Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 34 - પવિત્ર બાઈબલ


મૂસાનું મૃત્યુ

1 ત્યારબાદ મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની પૂવેર્ આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો, અને યહોવાએ તેને સમગ્ર પ્રદેશ બતાવ્યો: ગિલયાદથી દાન સુધીનો પ્રદેશ,

2 આખો નફતાલીનો પ્રદેશ, એફાઈમ અને મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો સમગ્ર પ્રદેશ,

3 નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ.

4 પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ રહ્યો તે પ્રદેશ જે તેમના વંશજોને આપવાનું મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યું હતું. ‘મેં તને તારી સગી આંખે એ જોવા દીધો છે, પણ તું તેમાં આગળ જઈને પ્રવેશ કરવા નહિ પામે.’”

5 આમ, યહોવાનો સેવક મૂસા તેમના કહ્યા પ્રમાંણે મોઆબની ભૂમિમાં મૃત્યુ પામ્યો.

6 તેને એ જ મોઆબની ભૂમિમાં બેથપેઓરની સામેની કોઈ ખીણમાં દફનાવવામાં આવ્યો, પરંતુ આજ સુધી કોઈને તેની કબરની ખબર નથી.

7 મૂસા મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉમર 120 વર્ષની હતી. તેના શરીરે શકિત ગુમાંવી ન હતી કે તેની આંખોની શકિત ઓછી થઈ નહોતી.

8 મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓએ ત્રીસ દિવસ સુધી મૂસાના મૃત્યુનો શોક પાળ્યો. અને ત્યાર બાદ શોકના દિવસો પૂરા થયા.


નવો આગેવાન યહોશુઆ

9 નૂનનો પુત્ર યહોશુઆ જ્ઞાનના આત્માંથી ભરપૂર હતો, કારણ કે મૂસાએ તેના મસ્તક પર પોતાનો હાથ મૂકયો હતો, તેથી ઇસ્રાએલી લોકો યહોશુઆને આધિન રહેતા અને યહોવાએ મૂસા દ્વારા આપેલી આજ્ઞાઓ પાળતા હતા.

10 ત્યાર બાદ ઇસ્રાએલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક થયો નથી; યહોવાએ તેને પ્રત્યક્ષ દર્શન આપી તેની સાથે વાતો કરી હતી.

11 મિસરના દેશમાં ફારુન અને તેના અમલદારો તથા સમગ્ર દેશ વિરુદ્ધ યહોવાએ તેની પાસે જે ચમત્કારો અને પરચાઓ કરાવ્યા તેવા બીજા કોઈ પ્રબોધકે કર્યા નથી.

12 સમગ્ર ઇસ્રાએલી પ્રજાના દેખતાં તેમણે જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો અન્ય કોઈ પ્રબોધક કરી શકયો નથી.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan