Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 12 - પવિત્ર બાઈબલ


યોઆશ શાસન કરે છે

1 યેહૂના ઇસ્રાએલના રાજા તરીકેના શાસનના સાતમે વર્ષે યોઆશ રાજા બન્યો હતો, અને તેણે યરૂશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યુ હતું. તેની માનું નામ સિબ્યા હતું અને તે બેરશેબાની હતી.

2 યહોયાદા યાજકના ઉપદેશાનુસાર તેણે જીવન પર્યત યહોવાની નજરમાં સાચાં ગણાય એવાં કાર્યો કર્યા હતાં.

3 તેમ છતાં ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતાં, અને લોકોએ ત્યાં ધૂપ ચડાવવાનું અને દહનાર્પણો ચાલુ રાખ્યા હતા.


યહોઆશનો મંદિર જીણોર્દ્ધારનો હુકમ

4 યોઆશે યાજકોને કહ્યું હતું કે, “મંદિરમાં અર્પણ તરીકે આવેલી રકમ, માથાદીઠ ઉઘરાવેલી જકાત, તથા લોકોએ સ્વેચ્છાએ મંદિરમાં આપેલી રકમ યાજકોએ સ્વીકારવી જોઇએ.

5 અને જયાં જયાં મંદિરમાં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરાવે.”

6 પરંતુ યાજકોએ યોઆશ રાજાના ત્રેવીસમા વર્ષ સુધી મંદિરમાં જરૂરી કોઈ પણ પ્રકારનું સમારકામ કરાવ્યું નહોતું.

7 તેથી રાજાએ બીજા યાજકોને બોલાવડાવ્યા, અને તેમને પૂછયું, “તમે મંદિરનું સમારકામ કેમ કરાવતા નથી? હવેથી તમારે તમારા ભંડારમાંથી કોઇ પૈસા લેવાના નથી, કારણ કે તે પૈસા તમને મંદિરના સમારકામ માટે આપવામાં આવ્યા હતાં.”

8 યાજકો લોકો પાસેથી કોઇ પૈસા ન લેવા તેમજ મંદિરનું સમારકામ બંધ કરાવવા માટે કબૂલ થયાં.

9 પછી યહોયાદા યાજકે એક મોટી પેટી બનાવડાવી, તેના ઢાંકણામાં કાણું પડાવ્યું અને તેણે એ પેટીને મંદિરના પ્રવેશદ્વાર પાસે બલિદાનની વેદીની જમણી બાજુએ મૂકાવી. મંદિરના દરવાજે કામ કરતા યાજકો લોકો મંદિરમાં જે કોઈ પૈસા લાવતા તે બધાં તે પેટીમાં નાખતા.

10 તેમાં મૂકેલાં નાણાંથી પેટી જયારે ભરાઈ જતી ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક એ નાણાં ગણીને થેલીઓમાં મૂકતાં હતાં.

11 પછી એ તોળેલાં-ગણેલાં નાણાં તેઓ સમારકામ પર દેખરેખ રાખનારાઓને આપતા હતા. તેઓ આ નાણાં સુથાર, કડિયા,

12 લાકડાના વેપારીઓ, પથ્થર અને ઇટના વેપારીઓ, અને જેઓએ યહોવાના મંદિરના બાંધકામ માટે સામગ્રી આપી હોય તેમને અને યહોવાના મંદિરના સમારકામ માટેની સામગ્રી લેવા માટે આપતા હતા.

13 આ નાણાં યાજકો યહોવાના મંદિર માટે વાપરતા હતાં પણ ચાંદીનાં પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઇપણ જાતના સોના-ચાંદીના વાસણો આ પૈસામાંથી નહોતા લેતાં.

14 પણ તેઓ આ નાણાંમાંથી કારીગરોને મજૂરી ચૂકવતા અને સમારકામનું ખર્ચ કરતા.

15 જે દેખરેખ રાખનારા મુકાદૃમોને એ નાણાં કારીગરોને ચૂકવવા માટે આપવામાં આવતાં હતાં તેમની પાસે કશો હિસાબ માગવામાં આવતો નહોતો, કારણ કે તેઓ પ્રામાણિક અને વિશ્વાસુ હતા.

16 દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાના મંદિરમાં લાવવામાં આવતાં નહિ; એ સીધાં યાજકોને તેમના પોતાના ઉપયોગ માટે આપવામાં આવતાં હતાં. આ નાણાં પેલી પેટીમાં મૂકવામાં આવતાં નહિ.


યરૂશાલેમને ઇસ્રાએલથી બચાવતો હઝાએલ

17 આ અરસામાં અરામનો રાજા હઝાએલ ગાથની સામે યુદ્ધે ચડયો અને તેને કબજે કરી યરૂશાલેમ પર હુમલો કરવાની તૈયારી કરવા લાગ્યો.

18 તેથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજાઓ યહોશાફાટે, યહોરામે તથા અહાઝયાએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની અર્પણ કરેલી વસ્તુઓ, તેમજ યહોવાના મંદિરના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને અરામના રાજા હઝાએલ પર મોકલ્યાં; એટલે તે યરૂશાલેમથી જતો રહ્યો.


યહોઆશનું મૃત્યુ

19 યોઆશના બીજાં કાર્યો અને તેના શાસન દરમ્યાન બનેલા બનાવો યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખાયેલાઁ છે.

20 તેના પોતાના નોકરો તેની વિરૂદ્ધ થઇ ગયાં. અને સિલ્લાના માર્ગ પર આવેલા મિલ્લો મુકામે તેના પોતાના ઘરમાં તે માર્યો ગયો.

21 તેને ઇજા કરીને મારનાર લોકો શિમઆથનો પુત્ર યોઝાખાર અને શોમેરનો પુત્ર યહોઝાબાદ હતા. તેમણે તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવી દીધો અને તેના પુત્ર અમાસ્યાને તેની પછી રાજા બનાવવામાં આવ્યો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan