Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 11 - પવિત્ર બાઈબલ


યહૂદાની અથાલ્યાનું શાસન

1 અહાઝયાની માતા અથાલ્યાએ જાણ્યું કે તેનો પુત્ર મરણ પામ્યો છે, તે સમયે તેણે રાજાના કુટુંબનો સંહાર કરવાનું શરૂ કર્યું.

2 પણ રાજકુમારોની હત્યા ચાલતી હતી ત્યાં અહાઝયાની બહેન અને રાજા યોરામની પુત્રી યહોશેબાએ અહાઝયાના પુત્ર યોઆશને અને તેની દાસીને લઇ જઇને શયનખંડમાં પૂરી દીધાં આમ, તેણે તેને અથાલ્યાથી છુપાવી દીધો અને તેનો વધ થતો રહી ગયો,

3 તે છ વર્ષ સુધી દાસી સાથે યહોવાના મંદિરમાં છુપાઈ રહ્યો અને એ દરમ્યાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી.

4 સાતમે વર્ષે મુખ્ય યાજક યહોયાદાએ રાજાના અને મહેલના રક્ષણદળને અને તેના નાયકોને બોલાવી મંગાવ્યા. અને તેમને મંદિરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે તેમની સાથે યહોવાના મંદિરમાં કરાર કર્યો. પછી તેણે તે લોકોને રાજકુમારને બતાડ્યો અને તેમની પાસે વચન લેવડાવ્યા.

5 “તમારે આ પ્રમાણે કરવાનું છે: તમારી પાસે સૈન્યની ત્રણ ટૂકડી છે, જેઓ વિશ્રામવારે ફરજ પર આવે છે. તેમાની એક ટૂકડીએ મહેલની ચોકી કરવાની છે.

6 બીજી અને ત્રીજી ટૂકડીના માણસો મુખ્ય દરવાજે અને પાછળના દરવાજે ચોકી કરે. આ રીતે તમે લોકોને મંદિરથી દૂર રાખી શકશો.

7 જેઓને વિશ્રામવારે રજા છે તે બે ટુકડીઓએ યહોવાના મંદિરે પહેરો ભરી પોતપોતાનાં શસ્રો સાથે રાજાનું રક્ષણ કરવાનું છે. જે કોઈ તમારી હરોળને ભેદવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવાનો છે.

8 રાજા જયાં જયાં જાય કે આવે, ત્યાં ત્યાં તમારે તેની સાથે રહેવાનું છે.”

9 તેથી અધિકારીઓએ યહોયાદાની આજ્ઞાનું પાલન કર્યું, તેમણે વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકઠા કર્યા અને તેમને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા.

10 યાજકે સો સૈનિકોની ટૂકડીના નેતાને રાજા દાઉદના ભાલા અને ઢાલ આપ્યાં જે યહોવાના મંદિરમાં રખાયા હતાં.

11 પછી એ રક્ષકો શસ્ર સજીને મંદિરના દક્ષિણ ખૂણાથી તે ઉત્તર ખૂણા સુધી, વેદીને અને યહોવાના મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવાઈ ગયા.

12 પછી યહોયાદા રાજકુંવર યોઆશને સંતાડયો હતો ત્યાંથી બહાર લઈ આવ્યા. અને તેના માથા પર રાજમુગટ મૂકયો. તેને કરારની નકલ આપી અને રાજા તરીકે તેનો અભિષેક કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા ઘણું જીવો.”

13 લોકોનાં પોકાર સાંભળીને અથાલ્યા યહોવાના મંદિરે પહોંચી ગઈ.

14 જઈને જોયું તો, લોકો ટોળે વળ્યાં હતાં અને રીતરિવાજ મુજબ રાજા મંચ પર ઊભો હતો, અને બધાં દેશજનો હર્ષના પોકારો કરીને રણશિગડાં વગાડતાં હતા. અથાલ્યાએ રોષમાં આવી પોતાનાં કપડાં ફાડી નાખ્યાં અને તે જોરથી બૂમ પાડી ઊઠી, “રાજદ્રોહ! રાજદ્રોહ!”

15 યાજક યહોયાદાએ સેનાના નાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લઈ જાઓ, યહોવાના મંદિરમાં એનો વધ કરવો નહિ, અને જે કોઈ એની સાથે આવે તેની હત્યા કરો.”

16 તેથી તે લોકોએ તેને પકડી લીધી અને ઘોડાને દરવાજેથી તેને રાજમહેલમાં લઈ ગયા; ત્યાં તેનો વધ કર્યો.

17 યહોયાદા રાજાએ, યહોવા અને પ્રજા વચ્ચે કરાર કર્યો કે તેઓ બધા યહોવાને વિશ્વાસુ રહેશે. તેણે રાજા અને પ્રજા વચ્ચે પણ કરાર કર્યો.

18 પછી દેશના બધા લોકોએ બઆલના મંદિરે જઈ તેને તોડી પાડયું. તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ તોડી નાખી અને બઆલના યાજક માત્તાનને વેદીઓ સામે જ મારી નાખ્યો. યાજકે યહોવાના મંદિરનું રક્ષણ કરવા માટે ચોકીદારો ગોઠવી દીધા.

19 પછી રાજાના અને મહેલના રક્ષકદળના નાયકોને તથા દેશના બધા લોકોને સાથે લઈ રાજાને યહોવાના મંદિરમાંથી રક્ષકોને દરવાજે થઈને રાજમહેલમાં પહોંચાડી દીધો. યોઆશે રાજ સિંહાસન પર આસન લીધું.

20 અથાલ્યાનો રાજમહેલમાં વધ કરવામાં આવ્યો હતો એટલે દેશના બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા, અને શહેરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ.

21 યોઆશ જ્યારે રાજ કરવા આવ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતીં.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan