એફેસીઓ 6 - પવિત્ર બાઈબલમાતાપિતા અને સંતાન 1 જે રીતે પ્રભૂની ઈચ્છા છે તે રીતે બાળકો, તમારા માતાપિતાના આજ્ઞાંકિત બનો, જે કરવું યોગ્ય છે. 2 “તમારે તમારા માતા અને પિતાને માન આપવું જોઈએ.” આ પહેલી આજ્ઞા છે જેની સાથે વચન સંલગ્ન છે. 3 તે વચન આ છે: “પછી તમારું બધું જ સારું થશે અને પૃથ્વી ઉપર તમને લાંબુ આયુષ્ય મળશે.” 4 પિતાઓ, તમારા બાળકો સાથે એવી રીતે ના વર્તો કે તેઓ ગુસ્સે થાય, તેને બદલે તેઓને સારી તાલીમ અને પ્રભુના શિક્ષણથી ઉછેરો. દાસો અને માલિક 5 દાસો, આ પૃથ્વી ઉપર તમારા માલિકને માન અને ભય સાથે અનુસરો. અને આમ સાચા હૃદયથી કરો; જે રીતે તમે ખ્રિસ્તને અનુસરો છો. 6 જ્યારે તમારો માલિક દેખરેખ રાખતો હોય ત્યારે જ ફક્ત તેને પ્રસન્ન કરવા તેની આજ્ઞાનું પાલન ના કરો. પણ તેથી વિશેષ કંઈ કરવાની જરૂર છે. તમે જેમ ખ્રિસ્તની આજ્ઞાનું પાલન કરો છો તેમ તેની આજ્ઞાનું પાલન કરો. દેવ જે ઈચ્છે છે તે તમારે સંપૂર્ણ હૃદયથી કરવું જોઈએ: 7 તમારું કામ પ્રસન્નતાથી કરો, જે રીતે તમે પ્રભુની સેવા કરો છો, માત્ર લોકોની સેવા કરો છો તે રીતે નહિ. 8 યાદ રાખો કે પ્રભુ પ્રત્યેકને, પછી તે દાસ હોય કે મુક્ત હોય તેમને જેવા શુભકામ કર્યા હોય, તેવો બદલો આપશે. 9 માલિકો, એ જ રીતે તમે તમારા દાસો પ્રત્યે ભલું વર્તન રાખો. ધમકીનો ઉપયોગ બંધ કરો. યાદ રાખો તે એક જે તમારો અને તેઓનો પણ ધણી છે તે આકાશમાં છે. અને ધણી (દેવ) દરેક વ્યક્તિનો એક સરખો ન્યાય કરે છે. દેવનાં સર્વ હથિયારો સજો 10 મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું. 11 દેવનું સંપૂર્ણ બખ્તર (રક્ષણ) પહેરો કે જેથી તમે શેતાનની દુષ્ટ ચાલબાજી સામે લડી શકો. 12 આપણું આ યુદ્ધ આ પૃથ્વીના લોકો સામે નથી. પરંતુ આપણે તો અંધકારના અધિપતિઓની, અધિકારીઓ અને તેઓની સત્તાઓ સામે આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો સામે આપણે લડી રહ્યા છીએ. 13 અને તેથી તમે દેવનાં સર્વ હથિયારો સજી લો કે, જેથી ભૂંડા દિવસે તમે દઢે ઊભા રહી શકો અને તમે યુદ્ધ પૂરું કર્યા પછી પણ શક્તિવર્ધક હશો. 14 તેથી સત્યથી તમારી કમર બાંધો; અને પ્રામાણિક જીવન જીવીને તમારી છાતીનું રક્ષણ કરો. 15 અને તમારા પગે શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં ધારણ કરો કે જેથી તમે શક્તિપૂર્વક ઊભા રહી શકો. 16 અને વિશ્વાસની ઢાલનો પણ ઉપયોગ કરો કે જેથી તમે દુષ્ટતા બળતા ભાલાઓ હોલવી શકશો. 17 દેવના તારણને તમારા ટોપ તરીકે અપનાવો. અને આત્માની તલવાર, જે દેવનું વચન છે તે લો. 18 હમેશા આત્મામાં પ્રાર્થના કરો. હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તમારો જરૂરી બધી જ વસ્તુની યાચના કરો. આમ કરવા માટે હમેશા તૈયાર રહો. નિરુસ્તાહી થઈ છોડી ના દો અને પ્રભુના બધા સંતો માટે પ્રાર્થના કરો. 19 અને મારા માટે પણ પ્રાર્થના કરો કે જ્યારે હું બોલું ત્યારે મને દેવ તરફથી શબ્દો પ્રદાન થાય કે જેથી ભય વિના સુવાર્તાના ગૂઢ સત્યને હું કહી શકું. 20 મારું કામ સુવાર્તા કહેવાનું છે અને તે હું અહી બંદીખાનામાંથી કરી રહ્યો છું. પ્રાર્થના કરો કે જ્યારે હું સુવાર્તાનો ઉપદેશ આપું ત્યારે ભય વિના મારે જે રીતે આપવો જોઈએ તે રીતે આપું. આખરી અભિવાદન 21 હું તમારી પાસે અમારા ભાઈ તુખિકસને મોકલું છું, જેને અમે ચાહીએ છીએ. તે પ્રભુના કાર્ય પ્રત્યે વિશ્વાસુ સેવક છે. મારા પ્રત્યે જે કઈ બની રહ્યુ છે તે બધું તે તમને કહેશે જેથી તમને ખબર પડશે કે હું કેમ છું અને શું કરી રહ્યુ છું. 22 મારી ઈચ્છા છે કે તમે જાણો કે અમે કેમ છીએ અને તમને હિંમત આપવા હું તેને મોકલી રહ્યો છું. 23 દેવ બાપ અને પ્રભુ ખ્રિસ્ત તરફથી તમને શાંતિ તથા વિશ્વાસસહિત પ્રીતિ થાઓ. 24 તમે બધા કે જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર નિષ્કપટ પ્રીતિ રાખો છો તેઓ પર દેવની કૃપા થાઓ. આમીન. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International