2 કરિંથીઓ 6 - પવિત્ર બાઈબલ1 દેવ સાથે આપણે સહકાર્યકર છીએ. તેથી અમે તમને અરજ કરીએ છીએ. દેવ તરફથી તમને જે કૃપા મળી છે તેને વ્યર્થ ન જવા દેશો. 2 દેવ કહે છે કે, “યોગ્ય સમયે મેં તમને સાંભળ્યા, અને તારણના દિવસે મેં તમને મદદ કરી.” હું તમને કહું છું કે, “યોગ્ય સમય” હમણાં છે. અને “તારણનો દિવસ” પણ હમણાં છે. 3 અમે નથી ઈચ્છતા કે લોકો અમારા કાર્યમાં કશી ક્ષતિ જુએ. જેથી અન્ય લોકો માટે સમસ્યારૂપ બને તેવું અમે કશું જ કરતા નથી. 4 પરંતુ બધા જ સંજોગોમાં હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે અમે દેવના સેવકો છીએ: આપત્તિમાં મુશ્કેલીમાં અને ગંભીર સમસ્યાઓમાં, ઘણી કઠિન વસ્તુઓનો સ્વીકાર કરીને. 5 જ્યારે અમને મારવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા છે. જ્યારે લોકો બેચેન થઈ જાય છે અને અમારી સાથે ઝઘડે છે, જ્યારે અમે સખત કામ કરીએ છીએ અને જ્યારે અમને આહાર કે નિંદ્રા મળતાં નથી. 6 અમારી સમજશક્તિથી, અમારા ધૈર્યથી, અમારી મમતાથી અને અમારા નિર્મળ જીવનથી અમે દર્શાવીએ છીએ કે અમે દેવના સેવકો છીએ. પવિત્ર આત્મા થકી, સાચા પ્રેમ થકી, 7 સત્ય કહેવાથી, અને દેવના પરાક્રમથી, અમે અમારા ન્યાયી રીતે જીવવાના માર્ગનો ઉપયોગ અમારા વિરૂદ્ધની દરેક વસ્તુથી અમારી જાતને બચાવવા અમે કરીએ છીએ. 8 કેટલાએક લોકો અમને માન આપે છે, પરંતુ બીજા લોકોથી અમે શરમિંદા થઈએ છીએ. કેટલાએક લોકો અમારા વિષે સારું બોલે છે, પરંતુ બીજા કેટલાએક લોકો અમારા વિષે ખરાબ બોલે છે. કેટલાએક લોકો કહે છે કે અમે જૂઠા છીએ, પરંતુ અમે સત્ય બોલીએ છીએ. 9 કેટલાએક લોકો અમારાથી અજાણ્યા છે, પરંતુ અમે ખૂબ જાણીતા છીએ. અમે મૃતપ્રાય: દેખાઈએ છીએ, પરંતુ જુઓ! અમે જીવી રહ્યા છીએ. અમને શિક્ષા થઈ છે. પરંતુ માર્યા નથી ગયા. 10 અમારામાં ઘણો જ વિષાદ છે, પરંતુ અમે કાયમ પ્રફૂલ્લિત રહીએ છીએ, અમે દરિદ્ર છીએ, પરંતુ ઘણા લોકોને અમે વિશ્વાસમાં સમૃદ્ધ બનાવ્યા છે. અમારી પાસે કશું જ નથી, પરંતુ વાસ્તવમાં અમારી પાસે બધું જ છે. 11 ઓ કરિંથના લોકો, તમારા લોકોની સાથે અમે મુક્ત રીતે વાતો કરી. અમે અમારું હૈયું તમારી આગળ ખોલ્યું. 12 તમારા પ્રત્યેની અમારી સ્નેહની લાગણી અટકી નથી ગઈ. તમે લોકોએ અમારા પ્રત્યેની તમારા પ્રેમની લાગણીએ ગુંગળાવી નાખી છે. 13 તમે મારાં બાળકો છો તે રીતે હું તમારી સાથે વાત કરું છું. જે રીતે અમે કર્યુ. તે રીતે તમે કરો, તમારા અંતરને પણ મુક્ત અને વિશાળ કરી દો. બિન ખ્રિસ્તીઓ વિષે ચેતવણી 14 જે લોકો અવિશ્વાસી છે તેવા તમે નથી. તેથી તેઓની સોબત ન રાખો. સારા અને નરસાનું સહઅસ્તિત્વ નથી હોતું. પ્રકાશને અંધકાર સાથે સંગત ન હોઈ શકે. 15 ખ્રિસ્ત અને શેતાન વચ્ચે કોઈ કરાર કેવી રીતે હોઈ શકે? વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો ભાગ હોય? 16 દેવના મંદિર અને મૂર્તિઓ વચ્ચે કોઈ જાતનો કરાર હોઈ શકે? આપણે જીવતા દેવનું મંદિર છીએ, જેમ દેવ કહે છે કે: “હું તેઓની સાથે જીવીશ અને તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોક થશે.” 17 “તેથી તે લોકોથી વિમુખ થાઓ અને તમારી જાતને તેઓનાથી જુદી તારવો, એમ પ્રભુ કહે છે. જે કઈ નિર્મળ નથી તેનો સ્પર્શ ન કરો, અને હું તમને અપનાવીશ.” 18 “હું તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરા દીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International