Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હાગ્ગાય 2 - પવિત્ર બાઈબલ


નવા મંદિરમાં દેવનો ભાવી વૈભવ

1 એ જ વરસના સાતમા મહિનાની એકવીસમી તારીખે પ્રબોધક હાગ્ગાયને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:

2 “યહૂદિયાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆને તથા બાકી રહેલા લોકોને હવે કહે કે,

3 ‘આ મંદિરનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઇ તમારામાં જીવતો રહ્યો છે? અને હાલ તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ત નથી?

4 તોપણ હવે, યહોવા કહે છે, “હે ઝરુબ્બાબેલ, હિંમત હારીશ નહિ,” હે યહોસાદાકના પુત્ર યહોશુઆ, પ્રમુખ યાજક, “બળવાન થા; યહોવા કહે છે, હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઇને કામે લાગો; કારણકે હું તમારી સાથે છું,” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.

5 “‘તમે જ્યારે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે મેં તમને વચન આપ્યા પ્રમાણે મારો આત્મા તમારામાં હતો; તેથી ડરશો નહિ,’

6 કારણ કે સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘હું થોડી જ વારમાં ફરીથી આકાશ, પૃથ્વી, સમુદ્ર અને સૂકી ધરતીને હચમચાવી મૂકીશ.

7 હું આ બધા રાષ્ટ્રોને હચમચાવી મૂકીશ, અને તેમની ધનસંપતિ અહીં આવશે અને આ મંદિરને હું ખજાનાથી ભરી દઇશ.’

8 એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે, ‘તેઓની ચાંદી અને સોનું મારું છે.

9 તેથી આ મંદિરની પ્રતિષ્ઠા હવે પહેલાના કરતાં ઘણી વધારે હશે. અને આ મંદિરને હું સુખ અને શાંતિ આપીશ.’ આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.”


કાર્ય આરંભ થઇ ગયું છે વરદાન પ્રાપ્ત થશે

10 દાર્યાવેશના રાજ્યકાળમાં બીજા વર્ષના નવમાં મહિનાની ચોવીસમી તારીખે યહોવાનું વચન હાગ્ગાય પ્રબોધક મારફતે આવ્યું.

11 સૈન્યોનો દેવ યહોવા કહે છે, હવે તું યાજકોને આ પ્રશ્ર્નનો નિર્ણય કરવાનું કહે કે,

12 “જો તમારામાંનો કોઇ તેના કપડાંની ઘડીમાં અપિર્ત માંસ લઇ જતો હોય, અને તેનો સ્પર્શ રોટલી, ભાજી, તેલ કે કોઇ પણ અન્ન, દ્રાક્ષાને કે માંસને થાય, તો શું તે પણ પવિત્ર થઇ જાય?”

13 યાજકોએ કહ્યું: “ના.” ત્યારે હાગ્ગાયે કહ્યું, “જો કોઇ માણસ શબને અડવાથી અભડાયો હોય અને તે આ વસ્તુઓને અડે તો એ અભડાઇ જાય ખરી?” યાજકે જવાબ આપ્યો, “જરુર અભડાય.”

14 પછી હાગ્ગાયે સ્પષ્ટતા કરી, “યહોવા કહે છે કે ‘તમારું વલણ સ્વાથીર્ છે; તમારું હૃદય ભૂંડું છે અને તેથી એ લોકો જે કઇં ધરાવે છે તે પણ અશુદ્ધ છે. માત્ર તમારાં અર્પણો જ નહિ પણ મારી સેવાના નામે તમે જે કઇં કરો છો તે બધું જ અશુદ્ધ છે.’”

15 યહોવા કહે છે, “‘હવે કૃપા કરીને આજથી માંડીને ભૂતકાળ પહેલાના વખતનો વિચાર કરો, યહોવાનું મંદિર બાંધવા માટે કોઇ પથ્થર મૂકવામાં આવ્યો હતો.

16 અગાઉ તમે જ્યાં વીસ માપ અનાજની આશા રાખતા હતા, ત્યાંથી તમને માત્ર દશ જ મળતાં, દ્રાક્ષાકુંડ પાસે તમે પચાસ માપની આશા રાખતા ત્યાંથી તમને માત્ર વીસ જ મળતાં.

17 તમે જે જે કઇં વાવતા તે બધાનો હું લૂથી, ગેરુંથી કે કરાથી નાશ કરતો, તેમ છતાં તમે પાછા મારે શરણે ન આવ્યાં.’

18 “‘પણ સાંભળો, આજ પછીથી, નવમાં મહિનાની ચોવીસમી તારીખે, મંદિરનો પાયો નાખવામાં આવ્યો છે, તે દિવસ પછીથી શું થનાર છે તેનો વિચાર કરો.

19 શું હજી સુધી ત્યાં કોઠારમાં બી કે અનાજ છે? દ્રાક્ષની વેલો, અંજીરીઓ, દાડમડીઓ અને જૈતૂનના વૃક્ષો હજી ફળ્યાં નથી, પણ આજથી હું તમને આશીર્વાદ આપું છું.’”

20 એ જ મહિનાની ચોવીસમી તારીખે, ફરી વાર હાગ્ગાયને યહોવાની વાણી સંભળાઇ;

21 યહૂદાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને કહે કે, “હું આકાશોને તથા પૃથ્વીને હચમચાવી નાખીશ.

22 હું રાજ્યોના સિંહાસનો તેના સ્થાનેથી હટાવી દેવાનો છું. હું પ્રજાઓના રાજ્યોની શકિતનો નાશ કરનાર છું. અને તેમના રથોને અને તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાંખનાર છું. તેમના ઘોડાઓ જશે, અને સવારો પડી જશે અને તેઓ એકબીજા સાથે તરવારથી લડશે.

23 પરંતુ આ બનશે ત્યારે, ઓ મારા સેવક ઝરુબ્બાબેલ, હું તને મારો અંગત મુદ્રા મહોર બનાવીશ. કારણકે મેં તને પસંદ કર્યો છે.” એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan