Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓ 8 - પવિત્ર બાઈબલ


આપણું દાન

1 અને હવે, મારા ભાઈઓ અને બહેનો, મકદોનિયાની મંડળીઓ પર દેવની જે કૃપા છે તે વિષે અમે તમને જણાવવા ઈચ્છીએ છીએ.

2 કઠિન મુશ્કેલીઓથી તે વિશ્વાસીઓનું પરીક્ષણ થયું હતું. અને તેઓ ઘણા જ દરિદ્ર લોકો છે. પરંતુ તેમના ઉન્મત આનંદને કારણે તેઓએ મોટી ઉદારતાથી આપ્યું.

3 હું તમને કહી શકુ કે તેઓમાં જેટલી શક્તિ હતી, જે તેઓએ અર્પણ કર્યુ તે તેઓને પોષાય તેના કરતાં પણ વધુ તેઓએ આપ્યું. આ સ્વૈચ્છિક રીતે કર્યુ. આમ કરવાને કોઈ વ્યક્તિએ તેમને કહ્યું નહોતું.

4 પરંતુ તેઓએ અમને વારંવાર પૂછયું-તેઓએ દેવના ભક્તોની સેવામાં ભાગીદાર થવા અમને આજીજી કરી.

5 અમે અપેક્ષા નહોતી રાખી તે રીતે તેમણે આપ્યું. પોતાનું ધન આપતા પહેલા પોતાની જાતને તેઓએ પ્રભુને અને અમને સમર્પિત કરી. દેવ આવું ઈચ્છે છે.

6 તેથી કૃપાના આ ભલાઈના વિશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તમને મદદરૂપ થવા અમે તિતસને કહ્યું. તિતસે જ સૌ પ્રથમ આ કાર્યનો પ્રારંભ કર્યો.

7 તમે ઘણી વસ્તુઓમાં-વિશ્વાસમાં, વાણીમાં, જ્ઞાનમાં, અને ખરેખર મદદ કરવામાં, અને અમારી પાસે શીખ્યા તે પ્રેમમાં સમૃદ્ધ છો. અને તેથી આપવાના કૃપા દાનમાં પણ તમે સમૃદ્ધ બનો તેવી અમે આશા રાખીએ છીએ.

8 આપવા માટેનો હું તમને આદેશ નથી આપતો. પરંતુ તમારો પ્રેમ સાચો પ્રેમ છે કે કેમ તે મારે જોવું છે. બીજા લોકો ખરેખર સહાયભૂત થાય છે, એ તમને બતાવીને હું આમ કરવા માંગુ છુ.

9 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી તમે જ્ઞાત છો. તમે જાણો છો કે દેવ સાથે ખ્રિસ્ત સમૃદ્ધ હતો; પરંતુ તમારા માટે તે દીન બન્યો. તેના દરિદ્રી થવાથી તમે સમૃદ્ધ બનો તેથી ખ્રિસ્તે આમ કર્યુ.

10 હું ધારું છું કે તમારે આમ કરવું જોઈએ અને તે તમારા સારા માટે છે. ગત વર્ષે તમે સૌથી પહેલા અર્પણ કરવાની ઈચ્છા દર્શાવેલી. અને તમે જ સૌ પ્રથમ દાન આપ્યું.

11 તેથી જે કાર્યનો તમે પ્રારંભ કર્યો છે, તેને પૂર્ણ કરો. જેથી તમારા “કાર્યની ઈચ્છા” અને તમારું “કાર્ય” સમતુલીત થશે. તમારી પાસે જે કઈ છે તેમાંથી આપો.

12 જો તમારી આપવાની ઈચ્છા હશે, તો તમારા દાનનો સ્વીકાર થશે. તમારી ભેટનું મૂલ્યાંકન તમારી પાસે જે છે તેના ઉપરથી થશે અને નહિ કે તમારી પાસે જે નથી.

13 જ્યારે અન્ય લોકોને રાહત પ્રાપ્ત હોય ત્યારે તમને મુશ્કેલી પડે તેવું અમે ઈચ્છતા નથી. ત્યાં સમાનતા હોવી જોઈએ.

14 અત્યારે તમારી પાસે ઘણું છે. તમારી પાસે જે છે તે લોકોને જે વસ્તુની જરૂર છે તેઓને તે ઘણું મદદરૂપ થઈ શકે તેમ છે. ત્યાર બાદ, જ્યારે તેઓની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમારે જોઈતી વસ્તુ પ્રાપ્ત કરવામાં તમને મદદરૂપ થઈ શકે. અને ત્યાર પછી સમાનતા આવશે.

15 જેમ પવિત્રશાસ્ત્રોમાં લખ્યું છે, “જે વ્યક્તિ એ ઘણું ભેગું કર્યુ છે તેની પાસે ઘણુ વધારે ન હતું, અને જે વ્યક્તિએ ધણું ઓછું ભેગું કર્યુ હતું તેની પાસે ખૂબ ઓછુ ન હતું.”


તિતસ અને તેના સાથીદારો

16 દેવની સ્તુતિ થાઓ કે તેણે તિતસને એટલો પ્રેમ આપ્યો જેટલો મને તમારા માટે છે.

17 અમે તિતસને જે વસ્તુ કરવાની કહી તેનો સ્વીકાર કર્યો. તે તમારી પાસે આવવા ઘણું જ ઈચ્છતો હતો. આ તેનો પોતાનો વિચાર હતો.

18 અમે તિતસની સાથે તે ભાઈને મોકલીએ છીએ જે બધી જ મંડળીઓ સાથે પ્રસંશાને પાત્ર બન્યો છે. આ ભાઈની તેની સુવાર્તાની સેવા માટે તેનું અભિવાદન થયું છે.

19 જ્યારે અમે આ ભેટ લઈ જતા હતા, ત્યારે પણ અમારી સાથે આવવા, મંડળીઓ દ્વારા આ ભાઈની પસંદગી થઈ હતી. અમે આ સેવા કરીએ છીએ. પ્રભુનો મહિમા વધારવા, અને એ દર્શાવવા કે અમે ખરેખર મદદરૂપ થવા માગીએ છીએ.

20 અમે ઘણા જ સજાગ છીએ કે જેથી કોઈ પણ વ્યક્તિ અમે જે રીતે આટલી મોટી ભેટની સાથે કામ કરીએ છીએ તેની ટીકા ન કરે.

21 અમે આ વસ્તુઓ એ રીતે કરવા ધારીએ છીએ. જે પ્રભુની આંખો સમક્ષ ન્યાયી છે. લોકો જેને ન્યાયી ગણે છે તેવું કરવાનો અમારો ઈરાદો છે.

22 અમે તેઓની સાથે અમારા ભાઈને પણ મોકલીએ છીએ, જે હમેશા મદદરૂપ થવાને તૈયાર હોય છે. ઘણી રીતે તેણે આ બાબતમાં અમને સાબિતી આપી છે. અને હવે જ્યારે તેને તમારામાં ઘણો વિશ્વાસ છે ત્યારે તો તે વધુ મદદરૂપ થવા ઈચ્છે છે.

23 હવે તિતસ વિષે-તે મારો સાથીદાર છે. તમને મદદરૂપ થવા તે મારી સાથે કામ કરે છે. અને બીજા ભાઈઓ માટે તેઓ મંડળીઓ દ્વારા મોકલવામાં આવ્યા છે. અને તેઓ દેવને મહિમા આપે છે.

24 તેથી આ માણસોને દર્શાવો કે તમારી પાસે પ્રેમ છે. તેઓને બતાવો કે અમે કેમ તમારા માટે ગર્વ અનુભવીએ છીએ. પછી બધી જ મંડળીઓ આ જોશે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan