Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 6 - પવિત્ર બાઈબલ


વિશિષ્ટ કાર્ય માટે સાત માણસની પસંદગી

1 વધારે ને વધારે લોકો ઈસુના શિષ્યો થવા લાગ્યા પરંતુ આ સમય દરમ્યાન જ, ગ્રીક ભાષી યહૂદિઓએ બીજા યહૂદિઓને દલીલો કરી. તેઓએ ફરીયાદ કરી કે રોજ શિષ્યોને જે વહેંચવામાં આવે છે તેમાંથી તેઓની વિધવાઓને તેઓનો ભાગ મળતો નથી.

2 તે બાર પ્રેરિતોએ આખા સમૂહને બોલાવ્યો. પ્રેરિતોએ તેઓને કહ્યું, “દેવના વચનોનો બોધ આપવાનું આપણું કામ અટકી ગયું છે. તે સારું નથી. લોકોને કંઈક ખાવાનું વહેંચવામાં મદદ કરવા કરતાં દેવના વચનોનો બોધ આપવાનું ચાલુ રાખવું તે વધારે સારું છે.

3 તેથી ભાઈઓ, તમારા પોતાનામાંથી સાત માણસો પસંદ કરો. લોકો જેને સારા માણસો કહે તેવા તે હોવા જોઈએ. તેઓ આત્માથી ભરપૂર અને જ્ઞાનથી ભરપૂર હોવા જોઈએ. આપણે તેઓને આ કામ કરવાનું સોંપીશું.

4 પછી આપણે આપણો બધો સમય પ્રાર્થનામાં તથા વાતની (પ્રભુની) સેવા કરવામાં વાપરી શકીશું.”

5 સમગ્ર સમૂહને આ વિચાર ગમ્યો. તેથી તેઓએ સાત પુરુંષોની પસંદગી કરી. સ્તેફન (વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર માણસ) ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તીમોન, પાર્મિનાસ, અને નિકોલાઉસ (અંત્યોખનો યહૂદિ થયેલો માણસ).

6 પછીથી તેઓએ આ માણસોને પ્રેરિતો સમક્ષ રજૂ કર્યા. પ્રેરિતોએ પ્રાર્થના કરી અને તેઓએ તેઓના હાથ તેઓના પર મૂક્યા.

7 દેવની વાતોને વધારે ને વધારે લોકો સુધી પ્રચાર થતો ગયો. યરૂશાલેમમાં શિષ્યાની સંખ્યા મોટી થતી ગઇ. યહૂદિ યાજકોના મોટા સમૂહો પણ વિશ્વાસને આધીન થયા.


સ્તેફનના વિરોધી યહૂદિઓ

8 સ્તેફનને મહાન આશીર્વાદ પ્રાપ્ત થયો. દેવે સ્તેફનને ચમત્કારો કરવાનું અને લોકોને દેવની સાબિતીઓ બતાવવાનું સાર્મથ્ય આપ્યું.

9 પરંતુ કેટલાક યહૂદિઓ આવ્યા અને સ્તેફનની સાથે દલીલો કરી. આ યહૂદિઓ સભામાંના હતા. તે સભા લિબર્તીની માટેની હતી. (આ સભા કુરેનીના યહૂદિઓ માટેની તથા આલેકસાંદ્રિયાના યહૂદિઓ માટેની હતી.) કિલીકિયા અને આસિયાના યહૂદિઓ તેઓની સાથે હતા. તેઓ બધાએ આવીને સ્તેફન સાથે દલીલો કરી.

10 પરંતુ સ્તેફન આત્માની પ્રેરણાથી જ્ઞાન સાથે બોલતો. તેના શબ્દો એટલા મક્કમ હતા કે યહૂદિઓ તેની સાથે દલીલો કરી શક્યા નહિ.

11 તેથી યહૂદિઓએ કેટલાક માણસોને કહેવા માટે ઊભા કર્યા, “અમે સાંભળ્યું છે કે સ્તેફન, મૂસા અને દેવની વિરૂદ્ધ બોલ્યો.”

12 આમ કરીને આ યહૂદિઓએ લોકોને, વડીલો તથા શાસ્ત્રીઓને મૂંઝવણમાં મૂંક્યા. તેઓ એટલા બધા ઉશ્કેરાયા કે તેઓએ આવીને સ્તેફનને પકડી લીધો. તેઓ તેને યહૂદિઓના બોધકોની સભામાં લઈ ગયા.

13 યહૂદિઓ સભામાં કેટલાક માણસોને લાવ્યા. તેઓએ આ માણસોને સ્તેફન વિષે જૂઠું બોલવાનું કહ્યું. તે માણસોએ કહ્યું, “આ માણસ (સ્તેફન) હંમેશા આ પવિત્ર જગ્યા માટે ખરાબ કહે છે અને હંમેશા તે મૂસાના નિયમશાસ્ત્ર વિરૂદ્ધ દુર્ભાષણ કરે છે.

14 અમે તેને કહેતાં સાંભળ્યો છે કે ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે. તેણે એમ પણ કહ્યું છે કે મૂસાએ આપણને જે રીતરિવાજો આપ્યા છે તેને ઈસુ બદલી નાખશે.”

15 સભામાં બેઠેલા બધા લોકો સ્તેફન તરફ એકી નજરે જોઈ રહ્યા. તેનો ચહેરો એક દૂતના જેવો દેખાતો હતો અને તેઓએ તે જોયો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan