૨ રાજા 13 - પવિત્ર બાઈબલયહોઆહાઝનું શાસન 1 જ્યારે યહૂદાના રાજા યોઆશ રાજયકાળના ત્રેવીસમા વર્ષમાં હતો ત્યાંરે યેહૂનો પુત્ર યહોઆહાઝ ઇસ્રાએલનો રાજા બન્યો. તેણે સમરૂનમાં સત્તર વર્ષ રાજ કર્યું. 2 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ અને નબાટના પુત્ર યરોબઆમે જે પાપકર્મો કર્યા હતા તે ચાલુ રાખ્યાં, તેણે તે છોડ્યા નહિ. 3 તેથી યહોવા ઇસ્રાએલીઓ પર ગુસ્સે થયા. અને તેણે તેમને વર્ષો સુધી અરામના રાજા હઝાએલને અને તેના પુત્ર બેન-હદાદને ગુલામ તરીકે સોંપી દીધાં. ઇસ્રાએલીઓ પર દયાળુ દેવ 4 પરંતુ યહોઆહાઝે યહોવાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી અને યહોવાએ તેની પ્રાર્થના સાંભળી, કારણ અરામના રાજાએ ઇસ્રાએલના લોકોને કેવો ત્રાસ આપ્યો હતો, તે તેણે જોયું હતું. 5 યહોવાએ ઇસ્રાએલને એક છોડાવનાર આપ્યો અને તેણે ઇસ્રાએલીઓને અરામના પંજામાંથી મુકત કર્યા અને તેઓ ફરી પોતાનાં ઘરમાં પહેલાંની જેમ સુખશાંતિમાં રહેવા લાગ્યા. 6 છતાં યરોબઆમે તેમની પાસે જે પાપકર્મો કરાવ્યાં હતાં તે તેમણે છોડયાં નહિ. સમરૂનમાં અશેરા દેવીની એક પ્રતિમા પણ હતી. 7 યહોઆહાઝ પાસે કોઇ સૈન્ય નહોતું સિવાય કે 50 ઘોડેસવાર, 10 રથ અને 10,000 સૈનિકો કારણ કે અરામના રાજાએ તેના બાકીના સૈન્યનો નાશ કરી નાખ્યો હતો. 8 યહોઆહાઝના શાસનના બીજાં બનાવો અને તેણે કરેલાં કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 9 પછી યહોઆહાઝ મરી ગયો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો, પછી તેનો પુત્ર યોઆશ ગાદી પર બેઠો. યોઆશનું ઇસ્રાએલ પર શાસન 10 જ્યારે યહૂદાના રાજા યોઆશના શાસનના સાડત્રીસ વર્ષમાં હતો, ત્યારે યહોઆહાઝનો પુત્ર યોઆશ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે સોળ વર્ષ રાજ કર્યું, 11 તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું અને નબાટના પુત્ર યરોબઆમે જે પાપ કર્મો કર્યા હતાં તે કરવાનું તેણે ચાલું રાખ્યું, તેણે તે વસ્તુઓ છોડી નહિ. 12 રાજાનું શાસન, તેમાં બનેલા અને તેણે કરેલાં મહાન કાર્યો તેણે યહૂદાના અમાસ્યા સામે લડેલી લડાઇ સહિત, બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલું છે. 13 અને, યોઆશ મરી ગયો અને તેને સમરૂનમાં ઇસ્રાએલના બધા રાજાઓ ભેગો દફનાવવામાં આવ્યો પછી, તેની જગ્યાએ, યરોબઆમ રાજા બન્યો. એલિશાની મુલાકાતે યહોઆશ 14 જયારે એલિશા ભયંકર માંદગીમાં પથારીવશ થઈ ગયો ત્યારે ઇસ્રાએલનો રાજા યોઆશ તેની પાસે જઈને રડવા લાગ્યો અને બોલ્યો, “હે મારા પિતા! મારા પિતા! તમે તો ઇસ્રાએલના રથ અને ઘોડેસવાર છો!” 15 એલિશાએ કહ્યું, “ધનુષબાણ લઈ આવ.” અને તેણે ધનુષબાણ મંગાવ્યાં. 16 પછી એલિશાએ રાજાને કહ્યું, “ધનુષ્ય પર બાણ ચડાવ.” અને તેણે ચડાવ્યું, એલિશાએ પોતાના હાથ તેના હાથ પર મૂકયા અને કહ્યું, 17 “પૂર્વ તરફની બારી ઉઘાડી નાખ.” અને યોઆશે તેમ કર્યુ, પછી એલિશાએ કહ્યું, “બાણ છોડ.” અને તેણે છોડયું, એટલે એલિશા બોલ્યો, “એ અરામ પરના યહોવાના વિજયનું બાણ હતું. તું અરામને એફક પાસે પૂરેપૂરી હાર આપીશ!” 18 “હવે બીજા બાણ ઉપાડી લે.” એલિશાએ કહ્યું, રાજાએ બાણ ઉપાડી લીધાં એટલે એલિશાએ કહ્યું, “જમીન પર પછાડ.” રાજાએ ત્રણ વાર પછાડયાં અને પછી તે અટકી ગયો. 19 તેથી દેવના માણસ એલિશા તેના પર ગુસ્સે થયા અને રાજાને કહ્યું, “તારે જમીનમાં પાંચ કે છ બાણ મારવા જોઈતા હતાં. જો એમ કર્યું હોત તો અરામીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય ત્યાં સુધી તેં તેઓને પરાજય આપ્યો હોત, હવે તું અરામને ફકત ત્રણ જ વાર હરાવી શકીશ.” એલિશાની સમાધિ પાસે અદ્ભૂત 20 ત્યારબાદ એલિશાનું મૃત્યુ થયું અને તેને દફનાવવામાં આવ્યો. વરસોવરસ મોઆબી દરોડાખોરોની ટોળીઓ દેશ પર આક્રમણ કરતી હતી. 21 એક વખત થોડાં લોકો (ઇસ્રાએલીઓ) એક માણસને દફનાવતા હતા. જેવા ઇસ્રાએલીઓએ મોઆબી સૈનિકોને જોયા, લોકો મૃતદેહને એલિશાની કબરની અંદર ફેંકી દઈને ભાગી ગયા. જેવો મૃતદેહ એલિશાનાં હાડકાંને અડ્યો કે મૃત માણસ જીવતો થઈ ગયો અને ઊઠીને ઊભો થઈ ગયો. ઇસ્રાએલી શહેરો ફરી જીતતો યહોઆશ 22 યહોઆહાઝના સમગ્ર રાજયશાસન દરમ્યાન અરામના રાજા હઝાએલે ઇસ્રાએલીઓ પર ત્રાસ ગુજાર્યો હતો. 23 પણ યહોવાએ કૃપા કરીને તેમની દયા ખાધી. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારને કારણે તેની તેમના પ્રત્યે કૃપાદૃષ્ટિ હતી અને તેમનો નાશ કરવાની તેની ઇચ્છા નહોતી, તેમ અત્યાર સુધી તેણે તેમને પોતાની નજરથી દૂર પણ કર્યા નથી. 24 અરામનો રાજા હઝાએલ મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર બેનહદાદ તેની ગાદીએ આવ્યો. 25 ત્યાર પછી યોઆશે તેમને ત્રણ વખત પરાજય આપ્યો, અને જે શહેરો હઝાએલના પિતા બેનહદાદે તેના પિતા યહોઆહાઝ પાસેથી લઇ લીધાં હતાં તે પાછાં કબજે કર્યાં. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International