2 કરિંથીઓ 5 - પવિત્ર બાઈબલ1 અમે જાણીએ છીએ કે અમારું શરીર-માંડવો કે જેની અંદર અમે આ પૃથ્વી ઉપર રહીએ છીએ-તે નાશ પામશે. પરંતુ જ્યારે આમ થશે ત્યારે અમારે રહેવાનું ઘર દેવ પાસે હશે. તે માનવસર્જીત ઘર નહિ હોય. તે અવિનાશી નિવાસસ્થાન સ્વર્ગમાં હશે. 2 પરંતુ આ શરીરમાં અમે નિસાસા નાખીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે દેવ હવે અમને સ્વર્ગીય નિવાસસ્થાન આપે. 3 તે અમને વસ્ત્રો પહેરાવશે કે જેથી અમે નગ્ન ન રહીએ. 4 જ્યાં સુધી અમે આ માંડવામાં રહીએ છીએ, કષ્ટ અને ફરિયાદો અમારી સાથે રહેવાની. હું એમ નથી કહેતો કે અમારે આ માંડવો દૂર કરવો છે. પરંતુ અમારે સ્વર્ગીય આવાસનાં વસ્ત્રો પરિધાન કરવાં છે, પછી આ મૃત્યાધીન શરીર, જીવનથી આચ્છાદિત થશે. 5 આ માટે દેવે અમારું સર્જન કર્યુ છે. અને તે અમને નવજીવન આપશે. તેની ખાતરીરૂપે તેણે અમને આત્માનું પ્રદાન કર્યુ છે. 6 તેથી હમેશા અમારામાં હિંમત હોય છે. અમે જાણીએ છીએ કે જ્યાં સુધી અમે આ શરીરમાં જીવીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી દૂર છીએ. 7 અમે અમારા વિશ્વાસથી જીવીએ છીએ. નહિ કે જે દશ્ય છે તેનાથી. 8 તેથી અમને ભરોસો છે. અને ખરેખર અમે આ શરીરથી વિચ્છિત થઈને પ્રભુની પાસે વાસો કરવા ઈચ્છીએ છીએ. 9 અમારો ધ્યેય દેવને પ્રસન્ન કરવાનો છે. આપણે શરીરમાં હોઈએ કે દેવની સાથે હોઈએ, અમે તેને પ્રસન્ન કરવા ઈચ્છીએ છીએ. 10 આપણે બધાએ ખ્રિસ્તની સામે ન્યાય માટે ઉપસ્થિત થવું જ પડશે. તેને જે મળવું જોઈએ તે દરેક વ્યક્તિને મળશે. જ્યારે તે તેના ભૌતિક શરીરમાં જીવતો હતો ત્યારે તેણે જે કઈ સારું ખરાબ કર્યુ હશે તે પ્રમાણે પ્રત્યેક વ્યક્તિનો ન્યાય થશે. મદદરુંપ થનાર લોકો દેવના મિત્ર બને છે 11 પ્રભુના ભયનો અર્થ શું છે તે અમે જાણીએ છીએ. જેથી લોકો સત્યને સ્વીકારે તે માટે મદદરૂપ થવા અમે પ્રયત્ન કરીએ છીએ. દેવ જાણે છે કે અમે ખરેખર શું છીએ. અને મને આશા છે કે તમારા અંતરમાં તમે અમને પણ જાણો છો. 12 અમે ફરીથી અમારી જાતને તમારી આગળ પ્રમાણિત કરવા નથી માંગતા. પરંતુ અમે અમારા વિષે માત્ર તમને જણાવવા માગીએ છીએ. તમે અમારા માટે ગર્વ અનુભવો તે માટે તમને કારણો આપવા માંગીએ છીએ. પછી તમારી પાસે ઉત્તર આપવા કઈક હશે જેઓને દશ્યમાન વસ્તુઓ માટે અભિમાન છે તે લોકો વ્યક્તિના અંતરમાં શું છે, તેની દરકાર કરતા નથી. 13 જો અમે ઘેલા છીએ, તો તે દેવના માટે છીએ. જો અમારું મગજ સ્થિર છે, તો તે તમારા માટે છે. 14 ખ્રિસ્તનો પ્રેમ અમને અંકૂશમાં રાખે છે. શા માટે? કારણ કે અમે જાણીએ છીએ કે તે એક બધા માટે મૃત્યુ પામ્યો છે. તેથી જ બધા મૃત્યુ પામ્યા. 15 ખ્રિસ્ત સર્વ લોકો માટે મરણ પામ્યો કે જેથી જે લોકો જીવે છે તેઓ પોતાના માટે જ ન જીવે. તે તેઓને માટે મૃત્યુ પામ્યો અને તે મૃત્યુમાંથી સજીવન થયો. તેથી તે લોકો તેના માટે જીવે. 16 તેથી આ સમયથી જે રીતે દુનિયા લોકો વિષે વિચારે છે તે રીતે અમે કોઈ પણ એક વ્યક્તિ વિષે વિચારતા નથી. તે સાચું છે કે ભૂતકાળમાં જે રીતે દુનિયા વિચારે છે તે રીતે અમે ખ્રિસ્ત વિષે વિચાર્યુ. પરંતુ હવે અમે તે રીતે વિચારતા નથી. 17 જે વ્યક્તિ ખ્રિસ્તમય છે તે નવોદિત છે, તે એક નવું સર્જન છે. જૂની વસ્તુનો વિસય થયો છે, બધું જ નવોદિત છે! 18 આ બધુંજ દેવ તરફથી દેવ થકી છે. દેવે તેની અને અમારી વચ્ચે સુલેહ કરી છે. અને લોકોને દેવ સાથે સુલેહ કરવાનું કામ દેવે અમને સોંપ્યું છે. 19 હું સમજુ છું કે ખ્રિસ્ત ઈસુમાં દેવ હતો અને વિશ્વ અને પોતાની વચ્ચે સુલેહ શાંતિ કરતો હતો. ખ્રિસ્તમય લોકોને તેઓના પાપ માટે દેવે દોષિત ન ઠરાવ્યા. અને શાંતિનો આ સંદેશ બધા લોકો માટે તેણે અમને આપ્યો. 20 તેથી ખ્રિસ્ત વતી ઉદબોધન કરવા અમને મોકલવામાં આવ્યા છે. જાણે કે અમારા થકી દેવ લોકોને વિનંતી કરે છે. જ્યારે અમે તમને દેવ સાથે સુલેહ કરવાનું વિનવીએ છીએ ત્યારે અમે ખ્રિસ્ત વતી જ બોલીએ છીએ. 21 ખ્રિસ્ત નિષ્પાપી હતો, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે માટે પાપરૂપ કર્યો. દેવે આમ અમારાં માટે કર્યુ કે જેથી અમે ખ્રિસ્તમાં દેવ સાથે સત્યનિષ્ઠ બની શકીએ. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International