Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 થેસ્સલોનિકીઓ 3 - પવિત્ર બાઈબલ


અમારા માટે પ્રાર્થના કરો

1 ભાઈઓ અને બહેનો, હવે અમારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે પ્રભુની વાતનો ઝડપી ફેલાવો થાય અને પ્રાર્થના કરો કે જેમ તમે તે વાતને સન્માનેલ, તેમ અન્ય લોકો પણ તેને સન્માને.

2 અને પ્રાર્થના કરો કે અનિષ્ટ અને દુષ્ટ મનુષ્યોથી અમારું રક્ષણ થાય. (બધા જ લોકો પ્રભુમાં વિશ્વાસ ધરાવતા નથી.)

3 પરંતુ પ્રભુ વિશ્વસનીય છે. તે તમને સાર્મથ્ય પ્રદાન કરશે અને દુષ્ટ (શૈતાન) થી તમારું રક્ષણ કરશે.

4 અમે તમને જે કહેલુ તે જ પ્રમાણે તમે કરી રહ્યાં છો, તેવી પ્રભુ અમને નિશ્ચિતપણે ખાતરી કરાવશે. અને અમે જાણીએ છીએ કે તમે તેમ કરવાનું ચાલુ જ રાખશો.

5 અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારા હદયોને દેવના પ્રેમ તરફ અને ખ્રિસ્તના ધૈર્ય તરફ દોરો.


કાર્યપરાયણતા

6 ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાર્મથ્ય (અધિકાર) વડે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે જે કોઈ વિશ્વાસુ કામ કરવાનો ઈન્કાર કરે છે તેનાથી તમે દૂર રહો. જે લોકો કામ કરવા ઈન્કાર કરે છે, તેઓ અમે જે શિક્ષણ આપ્યું છે તેને અનુસરતા નથી.

7 તમે પોતે જાણો છો કે તમારે એ રીતે જીવવું જોઈએ જે રીતે અમે જીવીએ છીએ. તમારી સાથે જ્યારે અમે હતા, ત્યારે અમે આળસુ ન હતા.

8 અને જ્યારે અમે અન્ય લોકોનું અન્ન આરોગ્યું હતુ ત્યારે અમે હમેશા તેનું મૂલ્ય ચૂકવ્યું હતું. તમારા કોઈ માટે અમે બોજારુંપ ન બનીએ તેથી અમે ઘણું કામ કર્યુ હતું. અમે રાત દિવસ કામ કર્યુ હતું.

9 અમને મદદ કરવાનું તમને કહી શકવાનો અમને અધિકાર હતો. પરંતુ અમારી જાતની કાળજી લેવા પૂરતી તો અમે મહેનત કરી જ હતી. જેથી કરીને તમારા માટે અમે એક અનુસરવા યોગ્ય નમૂનો બની શકીએ.

10 જ્યારે અમે તમારી સાથે હતા, અમે તમને આ નિયમ આપ્યો હતો: “જો વ્યક્તિ કામ ન કરે તો, તેણે ખાવું નહિ.”

11 અમે એવું સાંભળીએ છીએ કે તમારા સમૂહમાં કેટલાએક લોકો ઉદ્યોગ કરતા નથી. તેઓ કશું જ કરતા નથી. અને તે લોકો બીજા લોકોના જીવનવ્યહારમાં ઘાલમેલ કરે છે.

12 અમે આવા લોકોને આજ્ઞા કરીએ છીએ કે તેઓ બીજા લોકોને હેરાન ન કરે. અમે તેઓને આજ્ઞા કરીએ છીએ કે ઉદ્યોગ કરીને પોતાની આજીવિકા પોતે જ કમાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમે તેમને આમ કરવા વિનવીએ છીએ.

13 ભાઈઓ અને બહેનો, ભલું કરતાં થાકશો મા.

14 જો કોઈપણ વ્યક્તિ અમે આ પત્રમાં જે કરીએ છીએ તે માને નહિ, તો તે વ્યક્તિને ધ્યાનમાં રાખજો તેની સાથે સંકળાશો નહિ પરિણામે કદાચ તે પોતેજ શરમિંદો બને.

15 તો પણ તેને શત્રું ન ગણો, ભાઈ જાણીને તેને શિખામણ આપો.


અંતિમ શબ્દો

16 અમે પ્રાર્થના કરીએ છીએ કે શાંતિનો પ્રભુ તમને શાંતિ બક્ષો. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે તમને પ્રત્યેક સમયે અને પ્રત્યેક પ્રકારે શાંતિ આપો. પ્રભુ તમારા બધાની સાથે હો.

17 હું પાઉલ છું, અને મારા પોતાના હસ્તાક્ષરથી આ પત્રને વિરમવું છું. મારા બધાજ પત્રોમાં એ નિશાની છે એવી રીતે હું આ લખું છું.

18 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan