એસ્તેર 7 - પવિત્ર બાઈબલહામાનને ફાંસીની સજા 1 રાજા તથા હામાન રાણી એસ્તેરની દ્રાક્ષારસની ઉજાણીમાં જમવા ગયા. 2 બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતાંપીતાં રાજાએ એસ્તેરને પૂછયું; “એસ્તેર રાણી, તારી અરજ શી છે? તે તને આપવામાં આવશે; તારી વિનંતી શી છે? તારે શું જોઇએ છે? તું જે માગશે તે હું તને આપીશ, અડધું રાજ પણ હું તને આપવા તૈયાર છું.” 3 રાણી એસ્તેરે કહ્યું, “જો આપ મારા પર પ્રસન્ન થયા હોય, અને જો આપને આ યોગ્ય લાગતું હોય, તો મારી એટલી વિનંતી છે કે, મને અને મારા લોકોને જીવવા દો. 4 મને અને મારા લોકોને, મારી નાખવા માટે અમારું અસ્તિત્વ મિટાવી દેવા માટે, વેચી દેવામાં આવ્યાં છે, જો અમને ફકત ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત તો મેં કંઇ પણ માંગ્યું ન હોત, કારણ, તેથી અમારી દશા એટલી ખરાબ ન થઇ હોત કે જેને માટે મારે આપ નામદારને તસ્દી આપવી પડે.” 5 “તું શી વાત કરે છે?” અહાશ્વેરોશે ભારપૂર્વક પૂછયું; “કોણ છે એ માણસ જેણે આવું કરવાની ધૃષ્ટતા કરી છે? તે ક્યાં છે?” 6 એસ્તેરે જવાબ આપ્યો, “આ દુષ્ટ હામાન અમારો શત્રુ છે,” આ સાંભળીને હામાન રાજા અને રાણીની સામે ડરવા લાગ્યો. 7 રાજા તો ગુસ્સામાં ઉજાણી છોડીને રાજમહેલમાં બગીચામાં ચાલ્યો ગયો. હામાન સમજી ગયો કે રાજાએ તેને મારવાનું નક્કી કરી લીધું હતું. તેથી તે રાણી એસ્તેર પાસે જીવનની માફી માંગવા ગયો. 8 જ્યારે રાજા મહેલના બગીચામાંથી ઉજાણી રૂમમાં પાછો આવ્યો, ત્યારે એસ્તરની દયા યાચવા હામાન એસ્તરના પલંગ પર પડી રહ્યો હતો. આ જોઇને રાજા બોલ્યો; “શું મારા મહેલમાં મારા દેખતાં જ રાણી પર બળાત્કાર કરવા માઁગે છે?” રાજાના મોઢામાંથી આ શબ્દો નીકળતાંજ રાજાના સેવકોએ હામાનનું મોઢું ઢાંકી દીધું. 9 જે ખોજાઓ રાજાની સન્મુખ તે વખતે હાજર હતા તેઓમાંના એક, જેનું નામ હાબોર્નાહ હતું તેણે કહ્યું કે, મોર્દૃખાય, જેણે કાવત્રાની માહિતી આપીને રાજાની મદદ કરી હતી, તેને લટકાવવા માટે હામાને પોતાના ઘરની પાસે પંચોતેર ફુટનો ફાંસીનો માંચડો કરાવ્યો છે. રાજાએ કહ્યું, “હામાનને તેના પર ફાંસી આપો.” 10 એટલે હામાને મોર્દખાયને માટે તૈયાર કરેલી ફાંસી પર તેને પોતાને ચઢાવી દેવામાં આવ્યો. તે પછી રાજાનો ગુસ્સો શમી ગયો. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International