Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એઝરા 5 - પવિત્ર બાઈબલ

1 પરંતુ તે સમયે પ્રબોધકો હાગ્ગાય તથા ઉદ્દોના પુત્ર ઝખાર્યાએ ઇસ્રાએલના દેવ યહોવાના નામે જેઓની તેમના પર કૃપા હતી યહૂદા તથા યરૂશાલેમમાં જે યહૂદીયાઓ હતા, તેઓને ભવિષ્યવાણી સંભળાવી.

2 ત્યારે શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ તથા યોસાદાકના પુત્ર યેશૂઆએ યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાનું શરૂ કરી દીધું. દેવના પ્રબોધકો તેમને ટેકો આપતાં હતાં.

3 પરંતુ તે જ સમયે યુફ્રેતિસ નદીની પશ્ચિમ તરફના પ્રદેશનો પ્રશાસક તાત્તનાય અને શથાર-બોઝનાય તથા તેઓના સાથીદારો યરૂશાલેમ આવ્યા અને પૂછયું, “આ મંદિર ફરીથી બાંધવાની અને લાકડાનું કામ પુરું કરવાની પરવાનગી તમને કોણે આપી છે?”

4 પછી તેઓએ પૂછયું, “જે માણસો આ મંદિર બાંધે છે તેમના નામ શાં છે?”

5 પરંતુ યહૂદીઓના વડીલો પર તેઓના દેવ યહોવાની કૃપાદ્રષ્ટિ હતી, માટે આ બાબત દાર્યાવેશને કાને પહોંચ્યા પછી રાજાનો જવાબ આવે ત્યાં સુધી તેમને કામ કરતા અટકાવવામાં આવ્યા નહિ.

6 તાત્તનાય પ્રશાસક, શથાર-બોઝનાય તથા બીજા અધિકારીઓએ દાર્યાવેશ રાજા પર નીચે પ્રમાણે પત્ર મોકલ્યો:

7 પ્રતિ: દાર્યાવેશ રાજા: સલામ! ક્ષેમકુશળ હશો.

8 આપને વિદિત થાય કે, અમે યહૂદા પ્રાંતમાં મહાન દેવના મંદિરમાં ગયાં હતા, તે મંદિર પથ્થરની મોટી શિલાઓથી બાંધવામાં આવી રહ્યું છે, એની ભીંતોએ લાકડાની તખ્તીઓ જડવામાં આવે છે, ખૂબ સફળતાપૂર્વક અને ઉત્સાહથી કામ ચાલી રહ્યું છે.

9 અમે ત્યાં આગેવાનોને પૂછયું, “તમને આ મંદિરનું બાંધકામ કરવાની અને તેનું લાકડાનું કામ પુરું કરવા માટે કોણે પરવાનગી આપી છે?”

10 વળી અમે તેમના નામ પણ પૂછયાં, જેથી અમે આપને જણાવવા માટે આગેવાનોના નામની યાદી તૈયાર કરી શકીએ.

11 તેઓએ અમને ઉત્તર આપ્યો કે, “અમે આકાશ અને પૃથ્વીના દેવના સેવકો છીએ; ઇસ્રાએલના એક મહાન રાજાએ ઘણાં વર્ષો પહેલાં બંધાવેલ મંદિરનો અમે જીણોર્દ્ધાર કરીએ છીએ.

12 અમારા પિતૃઓએ સ્વર્ગના દેવને ગુસ્સે કર્યા, તેથી તેણે તેઓનો ત્યાગ કર્યો. તેણે નબૂખાદનેસ્સાર રાજા દ્વારા આ મંદિરનો નાશ કરાવ્યો અને રાજાએ લોકોનો દેશનિકાલ કરીને બાબિલ મોકલ્યા.”

13 પણ બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં દેવના આ મંદિરનો જીણોર્દ્ધાર કરવાની પરવાનગી આપી.

14 ઉપરાંત દેવના મંદિરની સોના ચાંદીની વસ્તુઓ નબૂખાદનેસ્સાર યરૂશાલેમના દેવના મંદિરમાંથી કાઢીને બાબિલના મંદિરમાં લઇ ગયો હતો, ને તે બધી વસ્તુઓ કોરેશ રાજાએ બાબિલના મંદિરમાંથી પાછી લઇને શેશ્બાસ્સારને સોંપી જેને તેણે પ્રશાસક નિમ્યો હતો.

15 “રાજાએ તેને સૂચના આપી કે, તે સર્વ વસ્તુઓ યરૂશાલેમના મંદિરમાં પાછી મોકલે અને દેવના મંદિરને તેની અસલ જગ્યાએ બંધાવે.”

16 પછી તે જ શેશ્બાસ્સારે આવીને દેવના એ મંદિરનો પાયો યરૂશાલેમમાં નાખ્યો; અને ત્યારથી તેનું બાંધકામ ચાલુ છે, તે હજી પૂરું થયું નથી.

17 તેથી આપ નામદારને યોગ્ય લાગે તો બાબિલના ભંડારમાં તપાસ કરાવશો કે રાજા કોરેશે યરૂશાલેમમાં દેવનું મંદિર ફરી બાંધવાની પરવાનગી આપી હતી કે કેમ, અને આ બાબતમાં આપનો નિર્ણય જણાવશો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan