Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 25 - પવિત્ર બાઈબલ


આમ્મોનની વિરુદ્ધ અગમવાણી

1 મને ફરીથી યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:

2 “હે મનુષ્યના પુત્ર, આમ્મોનીઓ તરફ મોં કરી તેમની વિરુદ્ધ મારી ચેતવણી ઉચ્ચાર.

3 તેઓને કહે: ‘યહોવા મારા માલિકના વચનો સાંભળો: જ્યારે મારું મંદિર અશુદ્ધ બનાવાયું હતું ત્યારે તમે મશ્કરી કરી; જ્યારે ઇસ્રાએલ દેશની તારાજી થતી હતી ત્યારે તમે તેની હાંસી ઉડાવી અને જ્યારે યહૂદાના લોકોને બંદીવાસમાં લઇ જવાતા હતા ત્યારે તમે આનંદ મનાવ્યો.

4 તેથી હું તમને પૂર્વની પ્રજાઓના હાથમાં સુપ્રત કરુ છું. તેઓ તમારી વચ્ચે છાવણી નાખશે અને વસવાટ કરશે. તેઓ તમારા ફળ ખાઇ જશે અને તમારું દુધ પી જશે.

5 “‘હું રાબ્બાહ નગરને ઊંટોને ચરવાની જગ્યા બનાવીશ અને આમ્મોનીઓનો દેશ ઘેટાંબકરાંને ચરવાની જગ્યા થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

6 યહોવા મારા માલિક કહે છે કે: તમારા હૃદયમાં મારા ઇસ્રાએલી લોકો માટે તિરસ્કાર છે, તેથી ઇસ્રાએલની અવદશા જોઇને તમે તાળીઓ પાડીને નાચ્યા અને ખુશ થયા હતા.

7 તેથી હું તમારી સામે મારો હાથ ઉગામીશ અને ઘણી પ્રજાઓના હાથમાં તમને સોંપી દઇશ અને તમારો નાશ કરીશ. હું તમને તમારા દેશમાંથી બહાર કાઢી મૂકીશ. હું દૂરના રાષ્ટ્રોમાં તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.’”


મોઆબ અને સેઇર વિરુદ્ધ ભવિષ્યવાણી

8 આ યહોવા મારા માલિકના વચન છે: “મોઆબે એમ કહ્યું હતું કે, ‘યહૂદા તો બીજી પ્રજાઓ જેવું જ છે;’

9 તેથી હું એની સરહદોનું રક્ષણ કરતાં શહેરોને બેથ-યશીમોથ બઆલ-મેઓન અને કિર્યાથાઇમ સહિત એનાં સુંદરમાં સુંદર શહેરોને હુમલાનો ભોગ બનાવીશ.

10 હું આમ્મોનની સાથે મોઆબને પણ પૂર્વની પ્રજાઓને સોંપી દઇશ, જેથી આમ્મોનના લોકોનું પ્રજા તરીકેનું અસ્તિત્વ જ ભૂંસાઇ જશે.

11 એ રીતે હું મોઆબને સજા કરીશ ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”


અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી

12 સૈન્યોના દેવ યહોવા કહે છે: “યહૂદાના લોકો પર વૈર વાળીને અદોમીઓએ મોટું પાપ કર્યું છે.”

13 તેથી યહોવા મારા માલિક કહે છે; “હું અદોમ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને તેના લોકોનો, જાનવરોનો અને ઢોરઢાંખરાનો હું સંપૂર્ણ નાશ કરીશ. તેમાનથી માંડીને દેદાન સુધીનું સર્વ તરવારથી નાશ પામશે. અને દેશ વેરાન થશે.

14 મારા લોકો ઇસ્રાએલીઓ દ્વારા હું અદોમ પર વૈર વાળીશ અને તેઓ અદોમ સાથે મારા રોષ અને ક્રોધને છાજે એવો વર્તાવ કરશે. એ લોકોને ખબર પડી જશે કે મેં વૈર વાળ્યું છે.” આ યહોવા મારા માલિકના વચન છે.


પલિસ્તીઓ વિરુદ્ધ ભવિષ્યવાણી

15 વળી યહોવા મારા માલિક કહે છે: “પલિસ્તીઓએ ધૃણાપૂર્વક પોતાના દુશ્મનો પર વૈર વાળ્યું છે, અને લાંબા સમયથી તેઓનો તિરસ્કાર કર્યા પછી તેમનો સંહાર કર્યો છે.”

16 તેથી યહોવા મારા માલિક કહે છે: “હું પલિસ્તીઓ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને પલિસ્તીઓનો નાશ કરીશ અને દરિયાકિનારાના બાકીના લોકોને સાફ કરી નાખીશ.

17 હું મારા ઉગ્ર રોષમાંને રોષમાં તેમના પર ભયંકર વૈર વાળીશ અને તેમને ભારે સજા કરીશ. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan