Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગલાતીઓ 1 - પવિત્ર બાઈબલ

1 પ્રેરિત પાઉલ તરફથી સલામ. પ્રેરિત થવા માટે હું માણસો તરફથી પસંદ નથી થયો. માણસોએ મને નથી મોકલ્યો. ના! ઈસુ ખ્રિસ્તે તથા દેવ બાપે મને પ્રેરિત બનાવ્યો છે. દેવ એક છે જેણે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડયો.

2 ખ્રિસ્તમાં જેઓ મારી સાથે છે તેઓ તરફથી ગલાતિયામાંની મંડળીઓને કુશળતા પાઠવું છું.

3 હું પ્રાર્થના કરું છુ કે આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રતિ સૌમ્ય રહેશે અને તમને શાંતિ પ્રદાન કરશે.

4 આપણાં પાપો માટે ઈસુએ પોતાનું સ્વાર્પણ કર્યુ. આપણને આ અનિષ્ટ દુનિયા કે જેમાં આપણે જીવીએ છીએ. તેમાંથી મુક્તિ અપાવવા ઈસુએ આમ કર્યુ. આપણા દેવ પિતાની આ ઈચ્છા હતી.

5 તેનો મહિમા સદાસર્વકાળ હોજો. આમીન.


માત્ર એક જ સાચી સુવાર્તા છે

6 થોડા સમય પહેલા તેને અનુસરવાનું દેવે તમને આહવાન આપેલું. ઈસુમાંથી પ્રગટ થતી તેની કૃપા દ્વારા તેણે તમને આ આહવાન આપેલું પરંતુ હવે તમારા લોકોથી હું નવાઈ પામું છું! તમે તેનાથી વિમુખ થઈ રહ્યા છો. અને અન્ય પ્રકારની સુવાર્તાને અનુસરો છો.

7 વાસ્તવમાં બીજી કોઈ સાચી સુવાર્તા નથી. પરંતુ કેટલાએક લોકો તમને ગુંચવે છે. તેઓ ખ્રિસ્તની સુવાર્તામાં પરિવર્તન ઈચ્છે છે.

8 અમે તમને સાચી સુવાર્તા કહી છે. જેથી અમે પોતે કે આકાશમાંના દૂત પણ તમને ભિન્ન સુવાર્તા કહે તો તે શાપિત થાઓ!

9 મેં અગાઉ પણ તમને આ કહેલું અને ફરીથી કહું છું: તમે સાચી સુવાર્તાને કયારની અપનાવી લીધી છે. જો કોઈ પણ વ્યક્તિ તમને ઉદ્ધાર માટેનો જુદો રસ્તો બતાવે તો તે વ્યક્તિ શ્રાપિત થાઓ.

10 હવે શું તમે એમ માનો છો કે લોકો મને અપનાવે તેવો પ્રયત્ન હું કરું છું? ના! દેવ એક છે જેને પ્રસન્ન કરવાનો હું પ્રયત્ન કરું છું. શું હું માણસોને રાજી કરવાનો પ્રયત્ન કરું છું? જો હું માણસોને રાજી કરવા માંગતો હોત, તો ઈસુ ખ્રિસ્તનો હું સેવક નથી.


પાઉલની સત્તા દેવ તરફથી છે

11 પણ ભાઈઓ, હું ઈચ્છુ છું કે તમે જાણો કે જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે તે માનવ સર્જીત નથી.

12 માનવ તરફથી મને સુવાર્તા પ્રાપ્ત નથી થઈ. કોઈ માનવીએ મને સુવાર્તા નથી શીખવી. ઈસુ ખ્રિસ્તે મને એ પ્રદાન કરી છે. તેણે મને એ સુવાર્તાના દર્શન કરાવ્યા કે જેથી તેનું કથન હું લોકોને કરું.

13 તમે મારા પાછલા જીવન વિષે સાંભળ્યુ છે. હું યહૂદી ધર્મ પાળતો હતો. મેં દેવની મંડળીને ખૂબ સતાવી છે. મેં મંડળીનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે.

14 મારી ઉમરના બીજા યહૂદીઓ કરતાં હું યહૂદી ધર્મની વધારે પ્રગતિ કરી રહ્યો હતો. બીજા યહૂદીઓ કરતા તે પરંપરાને અનુસરવા મેં વધારે પ્રયત્ન કર્યો છે.

15 પરંતુ મારા જન્મ પહેલા દેવની યોજના મારા માટે કોઈ ખાસ હતી. તેથી તેની કૃપાથી દેવે મને આહવાન આપ્યું. દેવ ઈચ્છતો હતો

16 કે તેના દીકરા (ઈસુ) વિષેની સુવાર્તા હું બિનયહૂદી લોકોને કહું. તેથી દેવે મને તેના દીકરા વિષે દર્શાવ્યું. જ્યારે દેવે મને બોલાવ્યો ત્યારે મેં કોઈ પણ માણસની સલાહ કે મદદ લીધી નહોતી.

17 હું યરૂશાલેમમાં પ્રેરિતોને મળવા નહોતો ગયો. આ લોકો મારા પહેલા પ્રેરિતો હતા. પરંતુ રાહ જોયા વગર, હું અરબસ્તાન ગયો. પાછળથી હું દમસ્ક શહેરમાં પાછો ફર્યો.

18 ત્રણ વરસ પછી હું યરૂશાલેમ ગયો; મારે પિતરને મળવું હતું. હું પિતર સાથે 15 દિવસ રહ્યો.

19 હું પ્રભુના ભાઈ યાકૂબ સિવાય, બીજા કોઈ પ્રેરિતોને મળ્યો નહિ.

20 દેવ જાણે છે કે આજે હું જે લખુ છું, તે અસત્ય નથી.

21 પાછળથી હું સિરિયા અને કિલકિયાના પ્રદેશોમાં ચાલ્યો ગયો.

22 યહૂદિયામાંની ખ્રિસ્તની મંડળીઓ પહેલા કદી મને મળી નહોતી.

23 તેઓએ માત્ર મારા વિષે આ સાંભળ્યું હતું કે: “આ માણસ આપણને ખૂબ સતાવતો હતો. પરંતુ હવે તે લોકોને તે જ વિશ્વાસ વિષે વાત કહે છે કે જેનો એક વખત નાશ કરવાનો તેણે પ્રયત્ન કરેલો.”

24 આ વિશ્વાસીઓએ મારા કારણે દેવની સ્તુતિ કરી.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan