Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સભાશિક્ષક 3 - પવિત્ર બાઈબલ


પ્રત્યેક વસ્તુ માટે યોગ્ય સમય

1 પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ, અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે:

2 જન્મ લેવાનો સમય, મૃત્યુ પામવાનો સમય, છોડ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાંખવાનો સમય;

3 મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;

4 રડવાનો સમય અને હસવાનો સમય; શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય;

5 પત્થરો ફેંકી દેવાનો સમય અને પત્થરો એકઠાં કરવાનો સમય; આલિંગન કરવાનો સમય; તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય;

6 શોધવાનો સમય; ગુમાવવાનો સમય; રાખવાનો સમય; ફેંકી દેવાનો સમય;

7 ફાડવાનો સમય; સીવવા કરવાનો સમય; શાંત રહેવાનો સમય; બોલવાનો સમય;

8 પ્રેમ કરવાનો સમય; ધિક્કારવાનો સમય; યુદ્ધનો સમય સલાહ શાંતિનો સમય.


દેવ પોતાની દુનિયાનું નિયંત્રણ કરે છે

9 આટલો બધો સખત પરિશ્રમ કરવાથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે?

10 દેવે જે ધંધો મનુષ્યોને તેઓને કાર્યરત રાખવા આપ્યો છે તે મેં જોયો છે.

11 યહોવાએ પ્રત્યેક વસ્તુ ને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે.જો કે દેવે મનુષ્યનાં હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી અંત સુધીનાં દેવનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.

12 હું જાણું છું કે, પોતાના જીવન પર્યંત આનંદ કરવું ને ભલું કરવું, તે કરતાં તેના માટે બીજું કંઇ શ્રેષ્ઠ નથી.

13 તેણે ખાવું, પીવું અને પરિશ્રમથી જે સિદ્ધ કર્યુ છે તેનાથી સંતોષ અનુભવવો, કારણ કે આ દેવ તરફથી પ્રાપ્ત થયેલું કૃપાદાન છે.

14 મને ખબર છે કે દેવ જે કંઈ કરે છે તે ભવિષ્યમાં સદાને માટે રહેશે; તેમાં કશો વધારો કે ઘટાડો કરી શકાય નહિ, આમા દેવનો મુખ્ય હેતુ એ છે કે માણસ દેવનો ડર રાખે.

15 જે હાલમાં છે તે અગાઉ થઈ ગયું છે; અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે; અને જે વીતી ગયું છે તેને દેવ પાછું શોધી કાઢે છે.

16 વળી મેં આ દુનિયામાં જોયું કે સદાચારની જગાએ અનિષ્ટ હતું; અને ન્યાયની જગ્યાએ અનિષ્ટ હતું.

17 મેં મારી જાતને કહ્યું કે, “યહોવા ન્યાયીનો અને દુષ્ટનો ન્યાય કરશે, કારણ કે પ્રત્યેક પ્રવૃતિ માટે અને પ્રત્યેક કાર્ય માટે યોગ્ય સમય હોય છે.”


શું મનુષ્યો પશૂવત્ છે?

18 પછીં મે મારા મનમાં વિચાર્યુ કે, “યહોવા મનુષ્યની કસોટી કરે છે. જેથી તેઓ જાણે કે તેઓ પશુ સમાન છે. અને પશુઓથી વધારે સારા નથી.

19 કારણ કે પશુઓના જે હાલ થાય છે તે જ હાલ મનુષ્યનાં થાય છે. મૃત્યુ બંને માટે છે, સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય જાતને પશુઓ કરતાં વધારે લાભ મળતો નથી. કેવી વ્યર્થતા!

20 એક જ જગાએ સર્વ જાય છે; સર્વ માટીમાંથી આવ્યાં છે, ને અંતે સર્વ માટીમાં જ મળી જાય છે.

21 મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુ આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની ખબર કોને છે?”

22 તેથી મેં જાણ્યુ કે, માણસ પોતાના કામમાં આનંદ માણે, તેથી વધારે સારું કાંઇ નથી. એ જ તેનો ભાગ છે; ભવિષ્યમાં શું બનવાનું છે તે તેને કોઇ દેખાડી શકે તેમ નથી.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan