Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એઝરા 3 - પવિત્ર બાઈબલ


વેદીના જીણોર્દ્ધારનો પ્રારંભ

1 ઇસ્રાએલના પુત્રો પોતાનાં નગરોમાં વસ્યા પછી, સાતમો માસ આવ્યો ત્યારે તેઓ બધા એક દિલથી યરૂશાલેમમાં ભેગા થયા.

2 યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેના યાજકો સાથે તથા શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ અને તેના સાથીઓએ ઇસ્રાએલના દેવની વેદી ફરીથી બાંધી, જેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેની પર દહનાર્પણો ચઢાવી શકાય.

3 આજુબાજુના બીજા લોકોનો ડર હોવા છતાં તેમણે પહેલાંને સ્થાને જ વેદી ઊભી કરી અને તેના પર સવાર સાંજ યહોવાને દહનાર્પણો આપવાનું શરૂ કર્યુ.

4 તેઓએ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે માંડવાપર્વ ઊજવ્યો અને નિયમ પ્રમાણે દરરોજ જોઇતા પ્રમાણમાં દહનાર્પણો ચઢાવ્યા.

5 એના પછી લોકોએ નિત્યનાં દહનાર્પણો, ચંદ્રદર્શનના દિવસની ઉજવણીના અર્પણો તથા બીજાં વાર્ષિક પર્વોની ઉજવણીનાં અર્પણો ચઢાવ્યા જે યહોવાને માટે પવિત્ર હતા એ લોકોએ ઉપહાર પણ અર્પણ કર્યા.

6 તેઓએ સાતમા મહિનાના પ્રથમ દિવસથી યહોવાને દહનાર્પણો ચઢાવવાનું શરૂ કર્યુ; પરંતુ યહોવાના મંદિરનો પાયો હજી નંખાયો ન હતો.


મંદિરના જીણોર્દ્ધારનો પ્રારંભ

7 તેમણે કડિયાઓને અને સુથારોને પૈસા આપ્યા અને સિદોન અને તૂરના લોકોને ખોરાક પાણી અને તેલ મોકલ્યાં, જેથી તેઓ લબાનોનથી સમુદ્રમાર્ગે યાફા સુધી દેવદારનું લાકડું લઇ આવે. ઇરાનના રાજા કોરેશે એ માટે પરવાનગી આપી હતી.

8 બીજા વર્ષના બીજા મહિનામાં યરૂશાલેમમાં દેવના મંદિરમાં પહોચ્યા પછી, શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલે અને યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેમના બીજા જાતભાઇઓની મદદ વડે, યાજકો લેવીઓ અને દેશવટેથી યરૂશાલેમ પાછા ફરેલા બાકીના બધા લોકોની મદદથી મંદિરનું ખરેખરું બાંધકામ શરૂ કર્યુ. તેમણે વીસ વર્ષના અને તેથી મોટા લેવીઓને યહોવાના મંદિરનાં બાંધકામની દેખરેખ રાખવા નીમ્યા.

9 આ સમગ્ર યોજના પર દેખરેખ રાખવાનું કામ યેશૂઆ, કાદમીએલ અને તેના પુત્રો, હેનાદાદ અને તેઓના પુત્રો તથા સબંધીઓને સોંપવામા આવ્યું. તેઓ સર્વ લેવીઓ હતા.

10 જ્યારે યહોવાના મંદિરનો પાયો નાખવાનું કામ પૂરું થયું ત્યારે, યહોવાની સ્તુતિ કરવા માટે તેઓએ ઇસ્રાએલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને રણશિંગડા સાથે તથા લેવીઓને તેમના હાથમાં ઝાંઝની જોડી આપીને ઊભા રાખ્યા.

11 તેઓએ યહોવાની સ્તુતિ અને આભાર ગીત ગાયાં, “દેવ ભલા છે અને તેમનો પ્રેમ તથા દયા ઇસ્રાએલીઓ પર સદાકાળ રહેશે.” ત્યારે બધા લોકો ઊંચે સાદે યહોવાની સ્તુતિ કરવા લાગ્યા, કારણ; યહોવાના મંદિરનો પાયો નંખાઇ ચૂક્યો હતો.

12 ઘણા યાજકો, લેવીઓ અને કુટુંબના આગેવાનો અને વડીલો, જેમણે પહેલાનું મૂળ મંદિર જોયું હતું તેઓ પોતાની નજર સામે પાયો નંખાતો જોઇને રડી પડ્યા, પણ બીજા ઘણા લોકો મોટે સાદે હર્ષના પોકારો કરતા હતા.

13 તેથી લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના છે તે પારખી શકાતા નહોતા, કારણકે લોકો દૂર સુધી સંભળાય એટલે મોટે અવાજે પોકારો કરતા હતા.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan