૨ રાજા 16 - પવિત્ર બાઈબલઆહાઝનું યહૂદા પર શાસન 1 રમાલ્યાના પુત્ર પેકાહના શાસનનું 17મું વર્ષ ચાલતું હતું, યહૂદાના રાજા યોથામનો પુત્ર આહાઝ રાજા બન્યો. 2 જ્યારે તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી, તેણે યરૂશાલેમ પર 16 વર્ષ શાસન કર્યુ, તેણે દાઉદની જેમ પોતાના દેવ યહોવાની દૃષ્ટિએ યોગ્ય ગણાય એવું કંઇ કર્યું નહિ. 3 તે ઇસ્રાએલી રાજાઓને પગલે ચાલ્યો; તેણે પોતાના પુત્રને પણ અગ્નિની આરપાર ચલાવ્યો હતો. આ એ લોકો દ્ધારા અનુસરાતી ઘૃણાજનક પ્રણાલી હતી, જેમને યહોવાએ ઇસ્રાએલમાંથી હાંકી કાઢયા હતાં જ્યારે તેમણે ઇસ્રાએલ પર હુમલો કર્યો હતો 4 ત્યારે ડુંગરોને ટેકરીઓ પરનાં થાનકોએ, અને દરેક ઘટાદાર વૃક્ષો નીચે તે યજ્ઞો અને ધૂપ ચડાવતો. 5 આ સમય દરમ્યાન અરામના રાજા રસીન અને ઇસ્રાએલના રાજા પેકાહ બિન રમાલ્યાએ યરૂશાલેમ પર ચડાઈ કરી આહાઝને ઘેરી લીધો, પણ તેને નમાવી ન શકયા. 6 તે જ સમયે અરામના રાજા રસીને એલાથને પાછું કબજે કરી લીધું, ને તેણે એલાથમાંથી યહૂદીઓને હાંકી કાઢયાં. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા. આજ સુધી તેઓ ત્યાં જ છે. 7 પછી આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ પિલેસેરને સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “હું તથા આપના પુત્ર બરાબર છીએ. અને આપનો સેવક છું, આવો, અને ઇસ્રાએલના રાજાઓ અને અરામીઓ સામે લડવામાં મારી મદદ કરો.” 8 આહાઝે મંદિરમાંના અને રાજમહેલના ભંડારમાંના સોનું તથા ચાંદી લઈને આશ્શૂરના રાજાને ભેટ મોકલી આપ્યાં. 9 આશ્શૂરના રાજાએ તેની વિનંતી માન્ય રાખી અને દમસ્ક પર ચડાઈ કરી તે કબજે કર્યું. અને ત્યાંના વતનીઓને કીરમાં દેશવટો આપ્યો અને અરામના રાજા રસીનને મારી નાખવામાં આવ્યો. 10 રાજા આહાઝ જયારે આશ્શૂરના રાજા તિગ્લાથ પિલેસેરને મળવા દમસ્ક ગયો ત્યારે તેણે દમસ્કની વેદી જોઈ, પછી તેણે એ વેદીનાં બધાં માપ સાથેની આકૃતિ યાજક ઊરિયાને મોકલી. 11 પછી દમસ્કથી આહાઝે મોકલેલી રૂપરેખા પ્રમાણે યાજક ઊરિયાએ યરૂશાલેમમાં એક વેદી બંધાવી. આહાઝ દમસ્કથી પાછો ફરે તે પહેલાં તેણે વેદી તૈયાર કરાવી દીધી. 12 રાજાએ પાછા આવીને વેદી જોઈ, તેની પાસે જઈ, પર ચડી, 13 અને પોતાના તરફથી દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ ચડાવ્યાં અને પોતે ચડાવેલાં શાંત્યર્પણનાં પશુઓનું લોહી વેદી પર છાંટયું. 14 મંદિરની આગળ ઉભી કરેલી કાંસાની વેદીને તેણે ખસેડીને નવી વેદીની ઉત્તર તરફ મૂકાવી દીધી. એટલે કે મંદિર અને નવી વેદીની વચ્ચે. 15 પછી રાજા આહાઝે યાજક ઊરિયાને આજ્ઞા કરી કે, “હવેથી તમારે સવારની આહુતિ અને સાંજનું અર્પણ અને રાજાના અર્પણો બધા લોકોની આહુતિ અને પેયાર્પણો બધુ આ મોટી વેદી પર જ ચડાવવું. દરેક બલિદાનોનું લોહી અને બધાં અર્પણોનું લોહી તેની પર જ છાંટવું. કાંસાની વેદી ફકત મારી એકલાની જ રહેશે.” 16 યાજક ઊરિયાએ રાજાના કહ્યા પ્રમાણે બધું કર્યું. 17 રાજા આહાઝે ખસતી ઘોડીઓની આડી પાટડીઓ કાઢી નાખી, અને તેમાથી કૂંડીઓ હટાવી દીધી, અને કાંસાના બળદો પર જ્યાં તેમને રાખી હતી ત્યાંથી ઉપાડીને પથ્થરની ઘોડી પર મૂકી દીધી. 18 આશ્શૂરના રાજાને પ્રસન્ન કરવા માટે તેણે મંદિરમાંથી પડદાવાળી બેસવાની જગ્યા અને બહારનો દરવાજો પણ દૂર કરી નાખ્યો. 19 આહાઝના શાસનનાં બીજાં બધાં કાર્યો યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 20 અને એ પછી રાજા આહાઝ મૃત્યુ પામ્યો અને તે પિતૃઓ ભેગો પોઢી ગયો, અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર હિઝિક્યા ગાદીએ આવ્યો. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International