Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એસ્તેર 6 - પવિત્ર બાઈબલ


મોર્દખાયનું સન્માન

1 તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે તેના શાસનની વિગતો માટે રાજાઓનાં કાળવૃત્તાંતોના પુસ્તકોમાં મંગાવ્યું જેને તેની સમક્ષ વાંચવામાં આવ્યું.

2 તેમાં લખેલું હતું કે, રાજાના બે ખોજાઓ કે જેઓ દ્ધારની ચોકી કરતા હતાં, તે બિગ્થાના અને તેરેશ રાજાનું ખૂન કરવાનું કાવતરું ઘડ્યું હતું અને તેની ખબર મોર્દખાયે આપી હતી.

3 આ ઉપરથી રાજાએ પૂછયું કે, “એ માટે મોર્દખાયને શું માન-મોભો કે ઇનામ આપવામાં આવ્યાં છે?” ત્યારે રાજાની સેવામાં દરબારીઓ હતા તેમણે જણાવ્યું કે, “મોર્દખાયને કઇં જ આપવામાં આવ્યું નથી.”

4 તેથી રાજાએ પૂછયું, “ત્યાં પ્રાંગણમાં કોણ છે?” હવે બન્યું એવું કે એ જ ક્ષણે હામાન મોર્દખાયને ફાંસીએ ચઢાવવાનું રાજાને પૂછવાં રાજમહેલના બહારના પ્રાંગણમાં દાખલ થયો હતો,

5 તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, પ્રાંગણમાં હામાન ઊભો છે. રાજાએ કહ્યું, “એને અંદર લઇ આવો.”

6 અને હામાન દાખલ થયો એટલે રાજાએ તેને સવાલ કર્યો, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છતો હોય તે માણસ માટે શું કરવું જોઇએ?” હામાને વિચાર્યું કે, “રાજા મારું નહિ તો બીજા કોનું બહુમાન કરવાના હતા?”

7 એટલે હામાને રાજાને કહ્યું કે, “જે માણસને પ્રેમથી માન આપવા રાજા ઇચ્છતા હોય,

8 તેને માટે રાજા પોતે પહેરતા હોય તે પોશાક મંગાવે અને રાજા પોતે જેના પર સવારી કરતા હોય તે, ઘોડો મંગાવી તેનું માથું રાજમુગટથી શણગારો;

9 પછી એ લાંબા ઝભ્ભાઓ અને ઘોડો રાજાના સૌથી વધુ માનવંતા મુખિયાને સોંપો અને તે માણસને એ પોશાક પહેરાવવા અને તેને ઘોડા પર બેસાડી નગરની ગલીઓમાં તેને ફેરવો એમ જાહેર કરતા, ‘રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે છે તે વ્યકિતનું આવી રીતે સન્માન કરવું.’ એમ જાહેર કરવામાં આવે.”

10 ત્યારે રાજાએ હામાનને કહ્યું, “ઝટ જા અને પોશાક અને ઘોડો લઇ આવીને રાજમહેલના દરવાજે બેઠેલા યહૂદી મોર્દખાયને તેં કહ્યું તે પ્રમાણે તું કર; તું જે બોલ્યો છે તે સઘળામાંથી કઇં જ રહી જવું જોઇએ નહિ.”

11 આથી હામાને પોશાક અને ઘોડો લઇ જઇને મોર્દખાયને સજાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને શહેરના ચોકમાં થઇને, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે છે તેને આ રીતે સન્માને છે.” એમ પોકાર કરતાં કરતાં ફેરવ્યો.

12 પછી મોર્દખાય પાછો મહેલને દરવાજે આવ્યો અને શરમાયેલો અને દુભાયેલો હામાન મોં છુપાવીને ઝડપથી ઘેર ચાલ્યો ગયો.

13 પછી તેણે પોતાની પત્ની ઝેરેશને અને બધા મિત્રોને તેણે જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે હામાનની પત્ની અને તેને સલાહ આપનારા માણસોએ કહ્યું “જો મોર્દખાય એક યહૂદી હોય, તો તું ન જીતી શકે; તારું પતન શરૂ થઇ ગયું છે, ચોક્કસ તું નાશ પામીશ.”

14 હજીતો તેઓ વાત કરી રહ્યાં હતાં એટલામાં રાજાના માણસો આવી પહોંચ્યા અને એસ્તેરે તૈયાર કરેલી ઉજાણીમાં હામાનને ઉતાવળે લઇ ગયા.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan