હિબ્રૂઓ 13 - પવિત્ર બાઈબલ1 તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો છો આથી એકબીજા પર પ્રીતિ કરવાનું ચાલું રાખો. 2 મહેમાનોનો સત્કાર કરવાનું ના ભૂલશો. એમ કરવાથી કેટલાક લોકોએ અજાણતા પણ આકાશના દૂતોનું સ્વાગત કર્યુ છે. 3 જેઓ કારાવાસમાં છે તેઓને ભૂલો નહિ, જાણે તમે તેઓની સાથે જેલમાં હોય એમ તેઓની યાતનાઓના સહભાગી બનો. અત્યાચાર સહન કરે છે તેઓની સ્થિતિમાં તમે પણ છો એમ માની તેઓના દુ:ખમાં સહભાગી બનો. 4 સર્વમાં લગ્ન માન યોગ્ય માનો. લગ્નમાં બે જણ વચ્ચેના સંબંધો શુદ્ધ હોવા જોઈએ. જેથી બિછાનું નિર્મળ રહે; કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. 5 નાણાનાં લોભથી દૂર રહો તમારી પાસે જેટલું હોય તેટલામાં સંતોષ માનો. દેવે કહ્યું છે: “હું તને કદી મૂકી દઇશ નહિ; અને તને તજીશ પણ નહિ.” 6 તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું ડરીશ નહિ. માણસ મને શું કરનાર છે?” 7 તમને દેવના વચનો શીખવનાર તમારા આગેવાનોને યાદ કરો. તેઓ જે રીતે જીવ્યા અને તેમનું જીવન પૂર્ણ કર્યુ તેનો વિચાર કરો અને તેઓની માફક દેવમાં વિશ્વાસ રાખો. 8 ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાને માટે એવો ને એવો જ છે. 9 તમે દરેક જાતના વિચિત્ર ઉપદેશથી ભરમાઈ જશો નહિ. જે તમને અવળા માર્ગે દોરી જાય, સાચી વસ્તુ એ છે કે દેવની કૃપાથી જ તમારા હ્રદયને બળવાન બનાવવું. ખોરાક વિષેના નિયમો પાળવાથી એ મળતું નથી. આ નિયમો પાળનારને કશો જ ફાયદો થતો નથી. 10 અમારી પાસે બલિદાન છે. પરંતુ યાજકો જેઓ પવિત્ર મંડપોમાં સેવા કરે છે તેઓ તે બલિદાનમાંથી ખાઇ શકતા નથી. 11 યહૂદી નિયમ પ્રમાણે પ્રમુખયાજક વધ કરેલાં પશુઓનું રક્ત પવિત્ર સ્થાનમાં લઈ તો જતાં હતા, પરંતુ પાપો માટે તે પશુઓના શરીર શહેર બહાર બાળી નાખવામાં આવતા. 12 આ કારણને લીધે અને તેના લોકોને તેની પોતાના લોહી સાથે પવિત્ર બનાવવાના હેતુથી ઈસુ દુ:ખ ભોગવીને શહેરની બહાર મરણ પામ્યો. 13 આપણે પણ શહેરની બહાર એટલે કે છાવણીની બહાર તેની પાસે જવું જોઈએ. અને તેની સાથે તેણે જે દુ:ખ તથા અપમાન સહન કર્યા છે તે આપણે સ્વીકારીએ. 14 આ પૃથ્વી પર જે શહેર છે તે આપણું કાયમી ઘર નથી. આપણે સદાકાળ થનાર ભવિષ્યમાં જે મળવાનું છે તે શહેરની રાહ જોઈ રહ્યા છીએ. 15 તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે. તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે. 16 બીજાના માટે ભલું કરવાનું ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે. 17 તમારા આગેવાનોની આજ્ઞા માનો અને તેમની સત્તાને આધીન થાઓ. તેઓ હિસાબ રાખનારાઓની જેમ તમારા આત્માઓની ચોકી કરે છે. એ માટે કે તેઓ આનંદથી તે કરે. પણ શોકથી નહિ, કારણ કે એથી તમને ગેરલાભ થશે. 18 અમારા માટે પ્રાર્થના કરો, કેમ કે અમે જે કરીએ છીએ, તે અમને ન્યાયી લાગે છે. કારણ કે અમારો ધ્યેય હંમેશા જે સૌથી ઉત્તમ છે તે કરવાનો છે. 19 હું તમને વિનંતી કરું છું, આના માટે ખાસ પ્રાર્થના કરો અને તમે મારા માટે પ્રાર્થના કરો જેથી હું તમારી પાસે જલદી પાછો આવી શકું. બીજી કોઈ વસ્તુ નહિ પણ મારે આજ જોઈએ છે. 20-21 હવે આપણા પ્રભુ ઈસુ ઘેંટાઓના મહાન ભરવાડ છે. તેણે પોતાના રક્તથી સર્વકાળના કરાર પર મહોર લગાવી અને દેવે તેને મરણમાંથી સજીવન કર્યો. તે શાંતિનો દેવ છે. તમને પ્રત્યેક સારી વસ્તુઓમાં પરિપૂર્ણ બનાવો તેથી તમે તેની ઈચ્છાઓ પૂર્ણ કરી શકો. વળી આપણામાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા જે વસ્તુઓ તેને પ્રસન્ન કરે છે તે કરવા દો. ઈસુનો ગૌરવ સદાસર્વકાળ હો. આમીન. 22 મારા ભાઈઓ અને બહેનો, મેં જે તમને કહ્યું છે તે તમને ધ્યાનથી સાંભળવા વિનંતી કરું છું. તમને મજબૂત કરવા મેં કહ્યુ છે અને ટૂંકમાં લખ્યું છે. ભાઈઓ મારે તમને એ જણાવવું છે કે તિમોથી હવે જેલમાંથી છૂટ્યો છે, જો તે અહીં વહેલો આવશે તો, હું તેની સાથે તમારી પાસે આવીને તમને મળીશ. 23-24 તમારા બધાજ આગેવાનોને તથા દેવના સંતોને મારા તરફથી સલામ પાઠવશો. ઈટાલીમાંના સંતો તમને સલામ કહે છે. 25 તમ સર્વના પર દેવની કૃપા હો. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International