Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઉત્પત્તિ 41 - પવિત્ર બાઈબલ


ફારુનનાં સ્વપ્ન

1 બે વર્ષ પૂરા થયા પછી ફારુનને સ્વપ્ન આવ્યું, જોયું તો પોતે નાઈલ નદીની પાસે ઊભો છે.

2 પછી ફારુને સાત સુંદર તંદુરસ્ત પુષ્ટ ગાયોને નદીમાંથી બહાર નીકળીને બરુમાં ચરતી જોઇ.

3 ત્યારબાદ બીજી સાત કદરૂપી અને સુકાઈ ગયેલી ગાયો તેઓની પછવાડે નદીમાંથી બહાર આવી અને કિનારે પેલી બીજી ગાયો સાથે ઊભી રહી.

4 પછી તે સાત કદરૂપી સૂકાઈ ગયેલી ગાયો સુંદર તથા પુષ્ટ ગાયોને ખાઈ ગઈ. એટલામાં ફારુનની આંખો ઉઘડી ગઈ. તે જાગી ઊઠયો.

5 ફરી પાછો તે ઊંધી ગયો, ને એણે બીજું સ્વપ્ન જોયું. તેણે એક જ સાંઠા પર ભરેલાં અને સારાં દાણાવાળા સાત ડૂંડાં જોયા.

6 અને પછી તેઓની પછવાડે સાત પાતળા અને લૂથી બળી ગયેલા ડૂંડા ફૂટી નીકળ્યા.

7 પછી એ પાતળાં ડૂડાં પેલાં સાત ભરેલાં અને સારાં ડૂંડાને ગળી ગયાં. ત્યાં તો ફારુન જાગી ગયો. અને જાણ્યું કે, આ તો સ્વપ્ન હતું.

8 સવારે તે આ સ્વપ્નો વિષે ચિંતીત હતો. તેણે મિસરના બધા જયોતિષીઓને તથા શાણા પુરુષોને નિમંત્રણ મોકલ્યા. જ્યારે તેઓ આવ્યા, ફારુને તેમને પોતાના સ્વપ્નો કહ્યાં; પરંતુ તેઓમાંથી કોઈ પણ તેનો અર્થ કહી શકયો નહિ.


પાત્રવાહકે ફારુનને યૂસફના વિષે કહ્યું

9 ત્યારે મુખ્ય પાત્રવાહકએ ફારુનને કહ્યું, “આજે મને માંરો ગુનો યાદ આવે છે.

10 જ્યારે ફારુને તેના સેવકો પર ક્રોધે ભરાઈ મને તથા મુખ્ય ભઠિયારાને તેણે કારાગૃહમાં નાખ્યા, કે, જે અંગરક્ષકોના ઉપરી ચલાવતા હતા.

11 ત્યારે એકજ રાત્રે અમને બંનેને જુંદું જુંદું સ્વપ્ન આવ્યું હતું. અને દરેકને આવેલ સ્વપ્નનો અર્થ જુદો હતો.

12 અંગરક્ષકોના ઉપરી અમલદારનો સેવક એક જુવાન હિબ્રૂ પણ ત્યાં અમાંરી સાથે હતો; અમે તેને અમાંરાં સ્વપ્નો કહ્યાં એટલે તેણે તે સ્વપ્નોનો અર્થ સમજાવ્યો અને અમને દરેકને પોતપોતાનાં સ્વપ્નનો અર્થ કહી બતાવ્યો.

13 તેણે અમને જે અર્થ કહ્યો હતો તે પ્રમાંણે જ બન્યું; મને માંરી પદવી પર પાછો મૂકયો અને ભઠિયારાને ફાંસીની સજા થઇ.”


યૂસફને સ્વપ્ન જાણવા માંટે બોલાવાયો

14 પછી ફારુનને યૂસફને તેડવા માંટે માંણસો મોકલ્યા, ને તેઓ તેને ઝટપટ કારાગારમાંથી બહાર કાઢી લાવ્યા; પછી તેણે હજામત કરાવી, કપડાં બદલ્યાં અને તે ફારુન પાસે આવ્યો.

15 ફારુને યૂસફને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે, પણ તેનો અર્થ સમજાવનાર કોઇ નથી. મેં તમાંરા વિષે એવું સાંભળ્યું છે કે, જો તમને સ્વપ્ન કહેવામાં આવે તો તમે તેનો અર્થ કહી શકો છો.”

16 પછી યૂસફે ફારુનને જવાબ આપતા કહ્યું, “અર્થ કરનાર હું કોણ? ફારુનનું જેમાં કલ્યાણ હોય એવો જવાબ તો દેવ જ આપશે.”

17 પછી ફારુનને યૂસફને કહ્યું, “જુઓ, માંરા સ્વપ્નમાં હું નાઇલ નદીને કાંઠે ઊભો હતો;

18 અને સાત સુંદર તંદુરસ્ત પુષ્ટ ગાયો નદીમાંથી નીકળીને બીડમાં ચરતી હતી;

19 અને જુઓ, તેમની પછવાડે બીજી સાત પાતળી, કદરૂપી અને સૂકલકડી ગાયો નીકળી, આવી કદરૂપી ગાયો મેં કદી આખા મિસરમાં જોઈ નહોતી.

20 અને એ સૂકલકડી કદરૂપી ગાયો પેલી હૃષ્ટપુષ્ટ સાત ગાયોને ખાઈ ગઈ.

21 પણ તેમ છતા કોઇ ન કહી શકે કે, તેમણે સ્વસ્થ ગાયો ખાધી છે, કેમકે તેઓ તો પહેલાંના જેવી જ કદરૂપી અને પાતળી જ લાગતી હતી. પછી હું જાગી ગયો.

22 “ફરી આંખ મળતાં બીજું સ્વપ્ન આવ્યું. મેં એક જ સાંઠા ઉપર ઊગેલાં સાત સારાં ભરાયેલાં દાણાવાળાં ડૂંડા જોયાં.

23 અને પછી તેઓની પાછળ જ સૂકાયેલાં તથા હલકાં, ચિમળાઈ ગયેલાં પાતળાં અને લૂથી બળી ગયેલાં ડૂંડા ફૂટી નીકળ્યાં.

24 અને પછી તે હલકાં-પાતળાં ડૂંડા પેલા સાત સારાં ડૂંડાને ગળી ગયાં. “તેથી મેં માંરા જોષીઓને તથા જાદુગરોને આ સ્વપ્ન વિષે પૂછયું, પણ તેઓમાંથી પણ કોઇ મને એનો અર્થ બતાવી શક્યું નહિ.”


યૂસફે સ્વપ્નનો અર્થ સમજાવ્યો

25 ત્યારબાદ યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનાં બંને સ્વપ્નનો અર્થ તો એક જ છે. હવે દેવ શું કરનાર છે એ તેણે ફારુનને દર્શાવ્યું છે.”

26 સાત સારી ગાયો અને સાત સારાં ડૂંડા એ સાત સારાં વર્ષ છે.

27 તેમની પછવાડે જે સાત પાતળી અને કદરૂપી ગાયો નીકળી તે પણ સાત વર્ષ છે. અને લૂથી બળી ગયેલાં સાત ખાલી ડૂંડાં પણ દુકાળનાં સાત વર્ષ છે.

28 દેવે તમને તે શું કરવા માંગે છે અને નજીકના ભવિષ્યમાં શું થવાનું છે તેની ફારુનને જાણ કરી છે.

29 જુઓ, સમગ્ર મિસરમાં તમાંરી આબાદીનાં તથા ધણી જ પુષ્કળતાના સાત વર્ષ આવશે.

30 અને ત્યારબાદ સાત વર્ષ દુકાળના આવશે. આખા મિસરમાં લોકો આબાદીની વાતો ભૂલી જશે. એ દુકાળ દેશનો સર્વનાશ કરશે;

31 અને એ દુકાળ એવો ભયંકર હશે કે, દેશમાં કયાંય આબાદીનું નામનિશાન જોવા પણ નહિ મળે.

32 “અને ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તેનો અર્થ એ કે, દેવ તરફથી આ વાત નક્કી થઈ ગયેલ છે. અને દેવ તેને થોડા સમયમાંજ પૂર્ણ કરશે.

33 તેથી કરીને હવે ફારુને કોઈ બુદ્વિમાંન અને જ્ઞાની પુરુષને પસંદ કરીને મિસર દેશનો વહીવટ સોંપી દેવો જોઈએ.

34 દેશભરમાં ફારુને અમલદારો નિયુકત કરવા જોઈએ અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મિસરમાંથી પાકનો પાંચમો ભાગ વસૂલ કરવો જોઈએ.

35 અને જે સાત સારાં વર્ષ આવે તે દરમ્યાન બધી જ જાતનું અનાજ ભેગું કરવું જ. અને ફારુનના તાબા નીચે પ્રત્યેક શહેરમાં તેને સાચવવું જોઈએ.

36 અને મિસરમાં દુકાળનાં જે સાત વર્ષ આવશે, ત્યારે એ અનાજનો જથ્થો કામ આવશે. અને દુકાળથી દેશનો નાશ થતો અટકી જશે.”

37 આ સલાહ ફારુન અને તેના બધા અમલદારોને પસંદ પડી. તેથી ફારુને પોતાના અમલદારોને કહ્યું.

38 “આ યોજનાને પાર પાડવા માંટે યૂસફ યોગ્ય માંણસ છે. એનાથી સારો માંણસ આપણને ન મળે, તેની અંદરનો દેવનો આત્માં તેને ઘણો શાણો બનાવે છે!”

39 તેથી ફારુને યૂસફને કહ્યું, “યૂસફ જ આ કામ સંભાળવા માંટે લાયક વ્યકિત છે, આની કરતા વધારે લાયકાતવાળું આપણને કોઇ નહિ મળે. દેવનો આત્માં એનામાં છે, જેનાથી એ ખૂબ બુધ્ધિમાંન છે.

40 માંટે તું જ માંરો દેશ સંભાળી લે. તારી આજ્ઞાનું પાલન માંરી બધી જ પ્રજા કરશે. ફકત આ રાજગાદીને કારણે જ હું તારા કરતાં મોટો હોઈશ.”

41 વળી તેણે યૂસફને કહ્યું, “જો મેં તને આખા મિસરનો વહીવટ સોંપ્યો છે.”

42 આમ કહીને ફારુને પોતાના હાથની મુદ્રા લઈને યૂસફના હાથે પહેરાવી દીધી, ને તેને મલમલનાં વસ્ર પહેરાવ્યાં અને ગળામાં સોનાનો હાર પહેરાવ્યો.

43 પછી તેણે યૂસફને પોતાના પછીના ઉત્તમ રથમાં બેસાડીને ફેરવ્યો. લોકોએ તેની આગળ દયા પોકારી: “વંદન હો” એવી છડી પોકારી. ફારુને આ રીતે યૂસફને આખા મિસર દેશનો શાસનકર્તા બનાવ્યો.

44 અને તેણે યૂસફને કહ્યું, “હું ફારુન છું; રાજા છું, તેથી માંરી મરજી મુજબ વર્તીશ, પરંતુ તારી પરવાનગી વિના આખા મિસર દેશમાં કોઈ હાથ કે, પગ હલાવશે નહિ.”

45 પછી ફારુને યુસફનું નામ સાફનાથ-પાનેઆહ રાખ્યું. અને તેને ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથને પરણાવી. પછી યૂસફ મિસર દેશમાં ફરવા માંટે નીકળ્યો.

46 જયારે યૂસફ 30 વર્ષનો હતો, ત્યારે ફારુનની નોકરીમાં જોડાયો. તે આખા મિસર દેશમાં ફરી વળ્યો.

47 અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મબલખ પાક ઉતર્યો.

48 સમગ્ર મિસર દેશમાં એ સાત વર્ષ દરમ્યાન જે અનાજનું ઉત્પાદન થયું તે તેણે એકઠું કર્યુ. ને તે અનાજ દરેક નગરમાં આજુબાજુના ખેતરોમાં ભરી રાખ્યું.

49 યૂસફે સમુદ્રની રેતી જેટલું ખૂબ ખૂબ અનાજ ભેગુ કર્યુ. તે એટલે સુધી કે, તેનો હિસાબ રાખવાનું પણ છોડી દેવું પડયું. કારણ કે તે બેશુમાંર હતું.

50 દુકાળનાં વર્ષો આવતાં પહેલાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથથી યૂસફને બે પુત્રો થયા.

51 દેવે મને માંરી બધી વિપત્તિઓ અને પિતાનું ઘર ભૂલાવી દીધાં છે. એમ કહીને યૂસફે મોટા પુત્રનું નામ મનાશ્શા પાડયું.

52 તેણે તેના બીજા પુત્રનું નામ એફ્રાઇમ પાડ્યું. તેણે કહ્યું, “દેવે મને વર્ષોના દુ:ખો પછી આ ભૂમિમાં બાળકો આપીને સફળ બનાવ્યો છે.”


દુકાળનો સમય શરુ થાય છે

53 સમૃદ્વિનાં સાત વર્ષ મિસરનાં આવ્યાં હતાં તે વીતી ગયાં.

54 અને યૂસફના કહ્યા પ્રમાંણે દુકાળનાં સાત વર્ષની શરૂઆત થઈ. બીજા બધા દેશોમાં તો દુકાળ હતો પરંતુ સમગ્ર મિસરમાં અનાજની ખોટ નહોતી.

55 પછી જયારે મિસરમાં પણ લોકોને ખાવાના સાંસા પડવા લાગ્યા, ત્યારે તેમણે અનાજ માંટે ફારુનની આગળ કાલાવાલા કર્યા; એટલે ફારુને સર્વ મિસરવાસીઓને કહ્યું, “યૂસફ પાસે જાઓ; અને એ તમને જે કહે તે પ્રમાંણે કરો.”

56 અને જયારે સમગ્ર દેશમાં દુષ્કાળ પડયો એટલે યૂસફે અનાજના બધા કોઠારો ખોલી નાખ્યા અને મિસરવાસીઓને અનાજ વેચવા માંડ્યુ. કારણ કે સમગ્ર મિસર દેશને દુકાળે ભરડો લીધો હતો.

57 અને બીજા તમાંમ દેશોમાંથી લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવ્યાં; કારણ કે, સમગ્ર વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan