ગલાતીઓ 2 - પવિત્ર બાઈબલઅન્ય પ્રેરિતો દ્વારા પાઉલનો અંગીકાર 1 14 વરસ પછી, હું ફરીથી યરુંશાલેમ ગયો. હું બાર્નાબાસ સાથે ગયો, અને તિતસને મેં જોડે લીધો. 2 હું ગયો કારણ કે દેવે મને બતાવ્યું કે મારે જવું જોઈએ. હું તે લોકો પાસે ગયો જેઓ વિશ્વાસીઓના અગ્રેસર હતા. જ્યારે અમે એકલા હતા ત્યારે, મેં આ લોકોને જે સુવાર્તાનો ઉપદેશ હું બિનયહૂદીઓને આપતો હતો તેના વિષે કહ્યું. આ લોકો મારું કાર્ય સમજે એવી મારી ઈચ્છા હતી, કે જેથી મારું ભૂતકાળનું કાર્ય અને અત્યારે જે કાર્ય હું કરું છુ તે નિરર્થક ન જાય. 3-4 તિતસ મારી સાથે હતો. તિતસ ગ્રીક છે. પરંતુ આ નેતાઓએ તિતસને પણ સુન્નત માટે દબાણ ન કર્યુ. અમારે આ સમસ્યાની ચર્ચા કરવાની જરૂર હતી, કારણ કે છુપી રીતે કેટલાએક જૂઠા ભાઈઓ અમારા સમૂહમાં ઘૂસી ગયા હતા. ખ્રિસ્ત ઈસુ તરફથી અમારી જે સ્વતંત્રતા હતી તે વિષે શોધી કાઢવા જાસૂસની જેમ તેઓ ઘૂસી ગયા હતા. 5 પરંતુ તે જૂઠા ભાઈઓ જે માંગતા હતા, તેવી કોઈ પણ બાબત અંગે અમે સહમત થયા નહિ! તમારા માટે સુવાર્તાનુ સત્ય સતત રહે તેવું અમે ઈચ્છતા હતા. 6 તે લોકો જે મહત્વના દેખાતા હતા, તેઓએ હું જે સુવાર્તાનો ઉપદેશ આપતો હતો તેને બદલ્યો નહોતો. (તેઓ “મહત્વના” હતા કે નહિ તે મારે માટે કોઈ બાબત ન હતી. દેવ સમક્ષ સર્વ સમાન છે.) 7 પરંતુ આ આગેવાનોએ જોયું કે પિતરની જેમ દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપ્યું છે. યહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે પિતરને આપ્યું હતું. પરંતુ બિનયહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે મને સોપ્યું હતું. 8 વે પિતરને પ્રેરિત તરીકે કામ કરવાની શક્તિ આપી હતી. પરંતુ જે લોકો યહૂદી નથી તેમના માટે હું પ્રેરિત છું, 9 યાકૂબ, પિતર, અને યોહાનને આગેવાનો તરીકે ગણવામાં આવ્યા છે. તેઓએ જોયું કે દેવે મને આ વિશિષ્ટ કૃપા (દાન) આપી છે. તેથી તેઓએ મારો અને બાર્નાબાસનો સ્વીકાર કર્યો. પિતર, યાકૂબ, અને યોહાને કયું કે, “પાઉલ અને બાર્નાબાસ, તમે જે લોકો યહૂદી નથી તેઓની પાસે જાઓ તેની સાથે અમે સહમત છીએ. અમે યહૂદીઓ પાસે જઈશું.” 10 તેઓએ અમને માત્ર એક કામ કરવાનું કહ્યું કે દરિદ્રી લોકોને મદદ કરવાનું યાદ રાખો અને આ છે જે હું ખરેખર કરવા ઈચ્છુ છું. પિતર ખોટો હતો તે પાઉલ બતાવે છે 11 પિતર અંત્યોખ આવ્યો. તેણે એવું કાંઈક કર્યુ જે યોગ્ય નહોતું. હું પિતરની વિરુંદ્ધ ગયો કારણ કે તે ખોટો હતો. 12 તે આમ બન્યું: જ્યારે પિતર સૌ પ્રથમ અંત્યોખ આવ્યો, ત્યારે તે બિનયહૂદિ લોકો સાથે જમ્યો અને બિનયહૂદિઓ સાથે સંલગ્ન થયો. પરંતુ પછી કેટલાએક યહૂદિ માણસોને યાકૂબે મોકલ્યા. જ્યારે આ યહૂદિ લોકો આવ્યા ત્યારે, પિતરે બિનયહૂદિઓ સાથે જમવાનું બંધ કર્યુ. પિતર બિનયહૂદિઓથી અલગ થઈ ગયો. તે યહૂદિઓથી ગભરાતો હતો જેઓ માનતા હતા કે બધા જ બિનયહૂદિઓની સુન્નત કરવી જોઈએ. 13 તેથી પિતર ઢોંગી હતો. અને અન્ય યહૂદિ વિશ્વાસીઓ પિતર સાથે જોડાયા. તેઓ પણ ઢોંગી હતા. બાર્નાબાસ પણ આ યહૂદિ વિશ્વાસીઓ જે કરતા હતા તેમના પ્રભાવ નીચે આવી તે પણ ઢોંગથી વર્તવા લાગ્યો. 14 મેં જોયું કે આ યહૂદિઓ શું કરતાં હતા. તેઓ સુવાર્તાના સત્યને અનુસરતા નહોતા. તેથી બીજા બધા યહૂદિઓ હું જે બોલું છું તે સાંભળી શકે તે રીતે મેં પિતર જોડે વાત કરી. મેં આ કહ્યું, “પિતર, તું યહૂદિ છે. પરંતુ યહૂદિ જેવું જીવન જીવતો નથી. તું બિનયહૂદિ જેવું જીવન જીવે છે. તો હવે તું શા માટે બિનયહુદિઓને યહૂદીઓ જેવું જીવન જીવવા માટે દબાણ કરે છે?” 15 આપણે યહૂદિઓ બિનયહૂદિઓ અને પાપીઓ તરીકે નહોતા જન્મ્યા. આપણે યહૂદિઓ તરીકે જન્મ્યા હતા. 16 આપણે જાણીએ છીએ કે નિયમને અનુસરવાથી વ્યક્તિ દેવને યોગ્ય નથી બનતી. ના! ઈસુ ખ્રિસ્તમાં રહેલ વ્યક્તિનો વિશ્વાસ વ્યક્તિને દેવ સાથે ન્યાયી બનાવે છે. તેથી આપણે ઈસુ ખ્રિસ્તમાં આપણો વિશ્વાસ મૂક્યો, કારણ કે આપણે દેવ માટે ન્યાયી બનવા માંગતા હતા. અને આપણે દેવને યોગ્ય છીએ કારણ કે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મુક્યો અને નહિ કે આપણે નિયમને અનુસર્યા. આ સત્ય છે કારણ કે નિયમને અનુસરવાથી કોઈ વ્યક્તિ દેવ ને યોગ્ય ન બની શકે. 17 આપણે યહૂદીઓ દેવને યોગ્ય થવા માટે ખ્રિસ્ત પાસે આવ્યા. તેથી એ સ્પષ્ટ છે કે આપણે પણ પાપી હતા. શું એની અર્થ એ કે ખ્રિસ્તે આપણને પાપી બનાવ્યા? ના! 18 પરંતુ જે મે છોડી દીધું છે તેનું શિક્ષણ (નિયમનું) આપવાની જો ફરીથી શરુંઆત કરીશ તો તે મારા માટે ખોટું થશે. 19 મેં નિયમ માટે જીવવાનું બંધ કર્યુ છે. નિયમે જ પોતે મને મારી નાખ્યો. હું નિયમ માટે મૃત્યુ પામ્યો અને તેથી જ હું દેવ માટે જીવી શક્યો. હું ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો. 20 જેથી જે જીવન અત્યારે હું જીવું છું તે હું નથી. તે ખ્રિસ્ત મારામાં જીવન જીવે છે. ભૌતિક શરીરથી હું જીવું છું. પરંતુ દેવના દીકરા (ઈસુ) પરના વિશ્વાસ થકી હું જીવું છું. ઈસુ એ છે કે જેણે મને પ્રેમ કર્યો. તેણે મારા ઉદ્ધાર માટે પોતાને અર્પણ કર્યો. 21 આ દેવની કૃપા છે, અને મારા માટે તે ઘણી મહત્વની છે. શા માટે? કારણ કે જો નિયમ આપણને દેવને પાત્ર બનાવી શકતો હોત, તો ખ્રિસ્તને મરવું ના પડત. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International