Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હાગ્ગાય 1 - પવિત્ર બાઈબલ


મંદિરના જીણોર્દ્ધાર માટે આહ્વાન

1 દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રબોધક હાગ્ગાય મારફત યહોવાનો સંદેશો આવ્યો. આ સંદેશો યહૂદાના સૂબા શઆલ્તીએલના પુત્ર, ઝરુબ્બાબેલની, તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆ માટે હતો.

2 સૈન્યોનો દેવ યહોવા હાગ્ગાયને કહે છે કે, “આ પ્રજા કહે છે કે, મારું મંદિર ફરી બાંધવાનો સમય હજી આવ્યો નથી.”

3 ત્યારે પ્રબોધક હાગ્ગાય મારફતે યહોવાએ લોકોને કહેવડાવ્યું કે,

4 “આ મંદિર હજી જર્જરીત અવસ્થામાં ઉજ્જડ પડી રહેલું છે, તે દરમ્યાન તમારે તમારા છતવાળાઁ રૂડાંરૂપાળાં મકાનોમાં રહેવાનો આ વખત છે શું?

5 ‘તમારી શી દશા છે તેનો વિચાર કરો. આ સૈન્યોનો દેવ યહોવા કહે છે.

6 તમે ઘણું વાવ્યું છે, પણ ઘેર તો થોડું જ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઇને નહિ, તમે પીઓ છો ખરા પણ પીવાથી તૃપ્ત થતા નથી; તમે વસ્ત્રો પહેરો છો, પણ કોઇમાં ગરમી આવતી નથી; અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.’”

7 સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, “તમે જે રીતે ર્વત્યા છો અને તેનું જે પરિણામ આવ્યું છે, તેનો વિચાર કરો!

8 અને પર્વતો પર જાઓ, લાકડાં લઇ આવો. અને મારા મંદિરને ફરી બાંધો. તેનાથી મને આનંદ થશે ત્યાં મારું સન્માન થશે.”

9 આ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે ઘણાની આશા રાખતા હતા, પણ જુઓ તો ખરા, મળ્યું થોડું; અને જ્યારે તમે ઘેર લઇ આવ્યા ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. શાથી? કારણ, મારું મંદિર ખંઢેર હાલતમાં પડ્યું છે ત્યારે તમે સૌ પોતપોતાના ઘરની ચિંતામાં પડ્યા છો.

10 તેથી જ હું આકાશમાંથી આવતી ઝાકળને રોકી રાખું છું અને તમને બહુ જ ઓછો પાક આપું છું.

11 “હકીકતમાં હું સપાટ પ્રદેશમાં અને પહાડી પ્રદેશમાં દુકાળ લાવ્યો છું. અનાજ, દ્રાક્ષો, તેલવૃક્ષો અને અન્ય પાક સુકાઇ જાય તેવો દુકાળ, તમે અને તમારાં પશુઓ નબળા પડી જશો અને તમારા તમામ પાકને તેની અસર થશે.”


નવા મંદિરનું કાર્ય આરંભ

12 ત્યારે ઝરુબ્બાબેલ અને યાજક યહોશુઆએ બાકીના લોકો સાથે મળીને તેમના દેવ યહોવાના તથા હાગ્ગાયનાં વચનો પર ધ્યાન આપ્યું. તેઓએ યહોવાની આજ્ઞાનું પાલન કર્યુ અને તેમનો ભય રાખ્યો.

13 પછી યહોવા દેવે તેમના સંદેશાવાહક હાગ્ગાય દ્વારા ફરીથી સંદેશો મોકલીને કહ્યું કે, “હું તમારી સાથે છું, હું તમને આશીર્વાદ આપીશ.”

14 ત્યારે યહોવા દેવે યહૂદાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલનું તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆનું મન, તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું;

15 પછી દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસની ચોવીસમી તારીખે તેઓએ આવીને પોતાના સૈન્યોનો દેવ, યહોવાના મંદિરનું કામ શરૂ કરી દીધું.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan