૨ રાજા 1 - પવિત્ર બાઈબલઅહાઝયા માંટે સંદેશ 1 આહાબના મૃત્યુ પછી મોઆબે ઇસ્રાએલ સામે બળવો કર્યો. 2 જયારે અહાઝયા સમરૂનમાં તેના મહેલના ઉપરના ખંડમાં હતો અને ઝરૂખામાંથી પડી ગયો હતો, અને પથારીવશ હતો. ત્યારે ઇજા પામ્યા પછી તેણે પોતાના માંણસોને, એક્રોનના દેવ બઆલ-ઝબૂબ પાસે એમ કહીને મોકલ્યા કે, “જાણી આવો કે હું આ માંદગીમાંથી સાજો થઈશ?” 3 પરંતુ યહોવાના દૂતે તિશ્બેના એલિયાને જણાવ્યું, “અહાઝયાના સંદેશવાહકો પાસે જા, તેઓને પૂછી જો, ‘શું ઇસ્રાએલમાં કોઇ દેવ નથી? તો શા માંટે તમે બઆલઝબૂબ પાસે એવું પૂછવા એક્રોન જાઓ છો કે, રાજાને સારું થશે કે નહિ? 4 તમે આવું બધુ કર્યુ છે તેથી યહોવા એ કહ્યું છે, તું જે પથારીમાં પડયો છે એમાંથી ઊઠવાનો નથી. તું જરૂર મરી જશે.’” ત્યાર પછી એલિયા ચાલ્યો ગયો. 5 સંદેશવાહકો રાજા પાસે પાછા ગયા એટલે રાજાએ તેઓને પૂછયું, “તમે શા માંટે આટલા જલદી પાછા આવ્યા?” 6 તેમણે કહ્યું, “એક માંણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જાઓ અને તેને કહો કે, ‘આ યહોવાના વચન છે; ઇસ્રાએલમાં કોઈ દેવ નથી કે, તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂબને જઈને પ્રશ્ર્ન કરો છો? આને કારણે તું જે પથારીમાં પડયો છે તેમાંથી ઊઠવાનો નથી, તું જરૂર મરી જશે.’” 7 રાજાએ પૂછયું, “તમને જે માંણસ મળ્યો હતો અને જેણે તમને આ બધું કહ્યું તે કેવો હતો?” 8 તેમણે કહ્યું, “તે વાળની રુંવાટી વાળો માંણસ હતો અને તેણે તેની કમર ફરતે ચામડાનો પટ્ટો પહેર્યો હતો.” રાજા બોલ્યો, “તે તો તિશ્બેનો એલિયા છે!” અહાઝયાના માંણસોને ભસ્મ કરતો અગ્નિ 9 ત્યાર પછી રાજાએ પચાસ સૈનિકોના એક નાયકને તેની ટુકડી સાથે એલિયા પાસે મોકલ્યો. તે જયારે ત્યાં પહોંચ્યો ત્યારે તેમણે તેને એક ટેકરીની ટોચે બેઠેલો જોયો. પેલા નાયકે તેને કહ્યું કે, “હે દેવના માંણસ, રાજાએ તને નીચે આવવાની આજ્ઞા કરી છે.” 10 એલિયાએ જવાબ આપ્યો, “જો હું દેવનો માંણસ હોઉં તો સ્વર્ગમાંથી નીચે અગ્નિ વરસો અને તું અને તારા સૈનિકો અહીં મરી જશો!” તેથી આકાશમાંથી અગ્નિ નીચે વરસ્યો અને બધા સૈનિકોના મૃત્યુ થયા. 11 રાજાએ પચાસ સૈનિકોના બીજા નાયકને પચાસ સૈનિકો સાથે ફરી મોકલ્યો અને તેણે જઈને કહ્યું કે, “હે દેવના માંણસ, રાજાએ કહેવડાવ્યું છે કે, ‘તારે અત્યારે જ આવવું પડશે.’” 12 એલિયાએ કહ્યું, “જો હું દેવનો માંણસ હોઉં, તો આકાશમાંથી અગ્નિ વરસશે અને તું તથા તારા પચાસ સૈનિકો અહીં મરી જશે.” ફરીથી સ્વર્ગમાંથી અગ્નિ વરસ્યો અને બધા સૈનિકોને માંરી નાંખ્યા. 13 ફરી પાછા રાજાએ બીજા પચાસ સૈનિકોને દેવના માંણસ પાસે મોકલ્યા, પચાસ સૈનિકોના ત્રીજા નાયકે એલિયા પાસે આવી તેની આગળ ઘૂંટણિયે પડી વિનંતી કરી કે, “હે દેવના માંણસ, કૃપા કરીને માંરું જીવન તથા આ માંરા પચાસ સૈનિકોના જીવન બચાવશો. 14 છેક સ્વર્ગમાંથી વરસેલા અગ્નિએ અમાંરી પહેલા આવેલા બન્ને નાયકોનો સંહાર કર્યો હતો. તું ચોક્કસ જાણ પણ હવે અમાંરા પર દયા કર.” 15 યહોવાના દૂતે એલિયાને કહ્યું કે, “એની સાથે જા, ગભરાઈશ નહિ.” તે તેની સાથે રાજા પાસે ગયો. 16 અને બોલ્યો, “આ યહોવાનાં વચન છે: કારણ કે ‘તેં એક્રોનના દેવ બઆલઝબૂબને પ્રશ્ર્ન કરવા સંદેશવાહકો મોકલ્યા હતા, તેથી તું હમણા જે પથારીમાં પડયો છે તેમાંથી ઊઠવાનો નથી, તું ચોક્કસપણે મરી જશે.’” અહાઝયાનું સ્થાન લેતો યહોરામ 17 અને જેમ એલિયાએ કહ્યું હતું તેમ યહોવાના શબ્દો સાચા પડ્યાં અને રાજા મૃત્યુ પામ્યો. તેને પુત્ર નહતો એટલે તેનો ભાઈ યહોરામ ઇસ્રાએલીઓનો રાજા બન્યો. યહૂદાના રાજા યહોરામ જે યહોશાફાટનો પુત્ર હતો-તેના શાસનના બીજા વર્ષમાં આ બન્યું. 18 અહાઝયાના શાસન દરમ્યાન બનેલા બાકીના બનાવો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ વિષેના પુસ્તકમાં આલેખવામાં આવ્યાં છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International