Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એઝરા 7 - પવિત્ર બાઈબલ


એઝરાનું યરૂશાલેમમાં આગમન

1 ઇરાનના રાજા આર્તાહશાસ્તાના શાસનમાં એઝરા બાબિલથી યરૂશાલેમ આવ્યો. પોતાના કુટુંબના ઇતિહાસ પ્રમાણે એઝરા સરાયાનો પુત્ર હતો; સરાયા અઝાર્યાનો પુત્ર હતો. અઝાર્યા હિલ્કિયાનો પુત્ર હતો;

2 હિલ્કિયા શાલ્લૂમનો પુત્ર હતો; શાલ્લૂમ સાદોકનો પુત્ર હતો; સાદોક અહીટૂબનો પુત્ર હતો.

3 અહીટૂબ અઝાર્યાનો પુત્ર હતો; અઝાર્યા મરાયોથનો પુત્ર હતો;

4 મરાયોથ ઝરાહ્યાનો પુત્ર હતો; ઝરાહ્યા ઉઝઝીનો પુત્ર હતો; ઉઝઝી બુક્કીનો પુત્ર હતો

5 બુક્કી અબીશુઆનો પુત્ર હતો. અબીશુઆ ફીનહાસનો પુત્ર હતો; ફીનહાસ એલઆઝારનો પુત્ર હતો; એલઆઝાર પ્રમુખ યાજક હારુનનો પુત્ર હતો.

6 એઝરા બાબિલથી આવ્યો, તે એક મહાન શિક્ષક હતો. જે ઇસ્રાએલના દેવ યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં ઘણો નિપૂણ હતો. તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી.

7-8 કેટલાક યાજકો લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળો મંદિરના સેવકો અને કેટલાક બીજા ઇસ્રાએલીઓ સાથે રાજા આર્તાહશાસ્તાના શાસનના સાતમા વર્ષના પાંચમા મહિનામાં તે યરૂશાલેમ પહોંચ્યો.

9 એઝરાએ પ્રથમ માસના પ્રથમ દિવસે બાબિલથી ઊપડવાનું નક્કી કર્યુ હતું, અને તેના પર તેના દેવ યહોવાની હતી. એટલે તે પાંચમા મહિનાના પહેલે દિવસે યરૂશાલેમ આવી પહોંચ્યો હતો.

10 એઝરાએ પોતાનું આખું જીવન યહોવાના નિયમોનો અભ્યાસ કરવામાં, તેને આચારમાં ઉતારવામાં અને ઇસ્રાએલીઓને તેનાં કાનૂનો અને આજ્ઞાઓ સમજાવવામાં ગાળ્યું હતું.


એઝરાને આર્તાહશાસ્તાનો પત્ર

11 રાજા આર્તાહશાસ્તાએ આ પત્ર યાજક એઝરાને આપ્યો, જે યહોવાના નિયમશાસ્રનો અને યહોવાએ ઇસ્રાએલને આપેલા હુકમોનો શિક્ષક હતો.

12 રાજાઓનાં રાજા આર્તાહશાસ્તા તરફથી: આકાશના દેવનું નિયમશાસ્ત્ર શીખવનાર શિક્ષક એઝરા યાજકને ક્ષેમકુશળ:

13 હું આથી આજ્ઞા ફરમાવું છું કે, મારા રાજ્યમાંના ઇસ્રાએલીઓમાંથી તેમના યાજકોમાંથી કે લેવીઓમાંથી, જે કોઇ પોતાની રાજીખુશીથી યરૂશાલેમ જવા ઇચ્છે, તેમને તારી સાથે જવા દેવા.

14 મેં અને મારા સાત સલાહકારોએ તારા દેવનો જે નિયમ તારી પાસે છે તેની બાબતમાં યહૂદામાં અને યરૂશાલેમમાં શી સ્થિતિ છે તે તપાસવા માટે તને મોકલ્યો છે.

15 અને અમે તમને તમારી સાથે લઇ જવા માટે ચાંદી અને સોનું આપી રહ્યાં છીએ, આ ઇસ્રાએલના દેવ માટે ભેટ છે, જે યરૂશાલેમમાં નિવાસ કરે છે.

16 તદુપરાંત તારે બાબિલના સર્વ રાજ્યોમાંથી યરૂશાલેમના દેવના મંદિર માટે ચાંદી તથા સોનું સૈચ્છિકાર્પણો તરીકે યહૂદીયા અને તેઓના યાજકો પાસેથી ઉઘરાવવું.

17 આ બધી ભેટો સાથે બળદો, ઘેટાં, હલવાન, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ પણ ચોક્કસ ખરીદવામાં આવે, જ્યારે તમે યરૂશાલેમ પહોંચો ત્યારે તે સર્વ અર્પણોનું યરૂશાલેમમાં તમારા દેવના મંદિરની વેદી પર બલિદાન ચઢાવવામાં આવે.

18 જે કઇં સોનુંચાંદી વધે તેનો ઉપયોગ તમારા દેવને પ્રસન્ન કરવા, જેમ તને અને તારા સાથીઓને ઠીક લાગે તે રીતે કરવો.

19 તમારા દેવના મંદિરની સેવા માટે જે વાસણો તને આપવામાં આવ્યાં છે, તે તારે પૂરેપૂરા યરૂશાલેમમાં દેવને આપી દેવાં.

20 અને જો તારા દેવનાં મંદિર માટે બીજા કશાની તને જરૂર પડે તો તું રાજ્યની તિજોરીમાંથી જરૂર વાપરી શકે છે.

21 હું રાજા આર્તાહશાસ્તા ફ્રાંત નદી પારના પ્રાંતના સર્વ ખજાનચીઓને હુકમ કરું છું કે, આકાશના દેવના નિયમશાસ્ત્રના લહિયા યાજક એઝરા જે કઇં માગે તે તમારે વિના વિલંબે પૂરું પાડવાનું છે.

22 3,400 કિલો ચાંદી, 16,300 કિલો ઘઉં, 600 ગેલન દ્રાક્ષારસ અને 600 ગેલન તેલથી પ્રમાણ વધી ન જાય; મીઠું જોઇએ તેટલું આપવું.

23 આકાશના દેવ પોતાના મંદિર માટે જે કઇં ફરમાવે, તે બધું તમારે તાબડતોબ કરવાનું છે, નહિ તો કદાચ મારા રાજ્ય પર અને મારા વંશજો પર તેમનો રોષ ઊતરે.

24 અને તમને એ પણ જણાવવામાં આવે છે કે, કોઇ પણ વધારાનો કરવેરો યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો કે મંદિરના સેવકો કે દેવના મંદિરના બીજા કર્મચારીઓ પાસેથી લેવાનો નથી.

25 અને એઝરા, તું તને દેવે જે બુદ્ધિ આપી છે તે વડે ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓની પસંદગી કર અને ફ્રાંત નદીની પશ્ચિમ તરફ વસતા જે લોકો તારા દેવના નિયમો જાણે છે તેઓ પર વહીવટ ચલાવવા તેઓને નિયુકત કર; જો તેઓને યહોવાના નિયમશાસ્ત્રનું જ્ઞાન ના હોય તો તારે તેઓને શીખવવું.

26 દેવના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાનૂનનું પાલન કરવાની ના પાડનારને તાત્કાલિક મૃત્યુદંડ અથવા દેશમાંથી હદપાર કરવાની સજા અથવા તેનો સામાન જપ્ત કરવાની અથવા કેદની સજા કરવી.


એઝરાની દેવને સ્તુતિ

27 ત્યારે એઝરાએ કહ્યું, “અમારા પૂર્વજોના દેવ યહોવાની સ્તુતિ હો! કારણ કે તેણે રાજાને યરૂશાલેમના યહોવાના મંદિરનો મહિમાં વધારવાની પ્રેરણા કરી છે.

28 અને તેમણે રાજાને, તેના મંત્રીઓને અને બધા ઉચ્ચ અધિકારીઓને મારા પ્રત્યે સદ્ભાવના ધરાવતા કર્યા છે. મને ખબર છે કે મારા પર મારા યહોવા દેવની કૃપા હતી તેથી મેં ઇસ્રાએલના આગેવાનોને મારી સાથે યરૂશાલેમ જવા માટે ભેગા કર્યા.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan