હિબ્રૂઓ 1 - પવિત્ર બાઈબલદેવનું પુત્ર દ્ધારા બોલવું 1 ભૂતકાળમાં દેવ આપણા પૂર્વજો સાથે પ્રબોધકો દ્ધારા અનેકવાર અનેક પ્રકારે બોલ્યો હતો. 2 અને હવે આ છેલ્લા દિવસોમાં દેવ જે કઈ બોલ્યો તે તેના પુત્ર દ્ધારા આપણી સાથે બોલ્યો છે. દેવે આખી દુનિયા તેના પુત્ર દ્ધારા બનાવી અને તેમાંનું બધું જ દેવે પોતાના પુત્ર દ્ધારા ઉત્પન્ન કર્યું છે. અને પુત્રને સર્વસ્વમાં વારસ, અને માલિક ઠરાવ્યો છે. 3 તે તેના ગૌરવનું તેજ તથા દેવની પ્રકૃતિના આબેહૂબ પ્રતિમા છે. તે પ્રત્યેક વસ્તુઓને પોતાના પરાક્રમી શબ્દો સાથે નિભાવી રાખે છે. પુત્રએ લોકોના પાપોનું શુદ્ધિકરણ કર્યું પછી તે મહાન દેવની જમણી બાજુએ આકાશમાં ઉચ્ચસ્થાને બિરાજમાન છે. 4 તેને દૂતો કરતાં જેટલે દરજજે તે વધારે ચઢિયાતું નામ વારસામાં દેવ દ્ધારા મળ્યું છે, તેટલે દરજજે તે દૂતો કરતાં ચઢિયાતો બન્યો છે. 5 દેવે કદી કોઈ દૂતોને કહ્યું નથી કે: “તું મારો પુત્ર છે; અને આજથી હું તારો પિતા બનું છું.” દેવે કોઈ દૂતને એવું કદી કહ્યું નથી કે, “હું તેનો પિતા હોઇશ, અને તે મારો પુત્ર હશે.” 6 જ્યારે પ્રથમજનિત ને જગતમાં દેવ રજૂ કરે છે, તે કહે છે, “દેવના બધાજ દૂતો દેવના પુત્રનું ભજન કરો.” 7 વળી દૂતો સંબંધી દેવ કહે છે કે: “દેવ પોતાના દૂતોને વાયુ જેવા બનાવે છે, અને દેવ તેના સેવકોને અગ્નિની જવાળા જેવા બનાવે છે.” 8 પણ દેવ તેના પુત્ર વિષે કહે છે કે: “ઓ દેવ, તારું રાજ્યાસન, સનાતન સદાય રહેશે. તું જગત પર ન્યાયી રાજ્યશાસન કરશે. 9 તું સત્યને ચાહે છે, અને ખોટાનો દ્ધેષ કરે છે. તેથી, દેવે, તારા દેવે તને મહા મોટો આનંદ આપ્યો છે. અને બીજા કોઈ સાથીઓ કરતાં તને વધારે મહત્વનું સ્થાન આપ્યું છે.” 10 દેવ એમ પણ કહે છે કે, “હે પ્રભુ, શરૂઆતમાં તેં પૃથ્વીનું સર્જન કર્યુ. અને આકાશ તારા હાથની કૃતિ છે. 11 આ બધીજ વસ્તુઓ નષ્ટ થઈ જશે, બધીજ વસ્તુઓ ફાટેલા જૂનાં વસ્ત્રો જેવી ર્જીણ થઈ જશે. પણ તું કાયમ રહે છે. 12 તું તેઓને એક વસ્ત્રની જેમ વાળી લેશે. અને તેઓ વસ્ત્રની જેમ બદલાઇ પણ જશે. પરંતુ તું બદલાશે નહિ, તું સદાકાળ એવોને એવો જ રહેશે.” 13 દેવે પોતાના દૂતને આ કદી નથી કહ્યું કે: “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારા પગ તળે કચડી ના નાખું ત્યાં સુધી તું મારી જમણી બાજુ બિરાજમાન થા.” 14 બધા જ દૂતો તો દેવની સેવા કરનાર આત્માઓ છે અને તારણ પામનાર મનુષ્યોની સેવા કરવા માટે તેઓને મોકલવામાં આવે છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International