પર રોષે ભરાયો. અને મેં કહ્યું, ‘તેઓ તેમના હ્રદયમાં જે વિચારે છે તે હંમેશા ખોટું જ છે. તેઓને મારા માર્ગોની કદી પણ સમજણ પડી નથી.’ 11 તેથી ગુસ્સે થઈ મેં પ્રતિજ્ઞા કરી: ‘તેઓ મારા વિસામામાં કદી પ્રવેશ કરી શકશે નહિ.’” 12 માટે હે ભાઈઓ અને બહેનો, તમે સાવધ રહો. રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. 13 પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો ન થાય અને દેવ વિરૂદ્ધનો બને નહિ. 14 કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું તો ખ્રિસ્તની સાથે સર્વસ્વના ભાગીદાર બનીશું. 15 શાસ્ત્રમાં કહેલું છે કે: “જો આજે તમે દેવની વાણી સાંભળો, તો અરણ્યમાં જેમ ઇસ્ત્રાએલ પ્રજાએ જે રીતે દેવ વિરૂદ્ધ બળવો કર્યો, તેમ તમે તમારા હ્રદય દેવ વિરૂદ્ધ કઠોર કરશો નહિ.” 16 દેવની વાણી સાંભળ્યા છતાં જેમણે તેની વિરૂદ્ધ બંડ પોકાર્યું. એ કયા લોકો હતા? મૂસાની આગેવાની હેઠળ ઇજીપ્તમાંથી નીકળી આવનાર તે લોકો હતા. 17 અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા. 18 દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ. 19 અને આપણે જોઈએ છીએ કે એ લોકો પ્રવેશ કરી શક્યા નહિ. અને દેવનો વિશ્રામ મેળવવા તેઓ શક્તિમાન નહોતા. શા માટે? કારણ કે તેઓએ દેવ પર વિશ્વાસ કર્યો નહિ. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International