આમોસ 2 - પવિત્ર બાઈબલમોઆબને સજા 1 યહોવા કહે છે: “મોઆબના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. તેમણે અદોમના રાજાના હાડકાં બાળીને ચૂરો કરી નાખ્યાં હતાં; આથી હું તેમને જરૂર સજા કરીશ. 2 હું મોઆબને આગ લગાડીશ અને આગ કરીયોથના કિલ્લેબંધી મહેલો મકાનોને નષ્ટ કરી દેશે. યુદ્ધના આક્રંદ અને રણશિંગડાંના અવાજો મધ્યે મોઆબ નાશ પામશે. 3 હું તેના રાજકર્તાને ત્યાંજ મારી નાખીશ અને તેની સાથે તેના સર્વ અમલદારોને મારી નાખીશ.” આ યહોવાના વચન છે. યહૂદિયાને સજા 4 યહોવા કહે છે: “યહૂદિયાએ વારંવાર પાપ કર્યુ છે હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. એ લોકોએ મારા નિયમોનો અનાદર કર્યો છે, અને મારી આજ્ઞાઓ માની નથી. તેમના પિતૃઓ જે ખોટા દેવોને અનુસરતા હતા તેમણે તેમને ખોટે માર્ગે દોર્યા છે; આથી હું તેમને જરૂર સજા કરીશ. 5 હું યહૂદિયા પર આગ લગાડીશ અને આગ યરૂશાલેમના કિલ્લેબંધી મહેલો મકાનોને નષ્ટ કરશે.” ઇસ્રાએલને સજા 6 યહોવા કહે છે: “ઇસ્રાએલના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તે ભૂલીશ નહિ. હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. તેઓએ ન્યાયી લોકોને ચાંદીના બદલામાં વેચ્યા છે અને ગરીબોને બૂટની જોડીના બદલામાં વેચ્યા છે. 7 તેઓએ ગરીબોને ધૂળમાં પગતળે કચડ્યા છે. અને નમ્ર લોકોને સાચા માર્ગમાંથી દૂર ધકેલી દેવામાં આવ્યાં છે. પિતા અને પુત્ર એક જ સ્ત્રી પાસે ગયા છે અને મારું પવિત્ર નામ બગાડ્યું છે. 8 તેઓ વેદીની બાજુમાં ધીરેલા નાણાંની સુરક્ષા તરીકે લીધેલાં કપડાં પર સૂઇ જાય છે. અને તેઓના દેવના મંદિરમાં આવતા લોકો પાસેથી દંડ તરીકે લીધેલા નાણાંનો દ્રાક્ષારસ પીએ છે. 9 “તમે જ્યારે કેનાનમાં દાખલ થયા ત્યારે અમોરીઓ ત્યાં હતા, તેઓ દેવદારના વૃક્ષ જેવા ઊંચા અને ઓક વૃક્ષ જેવા ખડતલ હતા. પણ તમારા માટે મેં તેઓને સમાપ્ત કર્યા હતા, હા, મે તેઓની શાખાઓ અને તેઓના મૂળિયાઓનો નાશ કર્યો. 10 “વળી હું તમને મિસરમાંથી સાથે બહાર લઇ આવ્યો, અને મેં તમને વન્યપ્રદેશ થકી ચાળીસ વર્ષ સુધી માર્ગદર્શન આપ્યું જેથી તમે અમોરીઓના રાષ્ટને તાબામાં લઇ શકો. 11 મેં તમારા પુત્રોમાંથી અનેકને પ્રબોધકો અને નાઝીરીઓ બનાવ્યા. હે ઇસ્રાએલના લોકો, શું એ સાચું નથી?” આ હું યહોવા કહું છું. 12 “પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો; અને પ્રબોધકોને આજ્ઞા કરી કે, પ્રબોધ કરશો નહિ. 13 જુઓ, જેમ ગાડું ભારને લીધે દબાઇ જાય છે, તેમ હું તમને તમારી જગ્યાએ જમીન પર દબાવી દઇશ. 14 અને ઝડપી દોડનારની દોડ નકામી જશે. બળવાનની તાકાત લુપ્ત થઇ જશે. અને જાણીતા નામાંકિત યોદ્ધાઓ પણ પોતાનો જીવ બચાવી શકશે નહિ. 15 ધનુર્ધારીઓ તેઓની જમીન કબ્જામાં રાખી શકશે નહિ અને જેઓ ઝડપથી દોડી શકે છે તેઓ પોતાને બચાવવા ભાગી શકશે નહિ અને ઘોડેસવારો તેઓનો પોતાનો જીવ બચાવી શકશે નહિ. 16 યોદ્ધાઓમાનો સૌથી બહાદુર પણ તે દિવસે શસ્ત્રો મૂકી નાસી જશે.” એમ યહોવા કહે છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International