Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 20 - પવિત્ર બાઈબલ


હિઝિક્યાની માંદગી

1 આ સમય દરમ્યાન રાજા હિઝિક્યા મરણતોલ માંદગીમાં સપડાયો, ત્યારે આમોસના પુત્ર યશાયા પ્રબોધકે તેની મુલાકાતમાં રાજાને કહ્યું, “આ યહોવાનાં વચન છે, ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા જે કરવી હોય તે કરી લે, મરણની તૈયારી કર, હવે તું સાજો થવાનો નથી.’”

2 ત્યારે હિઝિક્યાએ ભીત તરફ મોં કરી યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી;

3 “ઓ યહોવા, એટલું ધ્યાનમાં રાખજે, અને યાદ રાખજે કે હું સફળ અને પ્રામાણિક જીવન જીવ્યો છું” અને તે ચોધાર આંસુએ રડી પડયો.

4 યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, તેને યહોવાની વાણી સંભળાઈ કે,

5 “તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝિક્યાને કહે કે, ‘આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાનાં વચન છે: મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. હું તને સાજો કરીશ અને આજથી ત્રિજે દિવસે તું મંદિરે જઈશ.

6 હું પંદર વર્ષ તારું આયુષ્ય વધારીશ. તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઈશ. મારી પોતાની અને મારા સેવક દાઉદને આપેલ વચન માટે હું એનું રક્ષણ કરીશ.’”

7 યશાયાએ કહ્યું, “અંજીરની પોટીસ લાવીને તેના ગૂંમડા પર લગાવો અને રાજા સાજો થઈ જશે.”

8 પછી હિઝિક્યાએ યશાયાને પૂછયું, “યહોવા મને સાજો કરી દેશે અને હું ત્રીજે દિવસમાં મંદિરે જઈશ, એની એંધાણી શી?”

9 યશાયાએ કહ્યું, “આ એંધાણી યહોવા તરફથી આવે છે. હાં, તેમણે જેનું વચન આપ્યું હતું તે જરુર કરે છે. આ છાંયડો 10 ડગલા આગળ જાય કે 10 ડગલા પાછો જાય.”

10 ત્યારે હિઝિક્યાએ કહ્યું, “છાંયડોને 10 ડગલા આગળ જવું તો સહેલું છે, પણ એ 10 ડગલા પાછળ જાય એમ કરો.”

11 પ્રબોધક યશાયાએ યહોવાને મોટેથી પોકાર કર્યો, છાંયડાને 10 ડગલા પાછળ હઠાવ્યો, આ રીતે સૂર્ય આહાઝના સૌર-ઘડિયાલ પર ક્ષીણ થયો.


બાબિલનો માણસ અને હિઝિક્યા

12 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના પુત્ર બરોદાખ-બાલઅદાને કેટલાક માણસોને શુભેચ્છા પત્રો અને ભેટ લઈને હિઝિક્યા પાસે મોકલ્યા કારણ કે તેણે તેની માંદગીના સમાચાર જાણ્યા હતા.

13 હિઝિક્યાએ તેઓનો આભાર માન્યો અને તેઓને પોતાનો આખો ખજાનો બતાવ્યો, તેના ભંડારના બધા જ ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ અને શસ્રભંડાર એ સર્વ તેને બતાવ્યું.

14 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “એ લોકો કયાંથી આવ્યા અને તેમણે શું કર્યુ?” હિઝિક્યાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”

15 યશાયાએ પૂછયું, “એ લોકોએ તારા મહેલમાં શું શું જોયું?” હિઝિક્યાએ કહ્યું, “એ લોકોએ મારા મહેલમાં બધું જ જોયું છે. જે કંઇ પણ ભંડારમાં હતું તે બધું તેમણે જોયું છે, ત્યાં કંઇ બાકી નહોતું રાખ્યું જે મેં તેમને ન બતાવ્યું હોય.”

16 ત્યારે યશાયાએ કહ્યું, “યહોવાનાં વચન સાંભળ, તે કહે છે;

17 એવો સમય આવી રહ્યો છે જયારે તારા મહેલમાંનું બધું જ, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ ભેગું કર્યુ છે તે બધું જ, બાબિલ લઇ જશે. કશું જ બાકી રહેશે નહિ.

18 અને તારા પોતાના પુત્રોને લઈ જઈને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.”

19 હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાનાં જે વચન સંભળાવ્યાં તે સારાં છે.” તેણે વિચાર્યુ કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને?”

20 હિઝિક્યાનાઁ શાસનનાં બીજા બનાવો અને તેણે કરેલા કાર્યોની તથા તેણે નગરમાં પાણી લાવવા માટે બંધાવેલાં નહેરો અને બંધો આ બધું યહૂદાના રાજાઓનાં ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

21 એ પછી હિઝિક્યા પિતૃલોકને પામ્યો એટલે તેનો પુત્ર મનાશ્શા તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કરવા લાગ્યો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan