Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 28 - પવિત્ર બાઈબલ


પાઉલ માલ્ટાના ટાપુ પર

1 જ્યારે અમે જમીન પર સલામત હતા અમે જાણ્યું કે ટાપુ માલ્ટા કહેવાતો હતો.

2 તે વખતે વરસાદ વરસતો હતો અને ખૂબ ઠંડી હતી. પણ જે લોકો ત્યાં રહેતા હતા તે અમારા પ્રત્યે ઘણા સારા હતા. તેઓએ અમારા માટે અગ્નિ સળગાવ્યો અને અમારા બધાનું સ્વાગત કર્યુ.

3 પાઉલે આગ માટે થોડીક સૂકી લાકડીઓ ભેગી કરી. પાઉલ તે અગ્નિમાં લાકડા નાખતો હતો ત્યારે ગરમીને કારણે એક ઝેરી સાપ બહાર આવ્યો અને પાઉલના હાથે કરડ્યો.

4 ટાપુ પર લોકોએ પાઉલના હાથ પર સાપને લટકતો જોયો. તેઓએ કહ્યું, “આ માણસ એક ખૂની હોવો જોઈએ. તે સમુદ્ધમાં મૃત્યુ પામ્યો નહિ, પણ ન્યાય તેને જીવતો રહેવા દેવા ઈચ્છતો નથી.”

5 પણ પાઉલે તે સાપને અજ્ઞિમાં ઝટકી નાખ્યો. પાઉલને કોઇ ઇજા થઈ નહિં.

6 લોકો ધારતા હતા કે પાઉલને સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે. લોકોએ રાહ જોઈ અને લાંબા સમય સુધી ધ્યાનથી જોયું. પણ તેનું કંઈ જ ખોટું થયું નહિ. તેથી લોકોએ તેમના પાઉલ વિષેના અભિપ્રાય બદલ્યા. તેઓએ કહ્યું, “તે એક દેવ છે!”

7 ત્યાં તે જ પ્રદેશમાં કેટલાએક ખેતરો હતા. તે ટાપુ પરનો એક મહત્વનો માણસ આ ખેતરોનો માલિક હતો. તેનું નામ પબ્લિયુસ હતું. તેણે તેના ઘરમાં અમારું સ્વાગત કર્યુ. પબ્લિયુસ મારા માટે ઘણો સારો હતો. અમે તેના ઘરમાં ઘણા દિવસ રહ્યા.

8 પબ્લિયુસનો પિતા ઘણો બિમાર હતા. તે તાવને લીધે પથારીવશ હતો. તેને મરડો થયો હતો. પરંતુ પાઉલ તેની પાસે ગયો અને તેના માટે પ્રાર્થના કરી. પાઉલે તેના હાથો તે માણસના માથા પર મૂક્યા અને તેને સાજો કર્યો.

9 આ બનાવ પછી ટાપુ પરના લોકો જેઓ બિમાર હતા તેઓ પાઉલ પાસે આવ્યા. પાઉલે તેઓને પણ સાજા કર્યા.

10-11 ટાપુ ઉપરના લોકોએ અમને ઘણા માન સાથે ઘણી ભેટો આપી. ત્યાં અમે ત્રણ માસ રહ્યા. જ્યારે અમે વિદાય થવા તૈયાર થયા, લોકોએ અમને અમારી જરુંરી વસ્તુઓ આપી. અમે આલેકસાંદ્રિયા શહેરમાંથી એક વહાણમાં બેઠા. તે વહાણ શિયાળાના સમય દરમ્યાન માલ્ટા ટાપુ પર રહ્યુ. વહાણની સામે દિયોસ્કુરીની નિશાની હતી.


પાઉલનું રોમમાં ગમન

12 અમે સુરાકુસમાં આવ્યા ત્યાં સુરાકુસમાં ત્રણ દિવસ રહ્યા અને પછી વિદાય થયા.

13 અમે રેગિયુમ શહેરમાં આવી પહોંચ્યા. બીજે દિવસે દક્ષિણમાંથી પવન ફૂંકાવાની શરુંઆત થઈ. તેથી અમે વિદાય થવા સાર્મથ્યવાન થયા. એક દિવસ પછી અમે પુત્યોલી શહેરમાં આવ્યા.

14 અમને ત્યાં કેટલાએક વિશ્વાસીઓ મળ્યા. તેઓએ પોતાની સાથે એક અઠવાડિયું રહેવા માટે કહ્યું. આખરે અમે રોમ આવ્યા.

15 રોમના વિશ્વાસીઓએ જાણ્યું કે અમે અહી હતા. તેઓ અમને આપિયસના બજારમાં અને ત્રણ ધર્મશાળાઓમાં મળવા માટે સામા આવ્યા. જ્યારે પાઉલે આ વિશ્વાસીઓને જોયા, તેને વધારે સારું લાગ્યું. પાઉલે દેવનો આભાર માન્યો.


રોમમાં પાઉલ

16 પછી અમે રોમ ગયા. રોમમાં પાઉલને એકલા રહેવાની છૂટ મળી. પણ એક સૈનિક તેની ચોકી માટે પાઉલની સાથે રહ્યો.

17 ત્રણ દિવસ પછી પાઉલને કેટલાએક મહત્વના યહૂદિઓના મુખ્ય માણસોને ભેગા બોલાવ્યા. જ્યારે તેઓ ભેગા થયા. પાઉલે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, મેં આપણા લોકોની વિરૂદ્ધ કશું જ કર્યુ નથી. મેં આપણા પૂર્વજોના રિવાજો વિરૂદ્ધ પણ કંઈ કર્યુ નથી. પરંતુ મને યરૂશાલેમમાં પકડીને રોમનોને હવાલે કરવામાં આવ્યો છે.

18 તે રોમનોએ મને ઘણા પ્રશ્રો પૂછયા. પરંતુ તેઓએ કયા કારણે મને મરણદંડ માટે યોગ્ય ગણવા તે માટે તેઓ કોઇ કારણ શોધી શક્યા નથી. તેથી તેઓ મને મુક્ત કરી દેવા ઇચ્છતા હતા.

19 પણ ત્યાંના યહૂદિઓને તે જોઈતું ન હતું. તેથી મેં મારા ન્યાય માટે વાંધો ઊઠાવ્યો અને કૈસર આગળ રોમમાં આવવા માટે કહેવું પડ્યું. પરંતુ હું એમ કહેતો નથી કે મારા લોકોએ કાંઇક ખોટું કર્યુ છે.

20 તે કારણે હું તમને મળવા અને તમારી સાથે વાત કરવા ઇચ્છતો હતો. હું આ સાંકળોથી બંધાયેલો છું કારણ કે મને ઇસ્ત્રાએલની આશામાં વિશ્વાસ છે.”

21 યહૂદિઓએ જવાબ આપ્યો, “અમને યહૂદિઓમાંથી તારા વિષે કોઇ પત્ર મળ્યો નથી. જે યહૂદિ ભાઈઓ ત્યાંથી મુસાફરી કરીને આવ્યા છે તેમાંના કોઇ તારા વિષેના સમાચાર લાવ્યા નથી કે અમને તારા વિષે કંઈ ખરાબ કહ્યું નથી.

22 અમને તારા વિચારો સાંભળવાની ઈચ્છા છે. અમે જાણીએ છીએ કે બધી જ જગ્યાએ લોકો આ સમૂહની વિરૂદ્ધ બોલે છે.”

23 પાઉલે અને યહૂદિઓએ સભા માટે એક દિવસ પસંદ કર્યો. તે દિવસે એ યહૂદિઓના ઘણા લોકો પાઉલની પાસે તેના ઉતારામાં આવ્યા. પાઉલ આખો દિવસ તેમની સમક્ષ બોલ્યો. પાઉલે તેમને દેવના રાજ્યની સમજણ આપી. પાઉલે ઈસુ વિષેની વાતોમાં વિશ્વાસ કરવા તેઓને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. તેણે મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોના ધર્મશાસ્ત્રનો ઉપયોગ આ કરવા માટે કર્યો.

24 કેટલાએક યહૂદિઓએ પાઉલે કહેલી વાતોમાં વિશ્વાસ કર્યો, પણ બીજાઓએ તેમાં વિશ્વાસ ન કર્યો.

25 તેઓ દલીલ કરતા હતા. યહૂદિઓ જવા તૈયાર હતા, પણ પાઉલે તેમને એક વધારાની બાબત કહીં, “પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક દ્ધારા તમારા પૂર્વજોને સત્ય કહ્યું છે. તેણે કહ્યું,

26 ‘આ લોકો પાસે જાઓ અને તેઓને કહો: તમે ધ્યાનથી સાંભળશો, પણ તમે સમજી શકશો નહિ! તમે જોશો અને તમે જોયા કરશો, પણ તમે જે જુઓ છો તે સમજી શકશો નહિ!

27 હા, આ લોકોના મન નબળા થઈ ગયા છે. આ લોકોને કાન છે, પણ તેઓ ધ્યાનથી સાંભળતા નથી. અને આ લોકો સત્ય જોવાની ના પાડે છે. આમ બન્યું છે તેથી તેઓ તેઓની પોતાની આંખો વડે પણ જોઈ શક્તા નથી, તેઓના કાનોથી સાંભળે છે, અને તેઓના મનથી સમજે છે. આમ બન્યું છે તેથી તેઓ મારી પાસે તેઓના સાજા થવા માટે પણ આવશે નહિ.’

28 “હે યહૂદિઓ, હું તમને જણાવવા ઈચ્છું છું કે દેવે બિનયહૂદિ લોકો માટે તેનું તારણ મોકલ્યું છે. તેઓ ધ્યાનથી સાંભળશે!” [

29 પાઉલે આ વાતો કહી ત્યાર પછી, યહૂદિઓ ચાલ્યા ગયા. તેઓ માંહોમાંહે ઘણો વાદવિવાદ કરતા હતા.]

30 પાઉલ પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યો. જેઓ તેને મળવા ત્યાં આવતા હતા. તે બધા લોકોનો તેણે આદરસત્કાર કર્યો.

31 પાઉલે દેવના રાજ્ય વિષેનો બોધ આપ્યો. તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે શીખવ્યું. તે ઘણો બહાદૂર હતો, અને કોઇએ તેને બોલતાં અટકાવવા પ્રયત્ન કર્યો નહિ.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan