Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હબાકુક 1 - પવિત્ર બાઈબલ


હબાક્કુકની દેવ સમક્ષ ફરિયાદ

1 દેવે હબાક્કુક પ્રબોધકને સંદર્શન દ્વારા આપેલો સંદેશો:

2 હે યહોવા, ક્યાં સુધી હું તમને બોલાવ્યા કરું અને તમે સાંભળો જ નહિ, “હિંસા” આ હિંસા માટે હું પોકાર કરું છું, તો પણ તમે મને બચાવતા નથી.

3 તું શા માટે મને આવા અન્યાયનો સાક્ષી બનાવે છે, અને શા માટે આવાં દુષ્કૃત્યો સહી લે છે? મારી આંખ સામે જ વિનાશ અને હિંસા ઝઘડા અને ટંટા થઇ રહ્યાં છે;

4 અને કાયદાનો અમલ થતો નથી, તેથી કદી અદલ ન્યાય મળતો નથી; સદાચારી લોકોને દુષ્ટ લોકોએ ઘેરી લીધા છે; તેથી કુટિલ ન્યાય થાય છે.


હબાક્કુકને દેવનો જવાબ

5 યહોવાએ કહ્યું, “તમે જરા વિદેશીઓ તરફ નજર કરો અને જુઓ, તો તમે વિસ્મય પામશો, કારણકે તમારા જમાનામાં જ હું એવું કઇંક કરી રહ્યો છું, જે તમને કહ્યું હોય પણ તમે માનો નહિ.

6 જગતમાં હું એક નવું કાર્ય સ્થાપી રહ્યો છું, એટલે કે ખાલદીઓ જે-ક્રૂર અને હિંસક પ્રજા છે, તેઓ તેમની માલિકીના ન હોય તેવા સ્થળો કબજે કરવા પૃથ્વીના છેડા સુધી જશે.

7 તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભય અને આતંક ફેલાવે છે; તેઓનો ગર્વ અને ન્યાય તેઓની અંદરથી જ આવે છે, તેમના ઘોડાઓ ચિત્તા કરતા વધુ વેગવાન છે અને સાંજના વરૂઓ કરતાં વધારે સજાગ છે.

8 તેમના ઘોડેસવારો ઝડપથી દૂરથી આવે છે, તેઓ શિકાર પર તૂટી પડતા ગરૂડના જેવા છે.

9 એમની સમગ્ર સૈના હિંસા માટે આવે છે. તેમના ચહેરા આતુરતાથી આગળ ધપવાની રાહ જુએ છે; અને તેઓ રેતીના કણ જેટલા અસંખ્ય બંદીવાનો એકઠા કરે છે.

10 “અને તેઓ રાજાઓની મશ્કરી કરે છે, ને સરદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. તેથી તેઓના કિલ્લાઓની તે હાંસી ઉડાવે છે. કિલ્લાઓના કોટ આગળ ધૂળના ઢગલા કરી બહુ આસાનીથી તેઓને જીતી લે છે.

11 ત્યારબાદ તેઓ વાયુવેગે આગળ વધી અને પસાર થઇ જાય છે; શકિત તે પાપીઓના દેવ છે. તેઓ ગુનેગાર છે.”


હબાક્કુકની દેવ સમક્ષ બીજી ફરિયાદ

12 હે મારા દેવ યહોવા, મારા પરમ પવિત્ર દેવ, તું અનાદિ અને અમર છે. અમે માર્યા જવાના નથી, તમે શિક્ષાને માટે તેનું નિર્માણ કર્યું છે. અને હે મારા યહોવા, તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે.

13 તમારી આંખો એટલી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઇ શકતા નથી, અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી. તો પછી શા માટે તમે એ અપ્રામાણિક લોકોને જોઇ રહ્યાં છો. અને દુષ્ટ માણસ પોતાના કરતાં સારા માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે મૂંગા રહો છો?

14 તમે માણસોને દરિયાના માછલાં જેવા શા માટે બનાવો છો? તેઓ ધણી વગરના સમુદ્રના પ્રાણી જેવા છે.

15 તે લોકોને તે ગલથી ઊંચકી લે છે, તેઓ પોતાની જાળમાં પકડીને તેઓને મોટી જાળમાં ભેગાં કરે છે તેથી તેઓ ખુશી ને આનંદીત થાય છે.

16 તે માટે તે પોતાની જાળમાં બલિદાન આપે છે, ને પોતાની મોટી જાળની આગળ ધૂપ બાળે છે; કારણકે તેમના વડે તેઓનો હિસ્સો મોટો થાય છે; તથા તેમને પૂરતો ખોરાક મળે છે.

17 તેથી શું તેઓ સદા માટે તેઓની જાળ ખાલી કરશે? શું તેઓ લોકોનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan