Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એસ્તેર 5 - પવિત્ર બાઈબલ


એસ્તેરની રાજાને અરજ

1 ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોષાક પહેરીને રાજાના ખંડની સામે મહેલની અંદરના પ્રવેશમાં જઇને ઊભી રહી. એ વખતે રાજા રાજમહેલના પ્રવેશદ્વાર આગળ સિંહાસન પર બિરાજેલ હતા.

2 તેમણે એસ્તેરને દરબારમાં ઊભેલી જોઇ અને તેને જોઇને ખુશ થયા, તેમણે સોનાનો રાજદંડ લંબાવ્યો. એટલે એસ્તેરે જઇને રાજદંડની અણીને સ્પર્શ કર્યો.

3 રાજાએ પૂછયું, “રાણી એસ્તેર, તારી શી ઇચ્છા છે? તારી શી માગણી છે? તું અડધું રાજ માગશે તો પણ તે તને આપવામાં આવશે.”

4 એસ્તેરે તેને કહ્યું કે, “આપ નામદાર જો મારા પર પ્રસન્ન હોય તો આજે મેં રાખેલી ઉજાણીમાં આપ હામાન સાથે પધારો.”

5 એટલે રાજાએ નોકરોને કહ્યું કે, હામાનને જલદી હાજર કરો કે જેથી આપણે એસ્તરના કહેવા મુજબ કરી શકીએ. તેથી રાજા તથા હામાન એસ્તેરની ઉજાણીમાં આવ્યા.

6 દ્રાક્ષારસ પીતાં પીતાં રાજાએ એસ્તેરને કહ્યું, “એસ્તેર રાણી, તારી ખરેખર શી માગણી છે તે કહે, અડધા રાજ સુધી હું તે મંજૂર કરીશ.”

7 ત્યારે એસ્તેરે પ્રત્યુત્તર આપ્યો, “મારી અરજ તથા મારા અંતરની ઇચ્છા આ છે:

8 જો આપની મારા પર કૃપાદ્રષ્ટિ હોય, અને જો આપને મારી અરજ પ્રમાણે ઇનામ આપવાની તથા મારી વિનંતી પ્રમાણે આપ આપવા માગતા હોય તો આવતી કાલે પણ આપ તથા હામાન આજ રીતે ઉજાણીમાં પધારો. આવતી કાલે હું આપની આગળ મારી ઇચ્છા પ્રગટ કરીશ.”


મોર્દૃખાય પર ક્રોધિત હામાન

9 ત્યારે તે દિવસે ઉજાણીમાંથી વિદાય લેતી વખતે હામાન ખુશ-ખુશાલ દેખાતો હતો! પાછા જતાં તેણે મોર્દખાયને દરવાજામાં બેઠેલો જોયો, તેણે જોયું કે, તેને જોઇને તે ઊભો થયો નહિ કે બીકથી થથર્યો પણ નહિ, તેથી હામાન ખૂબજ ક્રોધે ભરાયો.

10 તેમ છતાં હામાને ગુસ્સા પર કાબૂ રાખ્યો અને ઘેર પાછો આવ્યો અને તેની પત્ની ઝેરેશ તથા તેના મિત્રોને ભેગા કર્યા.

11 તેઓની સમક્ષ પોતાની પુષ્કળ સમૃદ્ધિ, પોતાનાં સંતાનોની વિશાળ સંખ્યા, કેવી રીતે રાજાએ તેનું સન્માન કર્યું અને તેને બીજા બધા આગેવાનોથી ઉંચી પદવી આપી તેની બડાઇ હાંકવા લાગ્યો.

12 પછી તેણે કહ્યું: “એસ્તેર રાણીએ જે આપેલી ઉજાણીમાં તેણીએ મારા અને રાજા સિવાય બીજા કોઇને પણ આમંત્રણ આપ્યું નહોતું અને આવતી કાલે પણ તેણીએ મને રાજા સાથે ઉજાણી માટે આમંત્રણ આપ્યું છે.

13 પરંતુ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાયને હું રાજાના દરવાજા આગળ બેઠેલો જોઉં ત્યાં સુધી આ સર્વ મને કંઇ સંતોષ આપતું નથી.”

14 ત્યારે તેની પત્ની તથા મિત્રોએ તેને સલાહ આપી, “પંચોતેર ફૂટ ઊંચો ફાંસીનો માચડો તૈયાર કરાવ અને સવારે રાજા પાસેથી મોર્દખાયને તે પર લટકાવી મારી નાખવાની પરવાનગી લઇ આવ. અને આમ થશે ત્યારે તું આનંદથી રાજા સાથે ઉજાણી માણી શકશે.” આ સલાહ હામાનને પસંદ પડી અને તેણે ફાંસીનો માચડો તૈયાર કરવાનો હુકમ કર્યો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan